વરસાદમાં ગાડી ચલાવતા પહેલાં જાણી લો ઓટોમોબાઈલ સેક્ટરના નિષ્ણાતની સલાહ, ટળશે નુકસાન
અમદાવાદ પોલીટેક્નિક કોલેજમાં આવેલા ઓટોમોબાઇલ વિભાગમાં લેક્ચરર હિમાંશુ શાહે પાણી ભરાયેલા માર્ગ પર વાહન ચલાવવા માટે શું ધ્યાન રાખવું એ અંગે ખાસ વાતચીત કરી હતી.
અતુલ તિવારી, અમદાવાદઃ અમદાવાદ સહિત રાજ્યભરમાં પડેલા ભારે વરસાદને કારણે અનેક વાહનો પાણીમાં ગરકાવ થતા થઈ મોટી નુકસાની થઈ છે. માર્ગો પર વરસાદી પાણી ભરાતા અનેક ટુ વ્હીલર અને ફોર વ્હીલર ચાલકોના વાહનો બંધ પડ્યા હતા. માર્ગો પર પાણી ભરાય અને વાહન ચલાવવાની પરિસ્થિતિમાં શુ કરવું ? શું ધ્યાન રાખવું? તે અંગે ઝી 24 કલાક એ એક્સપર્ટ સાથે વાતચીત કરી હતી.
અમદાવાદ પોલીટેક્નિક કોલેજમાં આવેલા ઓટોમોબાઇલ વિભાગમાં લેક્ચરર હિમાંશુ શાહે પાણી ભરાયેલા માર્ગ પર વાહન ચલાવવા માટે શું ધ્યાન રાખવું એ અંગે ખાસ વાતચીત કરી હતી. અમદાવાદની પોલીટેક્નિક કોલેજ ઓટોમોબાઇલ વિભાગના લેક્ચરર હિમાંશુ શાહે ઝી 24 કલાક સાથેની વાતચીતમાં જણાવ્યુંકે, ચોમાસામાં વરસાદી માહોલમાં વાહન ચલાવતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું અતિઆવશ્યક છે.
વરસાદમાં વાહન ચાલવતી વખતે શું ધ્યાન રાખવું?
- ફોર વ્હીલર ચાલકોએ ગાડીના ફિલ્ટર સુધી પાણી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવું
- પાણી ભરાયા હોય ત્યારે ગાડીનું ટાયર ડૂબે ત્યાં સુધી જ ગાડી ચલાવવી હિતાવહ છે, એકવાર ટાયર ડૂબે એટલે ગાડી ચલાવવાની હિંમત ના કરવી જોઈએ
- જો ટાયર ડૂબે અને ગાડીના ફિલ્ટરમાં પાણી જાય એટલે પીસ્ટન સુધી પાણી પહોંચતા ગાડીને મોટી નુકસાની થાય છે
- સાયલેન્સરથી પાણી અંદર જાય ત્યારે પણ ગાડી બંધ થતી હોય છે
- એકવાર ગાડીમાં પાણી જાય એટલે બંધ કરી, સર્વિસમેનને બોલાવવો જોઈએ
- જો ગાડી ચાલુ કરવાનો પ્રયાસ કરવામાં આવે તો નુક્સાનીનું કવરેજ ઇન્સ્યોરન્સ કંપનીઓ દ્વારા આપવામાં આવતું નથી
- પાણી ભરાયું હોય અને અગાઉથી જ ગાડી પાર્ક પડી હોય ત્યારે પાણી ઉતર્યા બાદ ગાડી ચાલુ કરતા પહેલા સર્વિસમેનને બોલાવી તપાસ કરાવવી જોઈએ
- પાણીમાં ગાડી ગરકાવ થાય, એવા કિસ્સામાં મોટી નુકસાની એન્જીન તરફથી થવાની શકયતા રહેતી નથી
- પરંતુ એકવાર ફિલ્ટર પાણીમાં ડૂબે અને ગાડી બંધ પડ્યા બાદ વારંવાર ગાડી ચાલુ કરવાનો પ્રયાસ ના કરવી જોઈએ
- ટુ વ્હીલરમાં સાયલેન્સર ડૂબવાની શકયતા વધુ હોય છે, બેટરી પણ નીચી હોય છે, સ્પાર્ક પ્લગ પણ નીચેના ભાગે હોય છે
- ટુ વ્હીલરનું સ્પાર્ક પ્લગ ના ડૂબે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ
- જો સ્પાર્ક પ્લગ કે બેટરીમાં પાણી જાય તો તેને એર પ્રેશર મારી દેવાથી ટુ વ્હીલર ચાલુ થઈ જતા હોય છે