ધવલ પારેખ, નવસારી: રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે. ચોમાસું શરૂ થતાં જ પ્રકૃતિ સોળેય કલાએ ખીલી ઉઠે છે. એમાં પણ ખાસ કરીને સાપુતારામાં ચોમાસાની સિઝનમાં કાશ્મીરની વાદીઓ જેવો સ્વર્ગથી પણ સુંદર નજારો સર્જાતો હોય છે. હાલમાં સાપુતારામાં વરસાદ શરૂ થતાં જ ગુજરાત કી આંખ કા તારા સાપુતારાના આહલાદક દ્રશ્યો સામે આવ્યા છે. ગિરિમથક સાપુતારામાં આજે વહેલી સવારે વરસાદી ઝાપટું પડ્યા બાદ વાતાવરણ બદલાતા ધુમ્મસિયું વાતાવરણ જોવા મળ્યું હતું. જેથી સાપુતારામાં વાદળો સાથે કરતી પર્વતમાળાના દ્રશ્યો વાયરલ થયા છે. આ કુદરતી સુંદરતાનો અદ્દભુત નજારો માણવા માટે પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડાંગ જિલ્લો એમાંય ખાસ કરીને સાપુતારામાં ચોમાસાની સિઝનમાં હરિયાળી જવાઇ જાય છે. ચોમાસું શરૂ થતાં જ અહીં પ્રવાસીઓની ભીડ જામતી હોય છે. કારણ કે આ હિલ સ્ટેશન ગુજરાત અને મહારાષ્ટ્રની વચ્ચે આવેલું હોવાથી અહીં બંને રાજ્યોમાંથી પ્રવાસીઓ ઉમટે છે. ચોમાસાની સિઝનમાં સાપુતારાને ચાર ચાંદ લાગી જાય છે. કુદરતી સૈદર્યના નયનરમ્ય દ્રશ્યો સર્જાતા હોવાથી પ્રકૃતિપ્રેમીઓની ભીડ જામે છે. 


આજે વહેલી સવારે વરસાદી ઝાપટું પડ્યા બાદ વાતાવરણ બદલાતા ધુમ્મસિયું વાતાવરણ જોવા મળ્યું હતું. જેથી પ્રવાસીઓને સાપુતારા હિલ સ્ટેશનમાં સ્વર્ગ સમાન નજારો જોવા મળ્યો હતો. સહેલાણીઓએ અદભુત નજારાની મોજ માણી હતી. સાપુતારામાં ગાઢ ધુમ્મસ છવાતા સહેલાણીઓ પરિવાર સાથે ટેબલ પોઈન્ટ સાપુતારાના લેક ગાર્ડનમાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. સાથે જ ધુમ્મસ ભર્યા વાતાવરણમાં ઝીરો વિઝીબિલિટીને કારણે વાહન ચાલકોને મુશ્કેલી પણ પડી હતી.


અત્રે ઉલ્લેખનીય છે દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં વહેલી સવારથી મેઘમહેર ચાલી રહી છે. વલસાડ જિલ્લામાં સવારથી સૌથી વધુ વરસાદ ઉમરગામમાં ખાબક્યો છે, જ્યારે પારડી, વલસાડ,અને વાપીમાં વરસાદ વરસી રહ્યો છે. વલસાડ- 3.24 ઇંચ, પારડી- 2.92 ઇંચ, ઉમરગામ- 3.84, ધરમપુર- 1 ઇંચ, વાપી-3.32 ઇંચ, કપરાડા-1.32 ઇચ જેટલો વરસાદ ખાબક્યો છે. વલસાડમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસતાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે તો બીજી તરફ અંડર પાસ બંધ થઇ ગયા છે. તો બીજી તરફ વાપી અને પારડીમાં વરસાદી પાણી ભરાતા અંડર પાસ અને હાઇવે પર પાણી ભરાઇ ગયા છે. જેને પગલે લોકોને ભારે હાલાકીનો સમાનો કરવો પડી રહ્યો છે. 


ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી
હવામાન વિભાગના અનુસાર દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી જિલ્લામાં તથા સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગિર-સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ થઇ સહ્કે છે. આ સાથે જ દાદરાનગર હવેલી, દમણ અને દીવમાં પન ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત બનાસકાંઠા, મહેસાણા તથા સાબરકાંઠા બાદ કરતાં તમામ જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ગત શનિવારે ગુજરાતમાં વરસાદની વાત કરીએ તો 11 જિલ્લાના 18 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો, જેમાં નવસારીના ખેરગામમાં સૌથી વધુ 1.41 ઇંચ વરસાદ નોંધાયો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube