નરેશ ભાલિયા, રાજકોટઃ રાજ્યમાં દુષ્કર્મની ઘટનાઓ સતત વધી રહી છે. રાજ્યભરમાં દુષ્કર્મના કેસ વધી રહ્યાં છે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠી રહ્યાં છે. રાજકોટ જિલ્લાના જસદણમાં એક મહિનામાં ચારથી વધુ દુષ્કર્મની ઘટનાઓ સામે આવી છે. જસદણમાં એક સગીરા દુષ્કર્મનો ભોગ બની છે. જોકે પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ કરી લીધી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોજબરોજ દુષ્કર્મનાં બનાવ પ્રકાશમાં આવી રહ્યા છે.  વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે રાજકોટનાં જસદણથી. જસદણના એક ગામે રહેતી સગીરાનુ બે દિવસ પહેલા અપહરણ થયું હતું. જેની ફરિયાદ જસદણ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી. જસદણના એક ગામે 17 વર્ષીય સગીરાનું અપહરણ ગોખલાણા ગામના રહેવાસી મંગળુ ચંપૂભાઈ વાળા દ્વારા કરવામાં આવ્યું હતું. જસદણ પોલીસને જાણ થતા પોલીસે તાત્કાલિક સગીરાને આરોપીના ચુંગાલમાંથી મુક્ત કરાવી અને  આરોપી મંગળુ વાળાની ધરપકડ કરવામાં આવી અને જસદણ પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.


જસદણ પંથકમાં આવા બનાવોમા સતત વધારો થયો છે. આપને જણાવી દઈએ કે માત્ર જસદણમાં 1 મહિનામાં 4થી વધુ ગુના નોંધાયા છે. ત્યારે આ વિષયની ગંભીરતા જોતા પાટીદાર સમાજના આગેવાન દિનેશ બાંભણિયાએ પણ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે તાજેતરની અંદર છેલ્લા એકાદ માસમાં જસદણ પંથકમાં જે કોઈ આ પ્રકારના બનાવ બને છે તેમાં સ્થાનિક આગેવાનોએ અને અગ્રણીઓએ પણ કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા તેમજ આવા લુખ્ખા અને આવારા તત્વો બેફામ ન બને તે માટે પોલીસ ફરિયાદો કરવી જોઈએ અને પોલીસે પણ આ પ્રકારના ગુન્હા આચરનાર સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. કારણ કે આ પ્રકારની સતત વધતી ઘટનાઓ વાલીઓ માટે પણ ચિંતાનો વિષય છે.


હાલ તો આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યા બાદ પોલીસ પણ ગંભીરતાથી કાર્યવાહી કરી રહી છે.પણ આ પ્રકારનાં કિસ્સાઓમાં દાખલારૂપ કાર્યવાહી કરવી પણ એટલી જ આવશ્યક છે જેથી આવા લુખ્ખા તત્વોને ડામી શકાય. હવે પોલીસ આગામી સમયમાં શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.