હિમાંશુ ભટ્ટ/મોરબી :આમ તો તરબૂચની ખેતી ઘણી જગ્યાએ કરવામાં આવે છે, પરંતુ જો વાત કરીએ મોરબી નજીકના ખાનપર ગામની તો અહીના તરબૂચની સમગ્ર ગુજરાત અને ગુજરાત બહાર પણ સારી એવી ડિમાન્ડ રહેતી હોય છે. કેમ કે, અહીના તરબૂચ દેખાવમાં લાલ હોય છે. એટલું જ નહિ, પરંતુ ખાવામાં ખૂબ જ મીઠા હોય છે અને તેમાં શર્કરાનું પ્રમાણ પણ બીજા તરબૂચના પ્રમાણમા વધુ હોય છે. દર વર્ષે ઉનાળામાં અહીં તરબૂચ લેવા માટે બહારના રાજ્યના વેપારીઓ ખેતર સુધી આવતા હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સામાન્ય રીતે ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહત મેળવવા માટે લોકો શેરડીનો રસ અને તરબૂચનો સહારો લેતા હોય છે. તરબૂચનું નામ પડતાની સાથે જ ઘણા લોકોના મોઢામાં પાણી આવી જાય છે. આવા જ પાણીદાર તરબૂચની ખેતી મોરબી તાલુકાનાં ખાનપર ગામમાં ખેડૂતો દ્વારા આજથી ૧૦ વર્ષ પહેલા શરૂ કરવામાં આવી હતી અને ત્યાર બાદ તરબૂચની ખેતી કરવાથી ઓછા ખર્ચ અને ઓછી મજૂરીએ આવક વધુ સારી આવતી હોવાથી ઘણા ખેડૂતો હાલમાં તરબૂચની ખેતી કરી રહ્યા છે. 


આ પણ વાંચો : ગુજરાતના છેવાડાના માનવી કષ્ટ વેઠીને મેળવે છે પાણી, બન્નીના રહેવાસીઓ પાણી માટે હિજરત સિવાય કોઈ વિકલ્પ નથી 


10 વર્ષથી તરબૂચની ખેતી કરનાર હસમુખભાઇ પ્રગજીભાઇ કહે છે કે, હાલમાં જે ખેડૂતો દ્વારા તરબૂચની ખેતી કરવામાં આવી રહી છે તેની પાસેથી મળેલ માહિતી મુજબ તાઇવાનના કિરણ-૨ નું બિયારણ લઈ આવીને ખેડૂતો દ્વારા તેની ખેતી કરવામાં આવે છે અને આ બિયારણ કિલોના 40 હજાર રૂપિયાના ભાવથી મળે છે. ત્યાર બાદ તરબૂચના પાકમાં 80 થી 90 ટકા નિંદણ નિયંત્રણ, રોગ જીવાત ઘટાડવા તથા ઉત્પાદન વધા૨વા હેતુસ૨ જો પ્લાસ્ટિક મલ્ચીંગ (આવરણ) તરીકે કાળા તથા સીલ્વર રંગના મલ્ચનો ઉપયોગ ક૨વામાં આવે તો ઘણો ફાયદો થાય છે. અને મલ્ચીંગ તેમજ ટપક પધ્ધતિથી ખેતી કરવા માટે સરકાર તરફથી સબસીડી પણ આપવામાં આવે છે. 



છેલ્લા વર્ષોથી જે ખેડૂતો દ્વારા તરબૂચની ખેતી કરવામાં આવી રહી છે તેઓને રૂટિન ખેતી કરતાં આ ખેતીમાં વધુ આવક થઈ રહી છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. ખેડૂતોના કહેવા પ્રમાણે કપાસ તેમજ અન્ય રૂટિન પાકની ખેતી કરવાથી તે ખેડૂતોને વીઘે સરેરાશ 15000 નું વળતર મળતું હોય છે. જો કે, તરબૂચની ખેતી કરવાથી જો હવામાન અનુકુળ રહે તો 40000 થી વધુનો નફો એક વીઘાએ મળે છે. જાન્યુઆરી માહિનામાં પાકની વાવણી કરવામાં આવે અને ત્રણ મહિનાના ટૂંકા સમયમાં જ ઉનાળાની શરૂઆત થતાની સાથે જ મોરબી પંથકમાં અને ગુજરાતમાં ખાનપર ગામના તરબૂચની ડિમાન્ડ શરૂ થઈ જતી હોય છે. 


આ પણ વાંચો : હિંસા વચ્ચે કોમી એકતાની મહેંક, મસ્જિદ આવતા જ શોભાયાત્રાનું ડીજે બંધ કરાયું, મુસ્લિમ અગ્રણીઓએ કર્યું સ્વાગત


આજની તારીખે ખાનપર ગામના તરબૂચ મોરબી, રાજકોટ, નવસારી, મુંબઈ, સુરત અને પૂના સુધી મોકલાવવામાં આવે છે અને ખેડૂતોના કહેવા પ્રમાણે સામાન્ય રીતે બીજા વિસ્તારના જે તરબૂચ બજારમાં મળતા હોય છે. તેમાં શર્કરાનું પ્રમાણ લગભગ ૧૧ થી ૧૨ ટકા જેટલું હોય છે. જોકે ખાનપર ગામના તરબૂચની અંદર શર્કરાનું પ્રમાણ લગભગ ૧૩ થી ૧૪ ટકા જેટલું હોય છે. આ તરબૂચ માત્ર દેખાવમાં જ લાલ નહિ, પરંતુ ખાવામાં ખૂબ જ મીઠા હોય છે. જેથી કરીને ગ્રાહકો ગામમાં ખેડૂતોએ કરેલ તરબૂચના વાડા તેમજ ખેતર સુધી તરબૂચ લેવા માટે આવે છે. 


મોરબી અને આસપાસના વિસ્તારમાં સામાન્ય રીતે મગફળી, કપાસ સહિતના રૂટિન પાકની ખેતી ખેડૂતો દ્વારા કરવામાં આવતી હોય છે. જેમાં પાક આવે ત્યારે પૂરતું વળતર મળતું નથી. જેથી કરીને ખેડૂતો ધીમેધીમે હવે બાગાયતી ખેતી તરફ વળવા લાગ્યા છે અને ખાનપર ગામના ખેડૂતોને તો તરબૂચે માલામાલ કર્યા છે તેવું ખેડૂતો કહી રહ્યા. જો કે, તરબૂચના પાકને અનુકૂળ હવામાન ન હોય તો ખેડૂતોને મોટી નુકશાની જવાની પણ શક્યતા હોય છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.