મોરબી : ત્રીજી દીકરીનો જન્મ થતા મૈંજડિયા પરિવારે કર્યું મોટું પુણ્યનું કામ
- ત્રીજી દીકરીના જન્મને ઈશ્વરનો આર્શીવાદ ગણીને મૈંજડિયા પરિવારને તેને આવકાર્યો
- આ ખુશીમાં તેમણે હડમતીયાના નકલંક ધામના ભૂમિદાન પેટે રૂ.2,22,222 નું અનુદાન આપ્યું
ઝી મીડિયા/બ્યૂરો :દીકરીનો જન્મ થતા જ મોઢું બગાડતા લોકો આજે પણ ભારતમાં છે. જેઓ દીકરીના જન્મને કલંક ગણે છે. પરંતુ આ વચ્ચે કેટલાક એવા પરિવારો ઉત્તમ ઉદાહરણ બન્યા છે, જેઓ દીકરીના જન્મને વધાવે છે. દીકરીના જન્મની આ પરિવારમાં ખુશી છવાય છે, અને તે કોઈ ઉત્સવની જેમ ઉજવાય છે. મોરબીના એક પરિવારે ત્રીજી દીકરીના જન્મને આવકાર્યો અને તેની ખુશીમાં મોટુ પુણ્યનું કામ કર્યું છે.
મોરબીમાં થાનગઢમાં મૈંજડિયા પરિવાર રહે છે. જેઓ થાનગઢમાં કારખાનુ ધરાવે છે. પરિવારના નીતિનભાઈ સુંદરજીભાઈ મૈજડિયાને સંતાનમાં બે દીકરીઓ હતી, ત્યારે ભગવાને તેમની ત્રીજી દીકરીની ભેટ આપી. તેમણે પરિવારમાં ત્રીજી દીકરી આવ્યાના અવસરને વધાવી લીધો હતો. ત્રીજી દીકરીની ભેટ આપી હોવાનું સમજીને પ્રજાપતિ પરિવાર તથા મિત્રોએ ઉમંગભેર આ દીકરીના જન્મના વધામણાં કર્યાં છે. એટલુ જ નહિ, આ ખુશીમાં તેમણે હડમતીયાના નકલંક ધામના ભૂમિદાન પેટે રૂ.2,22,222 નું અનુદાન આપ્યું છે.
આ પણ વાંચો : અમદાવાદ : નવજાત બાળકીનું સિવિલ હોસ્પિટલમાંથી અપહરણ, માતાનો ખોળો એક જ દિવસમાં સૂનો પડ્યો
મૈંજડિયા પરિવારમાં જન્માષ્ટમીના દિવસે દીકરીનો જન્મ થયો હતો. ત્યારે નીતિનભાઈને પુત્ર કરતા પુત્રી વધુ વ્હાલી છે. તેથી તેને ઈશ્વરનો આર્શીવાદ ગણીને આવકારી હતી. એટલુ જ નહિ, તેમની આ ખુશીમાં તેમના પરિવારજનો પણ સામેલ થયા હતા. અનુદાન આપવામાં તેમના મિત્રો દ્વારા પણ મદદ આપવામાં આવી હતી.
આમ આ પરિવારે દીકરી દીકરો એક સમાન હોવાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે અને સમાજને દીકરીઓ પ્રત્યેની જૂની રૂઢિઓ તેમજ માનસિકતામાંથી બહાર આવી દીકરીને વ્હાલનો દરિયો ગણીને તેનું પુત્રની જેમ જ લાલન-પાલન કરવાનું ઉતમ ઉદાહરણ આપ્યું છે.