હિંસા વચ્ચે કોમી એકતાની મહેંક, મસ્જિદ આવતા જ શોભાયાત્રાનું ડીજે બંધ કરાયું, મુસ્લિમ અગ્રણીઓએ કર્યું સ્વાગત

હિંસા વચ્ચે કોમી એકતાની મહેંક, મસ્જિદ આવતા જ શોભાયાત્રાનું ડીજે બંધ કરાયું, મુસ્લિમ અગ્રણીઓએ કર્યું સ્વાગત
  • આણંદના પરીખભુવન વિસ્તારમાં પોથી યાત્રામાં કોમી એકતાના દ્રશ્યો સર્જાયા
  • શોભાયાત્રા મસ્જિદ પાસે પહોંચતા જ ડીજે બંધ કરી દેવાયું હતું

બુરહાન પઠાણ/આણંદ :હાલ દેશભરમા કોમી હિંસાના બનાવો વધી રહ્યાં છે. પથ્થમારા, હિંસા, તોફાનના કેસ વધતા જ લોકોમા નફરત વધે છે. પરંતુ આવામા ક્યાંક નફરત મટીને પ્રેમ પેદા થાય તેવા કિસ્સા પણ બની રહ્યાં છે. કોમી હિંસા વચ્ચે કોમી એકતાના દર્શન ઠેરઠેર થઈ રહ્યાં છે. કોમી હિંસાની ઘટનાઓ વચ્ચે આણંદનાં પરીખભુવન વિસ્તારમાં નીકળેલી પોથીયાત્રાનું નગીના મસ્જીદ પાસે મુસ્લિમ સમાજ દ્વારા સ્વાગત કરી કોમી એકતાનું દ્રષ્ટાંત પુરું પાડ્યું છે. તાજેતરમાં હિન્દુ મુસ્લિમ મિત્રોની એકસાથે અંતિમયાત્રા નીકળતા આણંદ ચર્ચામાં આવ્યું હતું.

આણંદ શહેરમાં પરીખભુવન વિસ્તારમાં આવેલાં કૈલા માતાનાં મંદિરમાં શ્રીમદભાગવત કથા સપ્તાહનો પ્રારંભ શનિવારે થયો. શનિવારે બપોરે પોથીયાત્રા યોજાઈ હતી. આ પોથીયાત્રા નગીના મસ્જિદ પાસે પહોંચતા કોમી એકતાના દર્શન થયા હતા. મસ્જિદ હોવાથી પોથીયાત્રામાં ડીજે બંધ કરી દેવામાં આવ્યું હતું. તો બીજી તરફ સૈયદ જલાલીબાપુ કારંટાવાળા, ગામડી ગામનાં ઉપસરપંચ ઈસ્માઈલભાઈ વ્હોરા સહિત અગ્રણીઓ દ્વારા પોથીયાત્રાનું તેમજ મંદિરનાં પુજારીનું સ્વાગત કરાયુ હતું. 

મસ્જિદ પાસે ડીજે વગાડવા બાબતે હિંસક અથડામણનાં બનાવો બની રહ્યા છે, ત્યારે પરીખભુવન વિસ્તારમાં નિકળેલી શોભાયાત્રાનાં આયોજકો દ્વારા મસ્જિદ પાસે પહોંચતા ડી.જે બંધ કરી દીધું હતું. એકબીજાના ધર્મનુ સન્માન કરવુ જોઈએ તે આ કિસ્સા પરથી જોવા મળ્યુ હતું. મુસ્લિમ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરાતા કોમી એકતાનાં દ્રશ્યો મહેંકી ઉઠ્યા હતા. 

હિન્દુ-મુસ્લિમ મિત્રોની એકસાથે અંતિમયાત્રા નીકળી
આણંદ જિલ્લાના વાસદ તારાપુર સિક્સ લેન હાઇવે પર બોરસદ નજીક સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં પેટલાદ તાલુકાના સુંદરા ગામના બે જીગરજાન હિન્દૂ મુસ્લિમ મિત્રોના કરુણ મોત થયા હતા. ત્યારે સુંદરા ગામમાં બંને મિત્રોની અંતિમ યાત્રા એકસાથે નીકળી હતી. આ અંતિમ યાત્રામાં કોમી એકતાનુ પ્રતિક જોવા મળ્યુ હતું. એક તરફ કુરાનની આયતોનું પઠન થઈ રહ્યુ હતું, તો બીજી તરફ ‘રામ બોલો રામ’નાં જાપ થઈ રહ્યા હતા. આમ, બંને મિત્રોની અંતિમ યાત્રા તોફાની તત્વો માટે એક મિસાલ રૂપ છે. તેમની વિદાયએ આખુ ગામ ચોધાર આસુંએ રડી પડ્યુ હતું.

આ પણ વાંચો : 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news