મેં મારા માતા-પિતાને ગુમાવ્યા પણ અન્ય લોકોના માતા-પિતાને બચાવીશ: MBBSની વિદ્યાર્થી
રાજકોટ મેડિકલ કોલેજમાં MBBSના બીજા વર્ષમાં અભ્યાસ કરતી અપેક્ષા મારડીયાના માતા-પિતા કોરોનામાં મોતને ભેટ્યા. તેમ છતાં પણ આ દીકરીએ હિંમત હાર્યા વગર જ સમરસ કોવિડ હોસ્પિટલમાં પોતાની ડ્યુટી જોઈન્ટ કરી લીધી
- હિંમત હાર્યા વગર જ કોરોના દર્દીઓની સારવારમાં જોડાઈ
- નાનાભાઈની ઘડતરની મોટી જવાબદારી
ગૌરવ દવે/ રાજકોટ: રાજકોટ મેડિકલ કોલેજમાં MBBSના બીજા વર્ષમાં અભ્યાસ કરતી અપેક્ષા મારડીયાના માતા-પિતા કોરોનામાં મોતને ભેટ્યા. તેમ છતાં પણ આ દીકરીએ હિંમત હાર્યા વગર જ સમરસ કોવિડ હોસ્પિટલમાં પોતાની ડ્યુટી જોઈન્ટ કરી લીધી. તેનું કહેવું છે કે, મેં મારા માતા-પિતા ગુમાવ્યા પણ અન્ય લોકોના માતા-પિતાના જીવ બચાવીને મારે શ્રદ્ધાંજલિ આપવી છે.
અપેક્ષા મારડીયાએ જણાવ્યું હતું કે, મારા માતા પિતા હવે રહ્યા નથી, જેનું મને ખુબ જ દુઃખ છે. આ દુ:ખને ભૂલાવીને પણ માનવજાત ઉપર આવી પડેલી આ વિકટ પરિસ્થિતિમાં હું અન્યોને મદદરૂપ થવા માંગુ છું. કોરોના સંક્રમણથી અન્ય લોકોના માતા - પિતાને બચાવીને મારે મારા માતા - પિતાને સાચી શ્રદ્ધાંજલિ આપવી છે.
આ પણ વાંચો:- ઉપલેટામાં માનવતા મહેકી, ગરીબ પરિવારના કોરોના દર્દીને લઈ જવા રિક્ષાની ફ્રી સેવા
અનેક ગંભીર દર્દીઓનો અને તેમના પરિવારજનોનો જયારે મેડિકલ ટીમ પર ભરોસો છે. ત્યારે તેમની અપેક્ષા પરિપૂર્ણ કરવી જોઈએ. તેવું સમજી તા. 27 એપ્રિલથી સમરસ કોવીડ સેન્ટર પર ફરજ બજાવવાનું અપેક્ષાએ શરુ કરી દીધું છે. દર્દીઓના રિપોર્ટ્સ, ઓક્સિજન લેવલ ચેક કરવું, દવા આપવી, દર્દીના શિફટિંગ તેમજ અન્ય કામગીરીમાં મદદરૂપ બની રહી છે અપેક્ષા.
આ પણ વાંચો:- રાજકોટના એક જ પરિવારમાં 1 વર્ષના બાળક સહિત 15 સભ્ય સંક્રમિત, જીતી કોરોના સામેની લડાઈ
નાના ભાઈના ઘડતરની પણ મોટી જવાબદારી
એક ગંભીર દર્દીને પી.ડી.યુ ખાતે શિફ્ટ કરવા સમયે દર્દીની સાથે એમ્બ્યુલન્સમાં સાથે જઈ દેખભાળ કરી, એટલું જ નહિ દર્દીને વેન્ટિલેર પર મુકાય ત્યાં સુધી મદદરૂપ બની. હાલ એ દર્દીની સ્થિતિ સારી છે. જે તેના માટે આનંદની ક્ષણો હોવાનું અપેક્ષા જણાવે છે. અપેક્ષાના પિતાજી ગત. તા. 6 એપ્રિલ અને માતા તા.10 એપ્રિલના રોજ કોરોનાના કારણે અવસાન પામતા તેના પર અપાર દુઃખ આવી પડ્યું, સાથે 10 માં ધોરણમાં ભણતા નાના ભાઈના ઘડતરની પણ મોટી જવાબદારી આવી ચડી છે.
આ પણ વાંચો:- માનવતાનું ઝરણું: ગોંડલની શ્રી રામ હોસ્પિટલમાં વિનામૂલ્યે શરૂ કરાયું ડે કેર યુનિટ
ફરજ અદા કરી સાચા અર્થમાં કોરોના વોરિયર્સ સાબિત થઈ
આ કપરી પરિસ્થિતિમાં તેણી ધારત તો ફરજનો અસ્વીકાર કરી શકે તેમ હતી. પરંતુ તેણે ફરજને પ્રાથમિકતા આપી. દુઃખી રહેવાને બદલે દર્દીઓની સારવારમાં જીવ રેડી દીધો હોવાનું સમરસ અધ્યક્ષશ્રી ચરણસિંહ ગોહિલ અને સિનિયર ડોક્ટર્સની ટીમ જણાવે છે. હાલ તબીબી વિદ્યાર્થીઓ જરૂરિયાતના સમયે દર્દીઓને બચાવવાની તેમની ફરજ અદા કરી સાચા અર્થમાં કોરોના વોરિયર્સ સાબિત થઈ રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube