મહેસાણાઃ નેતાની નગરી મહેસાણામાં દીવા તળે અંધારા જેવી સ્થિતિ સર્જાઈ છે. અધિકારીઓએ કામ કંઈક એવું કર્યું કે જેના કારણે તેમની હોશિયારી પર સવાલો ઉઠવા લાગ્યા છે...આંગણવાડી બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા થઈ ગઈ, ટેન્ડર આપી દેવાયું, વર્ક ઓર્ડર પણ અપાઈ ગયો...પરંતુ આંગણવાડી ક્યાં બનાવવી તે નક્કી નથી...મહેસાણા નગરપાલિકાએ કરેલા આ કામથી વિપક્ષ આક્રોશિત થયું છે...સામાન્ય રીતે ટેન્ડર ત્યારે બહાર પડે છે જ્યારે બધુ જ નક્કી હોય પરંતુ અહીં તો જગ્યાના ઠેકાણાં નથી ત્યાં અને વર્ક ઓર્ડર કરી દેવાયો છે...ત્યારે જુઓ ભૂલકાના ભવિષ્ય સાથે રમત રમતી મહેસાણા પાલિકાનો આ અહેવાલ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોઈ પણ સરકારી કામમાં જ્યારે ટેન્ડર પ્રક્રિયા થઈ જાય એટલે કામગીરી શરૂ થઈ જાય છે. સમયસર કામગીરી પણ પૂર્ણ કરી દેવાની હોય છે...પરંતુ નેતાઓની નગરી મહેસાણામાં તો કામ પૂર્ણ તો ઠીક ચાલુ ક્યારે થશે તે સવાલ છે. કારણ જે કામ કરવાનું છે તે કામ ક્યાં કરવાનું છે તે સ્થળ જ નક્કી નથી...અચરજ લાગે તેવું કામ મહેસાણા નગરપાલિકાએ કર્યું છે...મહેસાણા શહેરમાં ત્રણ આંગણવાડી બનાવવા માટે ગત જાન્યુઆરીમાં જ ટેન્ડર બહાર પાડીને 6 મહિનામાં કામ પૂર્ણ કરવાનો વર્ક ઓર્ડર આપી દેવાયો છે. પરંતુ હજુ સુધી બે આંગણવાડી ક્યાં બનાવવી તે નક્કી નથી... શહેરના જનતાનગર અને શાલીમાર સોસાયટી વિસ્તારમાં અનુકૂળ જગ્યા ના અભાવે ગ્રાન્ટ છતાં આંગણવાડી બનાવવાનું કામ લટકી પડ્યું છે....


શું છે મામલો?
મહેસાણામાં 3 આંગણવાડી બનાવવા ટેન્ડર બહાર પાડાયું હતું
6 મહિનામાં કામ પૂર્ણ કરવાનો વર્ક ઓર્ડર આપી દેવાયો
હજુ સુધી બે આંગણવાડી ક્યાં બનાવવી તે નક્કી નથી
જનતાનગર અને શાલીમાર વિસ્તારમાં અનુકૂળ જગ્યા નહીં
ગ્રાન્ટ છતાં આંગણવાડી બનાવવાનું કામ લટકી પડ્યું છે


એક આંગણવાડી મહેસાણાના માર્કેટ યાર્ડ પાછળ જનતાનગર વિસ્તારમાં 15 વર્ષથી ભાડાના મકાનમાં ચાલી રહી છે . અહી ફળવાયેલ જગ્યા ઓવર હેડ ટાંકી પાસે છે...જે મોટી દુર્ઘટના સર્જી શકે છે.  બ્રાહ્મણી માતાજી મંદિર સામે ટીપી પ્લોટની જગ્યા નક્કી કરવા કવાયત ચાલી રહી છે . આવી જ હાલત કસ્બા વિસ્તારમાં આવેલ શાલીમાર સોસાયટીમાં કોમન પ્લોટમાં બનાવવાનું નક્કી કરાયું હતું. પરંતુ અહીં જગ્યા નદી પટ પાસે હોઈ આંગણવાડી બનાવવા જગ્યા યોગ્ય નથી. એટલે કે અહી પણ જગ્યા બદલવા કવાયત કરવી પડશે. સમગ્ર મામલે વિપક્ષ દ્વારા પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે.


ક્યારે બનશે આંગણવાડી?
બ્રાહ્મણી માતાજી મંદિર સામે ટીપી પ્લોટની જગ્યા નક્કી કરવા કવાયત
કસ્બામાં શાલીમાર સોસાયટીમાં કોમન પ્લોટમાં બનાવવાનું નક્કી કરાયું
જગ્યા નદી પટ પાસે હોઈ આંગણવાડી બનાવવા જગ્યા યોગ્ય નથી


તો દીવા તળે અંધારા જેવી સ્થિતિ સર્જાતા આ મામલે જ્યારે અમે મહેસાણા નગરપાલિકાનો સંપર્ક કર્યો તો પ્રમુખે પાલિકાની કામગીરી મામલે બચાવ કર્યો...તેમણે જણાવ્યું કે લે આઉટ પ્લાનના નકશા મુજબ જગ્યા સુચવેલી હતી...પરંતુ સ્થળ પર જઈને જોયું તો ઓવરહેડ ટાંકી હોવાથી ટીપી પ્લોટમાં આંગણવાડી બનાવવાનું આયોજન ચાલી રહ્યું છે...તો શાલીમાર સોસાયટી વિસ્તારના પ્રશ્ન મુદ્દે ફમ અન્ય જગ્યાની તજવીજ ચાલી રહી છે. ટૂંક સમયમાં જ બન્ને આંગણવાડી માટે જગ્યા નક્કી કરી લેવાશે.