અમદાવાદઃ ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી માધ્યમિક આર્ષિક પરીક્ષાનું આજનું ગણિત વિષયનું પ્રશ્નપત્ર ખૂબ જ અઘરું અને લાંબુ રહ્યું હતું. ગણિત શિક્ષકોના મત મુજબ છેલ્લાં કેટલાક વર્ષથી આવુ વિચિત્ર પ્રશ્નપત્ર આવ્યું નથી.પરીક્ષા પૂર્ણ કરી બાળકો રડતાં રડતાં બહાર આવી રહ્યાં હતા. હતાશા ચહેરા પર વર્તાઈ રહી હતી અને નિરાશા પણ ટપકી રહી હતી. વિભાગ Aમાં પૂછેલ પ્રશ્નો પણ એટલા અઘરા અને અટપટા હતાં કે જેથી બાળકો નિયત સમયમર્યાદામાં તેને યોગ્ય ન્યાય આપી શક્યા ન હતા. પુસ્તક બહારના અને અભ્યાસક્રમ બહારના પણ દાખલા પૂછીને બાળકોની કસોટી માત્ર કરવાના ઈરાદાથી પ્રશ્નો તૈયાર કરવામાં આવ્યાં હતાં. ગુ.મા.શિ.બોર્ડ દ્વારા આપવામાં આવેલ બ્લુ પ્રિન્ટને અવગણીને વિદ્યાર્થીઓમાં હાઉ કે ડર પેદા કરવાના મલીન ઉદ્દેશથી પેપર સેટરે પેપર તૈયાર કર્યું હોય એ સ્પષ્ટ જણાઈ આવે છે.આ બાબતે બોર્ડ યથાયોગ્ય રીતે તટસ્થ-ન્યાયિક-નિષ્પક્ષ તપાસ હાથ ધરી જવાબદાર પેપર સેટર અને અધિકારીઓ ને સજાની તજવીજ કરે એવું વિદ્યાર્થીઓ અને વાલીઓ ઈચ્છે છે.