Gujarat Government : હાલ ગુજરાતના 33 જિલ્લાઓમાં નવા ત્રણ જિલ્લાઓનો સમાવેશ થવાની ચર્ચી ઉઠી છે. હાલ રાજ્યમાં નવા 3 જિલ્લાઓ પુનઃ રચના માટે સરકારમાં વિચારણા ચાલી રહી છે. સરકારે છેલ્લે 2013માં 7 નવા જિલ્લા જાહેર કર્યા હતા, જો કે તેના અગિયાર વર્ષ બાદ ફરી નવા જિલ્લાઓની જાહેરાત થાય તેવી ચર્ચાઓ જોવા મળી રહી છે. ત્યારે ઉત્તર ગુજરાતના રાધનપુરને જિલ્લો જાહેર કરવા ગુજરાતના મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ છે. રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે. તેમણે પત્રમાં લખ્યું કે, રાઘનપુરને જિલ્લો જાહેર કરવામાં આવે તો જનતાને ઘણો જ ફાયદો થશે. રાધનપુરને જિલ્લો જાહેર કરવાની અમારી વર્ષોની માગણી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાધનપુર માટે લવિંગજી ઠાકોરે લખ્યો પત્ર
રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે પત્રમાં લખ્યું કે, મારા મત વિસ્તાર રાધનપુરને જીલ્લો બનાવવા માટેના સમાચાર લોકોમાં વહેતા થયા છે. રાધનપુરને જીલ્લો જાહેર કરવાની લોકોની વર્ષો જુની પ્રબળ માંગણી છે. રાધનપુર આજુબાજુના તાલુકાઓથી મધ્યમાં આવેલુ વિકસિત, વેપારી મથક અને શાંતી પ્રિય સુંદર શહેર આવેલુ છે. રાધનપુર આજુબાજુના તમામ તાલુકાના લોકો ખેડૂતો દરરોજ રાધનપુર ખાતે સૌથી મોટું વેપારી મથક હોવાથી ખરીદ વેચાણ અર્થે તેમજ રાધનપુરમાં જીઈબી વર્તુળ કચેરી, નર્મદા વર્તુળ કચેરી હોઈ આજુબાજુના તાલુકાના લોકોનું દરોજનું આવન જાવન છે. 


રાધનપુરને નવો જિલ્લો બનાવવા અરજી કરી 
તેમણે વધુમાં લખ્યું કે, રાધનપુરને જીલ્લો જાહેર કરવામા આવ તો રાધનપુર થી અંદાજીત ૨૫-૫૦ કીમી હદમાં આવેલા તમામ તાલુકાના લોકોના સરકારી કામો તેમજ બજાર ખરીદ વેચાણના કામો રાધનપુર ખાતે થશે તો લોકોને ખુબજ સુવિધાજનક રહેશે.કચ્છ થી ગુજરાત, દિલ્લી થી સમગ્ર ભારત ને જોડતી રેલ્વે સુવિધા માટે રેલ્વે સ્ટેશન તમેજ તે રીતે રોડ કનેક્ટિવીટી માટે નેશનલ હાઈવે, ભારત માલા રોડ અને સ્ટેટ હાઈવે રોડ આવેલા છે. રાધનપુર શહેરમાં સબ ડીસ્ટ્રીક રેફરલ હોસ્પિટલ તેમજ સબ ડિસ્ટ્રક કોર્ટ આવેલી છે. તેમજ બસ સ્ટેન્ડ ડેપો, માર્કેટ યાર્ડ, બજાર, હોટલો, મોટા શાપિંગ સેન્ટરો, સોસાયટીઓ, શેરીઓ તમામ બેંન્કો,બાલવાટીકા થી માસ્ટર ડિગ્રી સુધીની શૈક્ષણીક સંસ્થાઓ, તમામ પ્રકારની હોસ્પિટલો, સેવાકીય સંસ્થાઓ, તમામ પ્રકારના વાહનોના, ડિલરો નગરપાલીકા, પોસ્ટ ઓફીસ, નાયબ કલેક્ટર IAS ની કચેરી, તાલુકા પંચાયત, મામલતદાર ઓફિસ. તમામ પ્રકારની સરકારી ઓફિસો આવેલી છે. રાધનપુરને જીલ્લો બનાવવા માટે જોઈતી તમામ પ્રકારની સુવિધાઓ છે. આમ રાધનપુરને જીલ્લો બનાવવા માટે રાધનપુર સહિત તેની આજુબાજુના તમામ તાલુકાઓના લોકોની પ્રબળ માંગણી હોઈ રાધનપુર ને જીલ્લો જાહેર કરવા માટે મારી ખાસ ભલામણ છે.


રઘુ દેસાઈએ પણ મુખ્યમંત્રીને લખ્યો પત્ર
રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈએ પણ મુખ્યમંત્રીને આ અંગે પત્ર લખીને રાધનપુર તાલુકાને જિલ્લો જાહેર કરવા માંગ કરી છે. રાધનપુર વિધાનસભા મત વિસ્તારના લોકો છેલ્લા 20 વર્ષથી જિલ્લો બનાવવાની માંગ કરી રહ્યાં છે. સ્થાનિક લોકોની લાગણી અને માંગણીને ધ્યાનમાં લઇ રાધનપુરને જિલ્લો જાહેર કરવા તેમણે માંગ કરી. 


કોને પહેલા ચાન્સ મળી શકે છે 
હાલ ગુજરાતમાં કુલ 33 જિલ્લાઓ અસ્તિત્વમાં છે. જ્યારે સરકાર ત્રણ નવા જિલ્લાની રચના કરવા જઈ રહી છે. જેમાં હાલના બનાસકાંઠા, કચ્છ, પાટણ, અમદાવાદ, સુરેન્દ્રનગર, મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાંથી નવા જિલ્લાઓની રચના કરવામાં આવી શકે છે. બનાસકાંઠા, કચ્છ અને પાટણમાંથી રાધનપુર અથવા થરાદ નવો જિલ્લો બની શકે છે. અમદાવાદ અને સુરેન્દ્રનગરમાંથી વિરમગામ જિલ્લો બનાવવામાં આવી શકે છે. તે સિવાય મહેસાણા અને ગાંધીનગરના કેટલાક ભાગ ઉમેરીને વડનગર નવો જિલ્લો બની શકે છે.