તેજસ દવે/મહેસાણા :મહેસાણા તાલુકાના મુદરડા ગામમાં એક યુવાનને માતાજીના મંદિરમાં સ્પીકર વગાડવાની સજા રૂપે મોત મળ્યું છે. ઘર આગળ બનાવેલા મંદિરમાં સાંજના સમયે દીવાબત્તી કરી સ્પીકર વગાડતા બે ભાઈઓ ઉપર ગામના જ 6 શખ્સ લાકડીઓ અને ધોકા લઈને તુટી પડ્યા હતા. જેમાં ગંભીર રીતે ઘવાયેલા એક ભાઈનું સારવાર દરમિયાન મોત થયું છે અને બીજા ભાઈને સારવાર અર્થે અમદાવાદ સિવિલ ખસેડવામાં આવ્યો છે. લાંઘણજ પોલીસે આ મામલે 6 શખ્સ સામે હત્યાનો ગુનો નોંધી જેલ હવાલે કરી દીધા છે. સ્પીકર ધીમું વગાડવા મામલે થયેલી તકરાર બાદ મામલો હત્યા સુધી પહોંચી જતા નાનકડા ગામમાં ચકચાર થવા પામી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માતાજીના મંદિરમાં સાંજની આરતી ટાંણે દીવાબત્તી કરી સ્પીકર વગાડવું એ સામાન્ય બાબત છે. પણ આ આમ બાબતમાં મહેસાણા તાલુકાના મૂદરડા ગામમાં એક 40 વર્ષીય યુવાનને જીવ ખોવાનો વારો આવ્યો છે. મુદરડા ગામના ટેબાવાળા ઠાકોર વાસમાં રહેતા અજીતજી વીરસંગજી ઠાકોર (ઉંમર 46 વર્ષ) અને તેમના નાના ભાઇ જસવંતજી ઠાકોરે ઘરના કમ્પાઉન્ડમાં મેલડી માતાજીનું મંદિર બનાવ્યું છે. આ મંદિરમાં બંને ભાઈઓ દરરોજ સેવા પૂજા કરી માતાજીની આરતી સમયે લાઉડ સ્પીકર વગાડતા હતા, જે બાબત તેમના ઘર નજીક રહેતા લોકોને ખૂંચતી હોવાને કારણે મંગળવારે સાંજે 7 વાગે આ મામલે ઝગડો થયો હતો. જેમાં સદાજી રવાજી ઠાકોર, વિષ્ણુજી રવાજી ઠાકોર, બાબુજી ચેલાજી ઠાકોર, જ્યંતીજી રવાજી ઠાકોર, જવાનજી ચેલાજી ઠાકોર અને વિનુજી ચેલાજી ઠાકોર નામના 6 શખ્સ લાકડી અને ધોકા જેવા હથિયાર સાથે બંને ભાઈઓ ઉપર તૂટી પડ્યા હતા. જેમાં બંને ભાઈઓને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન જશવંતજી ઠાકોરનું મોત થયુ હતું. પોલીસે હુમલો કરનાર 6 શખ્સ સામે હત્યાનો ગુનો દાખલ કરી જેલ હવાલે કરી દીધા છે.


લાઉડ સ્પીકર વગાડવા જેવી બાબતમાં મામલો હત્યા સુધી પહોંચી જતા નાનકડા મુદરડા ગામમાં સોપો પડી ગયો છે. જોકે માતાજીની પૂજા અર્ચના વખતે એક જ સમાજના લોકોએ હુમલો કરતા આખો મામલો ચર્ચાસ્પદ બન્યો છે. બીજી તરફ આ ઘટના ઘટી તે વખતે આ બંને ભાઈઓ અને તેમનો ભાણો એકલા જ ઘરે હતા. જો કે ભાણો અન્ય જગ્યા ઉપર હોવાથી તે હુમલાનો ભોગ બનતા બચી ગયો હતો.


આ ઘટના બન્યા બન્યા બાદ ભાણાએ તેની જાણ માતા હંસાબેનને કરી હતી. હંસાબેન દ્વારા હંસાબેને 100 નંબર ઉપર પોલીસને ઘટનાની માહિતી આપતાં લાંઘણજ પોલીસ સ્ટાફ મુદરડા ગામે દોડી આવી ઇજાગ્રસ્ત બંને ભાઇઓને 108 ની મદદથી મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. જોકે, ઇજાઓ ગંભીર હોઇ બંને ભાઇઓને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે જસવંતજી ઠાકોરને મૃત જાહેર કર્યા હતા. આ મામલે લાંઘણજ પોલીસે 6 શખ્સો વિરુદ્ધ હત્યા, રાયોટિંગ, મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.


માતાજીની આરાધના કરવી એ આપણો ધાર્મિક સંસ્કાર છે. પણ માતાજીની આરાધના વખતે સ્પીકર વગાડવા જેવી સામાન્ય બાબતમાં 40 વર્ષીય વ્યક્તિને જીવ ખોવો પડ્યો છે. ત્યારે આ ઘટનાને લઈને હાલમાં એક જ સમાજના બે જૂથ વચ્ચે પણ ખટરાગ ઉભો થયો છે. તો પૂજા અર્ચના વખતે બનેલી ઘટનાને કારણે હુમલાખોરો ઉપર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.