ગાંધીનગરઃ રાજ્યમાં આગામી ચોમાસાની ઋતુમાં સંભવિત વરસાદની સ્થિતિને પહોંચી વળવા વહીવટીતંત્ર સંપૂર્ણ સજજ છે. રાજ્યમાં સંભવિત તમામ પરિસ્થિતિઓને પહોચી વળવા સંપૂર્ણ તકેદારીપૂર્વક તૈયારીઓ કરવા વહીવટી તંત્રને મુખ્ય સચિવ પંકજ કુમારે અનુરોધ કર્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે ગાંધીનગર ખાતે યોજાયેલી પ્રિમોન્સૂનની તૈયારી અંગે સમીક્ષા બેઠકમાં મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું હતું કે, આગામી ચોમાસાની ઋતુમાં સંભવિત વરસાદ, પૂર અને વાવાઝોડા સામે રાહત અને બચાવની કામગીરીમાં વહીવટીતંત્રે સાવચેતીપૂર્વક સઘન આયોજન કરવુ પડશે. બેઠકમાં ઉપસ્થિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓએ સંભવિત વરસાદની સ્થિતિને પહોંચી વળવા અંગેનો એક્શન પ્લાન રજૂ કર્યા હતા. જેમાં મુખ્ય સચિવએ જરૂરી તલસ્પર્શી સૂચનો કર્યા હતા. તેમણે ઉમેર્યું કે, ભૂતકાળના અનુભવના આધારે આપત્તિ સમયે જે કંઈ પણ તકલીફ પડી હોય તેના નિરાકરણ માટે પૂરતી કાળજી રાખવી, જિલ્લા ડિઝાસ્ટર પ્લાન વાસ્તવિકતા અને તથ્યોના આધારિત સચોટ બનાવવા સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત પૂર અને અન્ય વિકટ પરિસ્થિતિમાં રિસ્પોન્સ ટાઈમ ઘટે અને લોકોને ત્વરિત મદદ થાય તે અંગે વ્યૂહાત્મક યોજના બનાવવા પણ સૂચનાઓ આપી હતી. 


મુખ્ય સચિવએ ઉમેર્યું કે, રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે વરસાદ સહિત અન્ય કામગીરીના ડેટા કલેકશન અંગેના રિપોર્ટનું ખાસ ફોર્મેટ બનાવવું જેથી તમામ વિભાગોના ડેટા એકસમાન ફોર્મેટમાં આવે અને ડેટા કલેકશનમાં સુસંગતતા જળવાઈ રહે તેમ તેમણે ઉમેર્યું હતું.  


આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીરમાં અકસ્માતમાં સુરતના ટુર સંચાલકનું મોત, બસ ખીણમાં પડતા 9 ના મોત થયા


ભારતીય હવામાન વિભાગ દ્વારા જણાવ્યાનુસાર આ વર્ષે દેશભરમાં ચોમાસુ સામાન્ય રહેવાની આગાહી કરવામાં આવી છે. કેરળમાં જયારે વરસાદ પડશે તે પછીના ૪૮ કલાકમાં ગુજરાતમાં વરસાદની સંભાવના અંગેની આગાહી કરવામાં આવશે આ માટે હવામાન વિભાગ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. 


આ બેઠકમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પી. સ્વરૂપે સંભવિત વરસાદની પરિસ્થિતિમાં પુર અને વાવાઝોડામાં રાહતની કામગીરી દરમિયાન વિવિધ વિભાગો અને સુરક્ષા એજન્સીઓ દ્વારા કરાયેલ તૈયારીઓની સવિસ્તૃત વિગતો આપી હતી અને પુર-વાવાઝોડા દરમિયાન સાવચેતીના ભાગરૂપે રાખવાની થતી કાળજી અંગે જરૂરી સૂચનો કર્યા હતા. તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં ચોમાસાની તૈયારીઓ માટે તમામ વિભાગો દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે. જિલ્લાકક્ષાએ પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન બનાવીને તેની બેઠકો પણ યોજી દેવામાં આવી છે. 


આ પણ વાંચોઃ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ફરી એકવાર દર્શકોથી ખીચોખીચ જોવા મળશે, IPL ની ટિકિટ ખરીદવા પડાપડી


આ પ્રિમોન્સૂન બેઠકમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર, કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી સહિત વિવિધ વિભાગો જેવા કે શહેરી વિકાસ, આરોગ્ય,  સિંચાઈ,  કૃષિ,  માર્ગ અને મકાન, ગૃહ, પાણી પુરવઠો,  અન્ન અને નાગરિક પુરવઠા, વન,  બંદરો અને વાહન વ્યવહાર, પંચાયત, ઊર્જા,  શ્રમ, ઉદ્યોગ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, પશુપાલન, શહેરી વિકાસ તેમજ માહિતી ખાતાના ઉચ્ચ સનદી અધિકારીઓએ ઉપસ્થિત રહીને આ અંગે પોતાના દ્વારા કરેલી તૈયારીઓ રજૂ કરી હતી.


આ ઉપરાંત બેઠકમાં આર્મી, હવાઈ દળ, બીએસએફ, એનડીઆરએફ, સીઆઇએસએફ, ગુજરાત પોલીસ, બીએસએનએલ, GSDMA, જીપીસીબીના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube