mob attacks international students : ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલાની ઘટનાની ચર્ચા આખા દેશમાં થઈ રહી છે. રમઝાન હોઈ નમાઝ પઢી રહેલા અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓ પર હુમલો કરાતા ગુજરાતની છબી ખરડાઈ છે. ગુજરાત યુનિવર્સિટીમાં ગઈ કાલે હિંસાની ઘટના બની હતી. જેમાં કેમ્પસમાં જયશ્રી રામના નારા સાથએ આવેલા લોકોએ વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હતો. ત્યારે રાજ્ય સરકાર ગુનેગારો સામે કડક કાર્યવાહી કરી રહી છે. આ ઘટનામાં હવે વિદેશ મંત્રાલયની એન્ટ્રી થઈ છે. વિદેશ મંત્રાલય તરફથી મોટું નિવેદન સામે આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે, અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં ગઈ કાલે હિંસાની ઘટના બની હતી. રાજ્ય સરકાર ગુનેગારો સામે કડક કાર્યવાહી કરી રહી છે. આ અથડામણમાં બે વિદેશી વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. તેમાંથી એકને તબીબી સારવાર મળ્યા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. MEA ગુજરાત સરકારના સંપર્કમાં છે.


 



 


મહત્વનું છે કે શનિવાર મોડી રાત્રે અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ વચ્ચે મોડી રાત્રે માથાકૂટ બાદ મારામારી થઈ હતી. હોસ્ટેલના A બ્લોકમાં વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે પહેલાં બોલાચાલી થઈ હતી બાદમાં મારામારી અને પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓનો આરોપ છે કે નમાઝ પઢવાને લઈને અમુક જુથના વિદ્યાર્થીઓએ તેમને રોક્યા હતા અને નમાઝ ન પઢવા માટે દબાણ કર્યુ હતુ. જેને લઈને જ બે જૂથના વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. સામાન્ય બોલાચાલી ઉગ્ર થતાં વિદ્યાર્થીઓએ સામસામે પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. સાથે જ વિદેશી વિદ્યાર્થીઓની હોસ્ટલના રૂમમાં અને વાહનોમાં તોડફોડ કરાઈ હતી. હોસ્ટેલમાં થયેલી મારામારીમાં 6 જેટલા વિદેશી વિદ્યાર્થીઓને ઈજાઓ પણ પહોંચી છે, જેમાં ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર માટે SVP હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તો સમગ્ર મામલે ગુજરાત યુનિવર્સિટી પોલીસે ગુનો દાખલ કર્યો છે અને યુનિવર્સિટી હોસ્ટેલમાં DCP કક્ષાના અધિકારીઓએ તપાસ પણ શરૂ કરી દીધી છે. 



ગૃહ વિભાગે તાત્કાલિક પગલા ભર્યા
સમગ્ર મામલે ગૃહ વિભાગ એક્શનમાં મોડમાં આવ્યું છે. સુરક્ષા અને સલામતીનો મુદ્દો રાજકીય ન બને તેનું ધ્યાન રાખવા ટકોર કરવામાં આવી છે. હુમલો કરનાર અસામાજિક તત્વોની ઓળખ કરી તાત્કાલિક અટકાયત કરી કાર્યવાહી કરવા આદેશ કરાયા છે. અત્યાર સુધી કરવામાં આવેલી પોલીસ કાર્યવાહી અંગેની પણ ગૃહરાજ્ય મંત્રીએ વિગતો મેળવી છે. તો આ ગુજરાત વિદ્યાપીઠમાં થયેલ બબાલ મામલે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, જે પણ લોકો આ ઘટનામાં દોષિતો હશે તેમની સામે કડક કાર્યવાહી કરાશે.


એક આરોપીની ઓળખ થઈ 
ઘટના સ્થળની તપાસ બાદ અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિકે માહિતી આપી હતી કે, ગુજરાત યુનિવર્સિટીમાં 300 જેટલા વિદેશી વિદ્યાર્થીઓ ભણે છે. ગઈકાલે રાતે સાડા દસ વાગ્યની આસપાસ વીસ-પચ્ચીસ જેટલા બહારથી લોકો આવ્યા હતા. તેઓએ હોસ્ટલમાં આવીને કેમ અહીં નમાજ પડો છો તેવા સવાલો કર્યા હતા. તેઓએ વિદેશી વિદ્યાર્થીઓ સાથે મારામારી કરીને તેમજ પથ્થર ફેંક્યા હતા. રૂમમાં પણ તોડફાડ કરી છે. તેથી આ બાબતને ગંભીરતાથી લઈને પોલીસ કડક કાર્યવાહી કરાશે. રાતે 10.51 વાગ્યે  કોઈએ કન્ટ્રોલ પર ફોન કર્યો. પાંચ મિનિટમાં પોસલી આવી પહોંચી હતી. તપાસ માટે ટીમ બનાવી છે. તેમજ એક આરોપીની ઓળખ થઈ છે. ટૂંક સમયમાં વધુ માહિતી આપીશું. પોલીસે આ મામલે રાતે જ એફઆઈઆર નોંધી હતી. હાલ પોલીસ વીડિયોના આધારે તપાસ કરી રહ્યા છે. પોલીસ કડક કાર્યવાહી કરશે અને ન્યાયિક તપાસ કરીશું. 20 થી 25 લોકોના ટોળા સામે ફરિયાદ દાખલ કરાઈ છે.  
 
અમદાવાદ પોલીસની ટ્વીટ 
આ મુદ્દે અમદાવાદ પોલીસે ટ્વીટ કરીને કહ્યું કે, ગુજરાત યુનિવર્સીટી કેમ્પસમાં ગઈકાલ રાત્રે અન્ય દેશોમાંથી આવેલા વિદ્યાર્થીઓ ઉપર અજાણ્યા ઈસમોએ આવી મારામારી કરી તોડફોડ કરી ઈજા પહોચાડતા પોલીસ તાત્કાલીક પહોચી સ્થિતી ઉપર નિયંત્રણ મેળવી આરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આરોપીઓની ધરપકડ કરવામાં આવશે કડક કાર્યવાહી કરવામા આવશે.