અમરેલીઃ ગીરના જંગલમાં અત્યાર સુધી 23 સિંહના મોતને લઈને સરકાર અને તંત્ર દોડતું થઈ ગયું છે. અનેક લોકોએ સિંહના મોતને લઈને ચિંતા વ્યક્ત કરી છે. ત્યારે આજે કથાકાર મોરારિબાપુએ પણ આ ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું હતું. સાવરકુંડલાના આરોગ્ય મંદિરની મુલાકાતે પહોંચેલા મોરારિબાપુએ જણાવ્યું કે, આ ઘટના દુઃખદ છે. શું કામ આ બન્યું છે. આ શું થઈ રહ્યું છે. સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે. તેમણે જણાવ્યું કે, આ ઘટનાના મૂળ સુધી પહોંચવું જોઈએ, અને આ સાથે ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને તે માટે ખાસ ધ્યાન રાખવું જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોરારિબાપુએ કર્યું વૃક્ષારોપણ
સાવરકુંડલાના આરોગ્ય મંદિર ખાતે પહોંચેલા બાપુએ અહીં ગાર્ડનમાં વૃક્ષારોપણ કર્યું હતું. તેમણે દર્દીઓની મુલાકાત લઈને તેમના અંતર ખબર પૂછ્યા હતા. આરોગ્ય મંદિરમાં વિનામૂલ્યે દર્દીઓને સારવાર આપવામાં આવે છે. બાપુ આરોગ્ય મંદિરે પહોંચ્યા હોવાથી ત્યાં મોટી સંખ્યામાં લોકો પણ હાજર રહ્યાં હતા. 


સિંહોની સારવાર માટે અમેરિકાથી આવેલા વેક્સિન પહોંચી રાજકોટ, હવે પહોંચશે જૂનાગઢ


રસી પહોંચી રાજકોટ
જૂનાગઢમાં જામવાળા એનિમલ કેર સેન્ટરમાં બિમાર સિંહની સારવાર ચાલી રહી છે ત્યારે અમેરિકાથી સિંહોની સારવાર માટે વેક્સિન મંગાવવામાં આવી જેને મુંબઇથી રાજકોટ લાવવામાં આવી છે. રાજકોટથી વેક્સિનને જૂનાગઢ અને ત્યાર બાદ જામવાળા એનિમલ કેર સેન્ટર લઇ જવામાં આવશે. સિંહને વેક્સિન આપવા માટે નિષ્ણાંત દ્વારા સૂચન પણ આપવામાં આવ્યું. અમેરિકાથી લાવવામાં આવેલા વેક્સિનને આપવા માટે શક્કરબાગ ઝૂના ડિરેક્ટર પણ આવી પહોંચ્યા હતા. અમેરિકાથી 300 વેક્સિન સિંહો માટે મંગાવવામાં આવી છે. જેને માઇનસ 16 ડિગ્રી ટેમ્પરેચરમાં રાખવામાં આવી છે.