મોરબી પોલીસની કાર્યવાહી, ત્રણ સ્પાની આડમાં ચાલતું હતું કુટણખાનું, સંચાલકોની ધરપકડ
મોરબી પોલીસે શહેરમાં આવેલા જુદા-જુદા સ્પા સેન્ટરોમાં દરોડા પાડી કાર્યવાહી કરી હતી. આ દરમિયાન ત્રણ સ્પા સેન્ટરમાં દેવવ્યાપાર ચાલી રહ્યો હતો. પોલીસે સ્પા સંચાલકોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
હિમાંશુ ભટ્ટ, મોરબીઃ રાજ્યભરમાં પોલીસ દ્વારા જુદા-જુદા સ્પા સેન્ટરમાં દરોડા પાડવામાં આવી રહ્યાં છે. મોરબી પોલીસે પણ 20 જેટલા સ્પામાં દરોડા પાડી ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં ત્રણ સ્પામાં મહિલાઓને બોલાવીને કુટણખાનું ચાલતું હોવાની વાત સામે આવી છે. મોરબી પોલીસે ત્રણ સ્પા સંચાલકોની સામે ગુનાઓ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીમાં થોડા સમય પહેલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ વીડિયો વાયરલ કરીને જણાવ્યું હતું કે મોરબીની આસપાસના વિસ્તારોમાં આવેલા સ્પામાં કુટણખાના અને ગેર કાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે. દરમિયાનમાં પોલીસ દ્વારા જુદીજુદી આઠ ટીમો બનાવીને જુદાજુદા 20 જેટલા સ્પામાં રેડ કરી હતી. ત્યારે મોરબીના ભક્તિનગર સર્કલ પાસે ઓવરબ્રિજ નજીક આવેલ અફીમ સ્પામાં રેડ કરી હતી ત્યારે બહારથી મહિલાઓ બોલાવીને કુટણખાનું ચલાવતા હોવાનું સામે આવ્યું હતું. જેથી કરીને પોલીસ દ્વારા 12500 ની રોકડ તથા બે મોબાઈલ ફોન અને પાંચ કોન્ડમ સહિતના કુલ ૨૭,૫૦૦ ના મુદ્દામાલ સાથે પોલીસે મહિલા બીમલા દેવીપ્રસાદ ઇગ્નાબ જાતે સુબ્બા (૩૧) રહે.હાલ લાયન્સનગર શનાળા મોરબી મૂળ નેપાળ વાળાની ધરપકડ કરેલ છે અને મહેશભાઇ ગોકળભાઇ મેવા રહે. મોરબી વાળાનું નામ સામે આવેલ હોય તેને પકડવા તજવીજ શરૂ કરેલ છે.
આ પણ વાંચોઃ અમરેલીઃ સમઢીયાળ ગામમાં નદીમાં ડૂબી જતાં પિતા અને ભાઈ-બહેનના મોત
આવી જ રીતે મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ દરિયાલાલ સ્ક્વેર કોમ્પ્લેક્સમાં ઓ થ્રી સ્પા એન્ડ સલૂન પ્રાઇવેટ લિમિટેડમાં રેડ કરી હતી. ત્યા પણ બહારથી સ્ત્રીઓને બોલાવીને સ્પાની આડમાં કુટણખાનું ચલાવવામાં આવતું હોય 4500 ની રોકડ અને મોબાઇલ તેમજ નવ કોન્ડમ આમ કુલ મળીને 6500 નો મુદામાલ કબ્જે કરેલ છે અને સ્થળ ઉપરથી સ્પાના સંચાલક દીપક રમેશચંદ ચૌહાણ (૪૬) રહે.હાલ શનાળા રોડ ઉપર ઓ થ્રી સ્પા મોરબી મૂળ રહે. બલજિતનગર પટેલનગર પાસે દિલ્હી અને કર્ણબહાદુર નિલે લોહાર ઉર્ફે નવલ લોહાર (૩૫) રહે. મૂળ જાનકી ગ્રામ પંચાયત કૈલાલી નેપાલ હાલ રહે.શનાળા રોડ ઉપર ઓથ્રી સ્પા મોરબી વાળાની ધરપકડ કરેલ છે.
તેમજ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ શિવ કોમ્પ્લેક્સમાં હરિઓમ નાસ્તાની ઉપરના ભાગમાં આવેલ વેલકમ્ સ્પામાં બી ડિવિઝન પોલીસ દ્વારા ચેકીંગ કરવામાં આવ્યુ હતુ ત્યાં પણ બહારથી સ્ત્રીઓને બોલાવીને સ્પાની આડમાં કુટણખાનું ચાલુ હોવાની સામે આવ્યું હતું. જેથી પોલીસે 5600ની રોકડ, 52,000 ના ત્રણ મોબાઈલ, 39 કોન્ડમ સહિત કુલ મળીને 57600 નો મુદામાલ કબ્જે કરેલ છે અને સ્થળ ઉપરથી જયેશ મોહનભાઇ પરડવા (૨૯) રહે. મહેન્દ્રનગર બસ સ્ટેન્ડ પાછળ સહજાનંદ એપાર્ટમેન્ટ મોરબી, વિમલભાઈ લલીતભાઈ અગ્રાવત (૩૪) રહે પીપળી ગામ ધર્મગંગા સોસાયટી મોરબી અને પ્રકાશભાઈ કનૈયાલાલ ડાખોર (૩૦) રહે વિદ્યુતનગર ગરબી ચોક પાસે મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને મુકેશભાઈ ઘોઘાભાઈ સુરેલા રહે. મોરબી નું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે.
આ પણ વાંચોઃ માતા અને દિવ્યાંગ દીકરીની મદદે આવ્યા ખજૂરભાઈ, માત્ર 7 દિવસમાં બનાવી આપ્યું પાકુ મકાન
આ ઉપરાંત મોરબીમાં ધર્મેન્દ્ર પ્લાઝામાં આવેલ સનરાઈઝ સ્પામાં અને મોરબીના બાયપાસ રોડે કામધેનુ પાર્ટી પ્લોટ સામે આવેલ હનીથાઈ સ્પામાં તપાસ કરવામાં આવી હતી ત્યારે ત્યાં કામ કરતા કર્મચારીઓની માહિતી પોલીસને આપેલ ન હોવાથી પોલીસે બંને સપાના સંચાલકોની સામે જાહેરનામા ભંગના ગુના નોંધીને આગળની કાર્યવાહી કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube