`એક ટ્વીટથી ફેર પડે છે,પણ ફોલ્ટી બ્રિજ બનાવીને 135 લોકોના મોતથી નહીં`, TMC પ્રવક્તાના આકરા પ્રહારો
ઈમેજ ઉપર કોઈ ટ્વિટ કર્યું હોય તો પોલીસ એરેસ્ટ કરે છે પરંતુ ફોલ્ટી બ્રિજ બનાવીને 135 લોકોના જીવ લીધા તેની સામે કોઈ કેસ નહીં અને ફરિયાદમાં તેનું નામ પણ નથી. આમ તેને આડકતરી રીતે સરકાર અને પોલીસ ઉપર નિશાન ટંકયું હતું.
હિમાશું ભટ્ટ/મોરબી: તૂણમૂલ કોંગ્રેસના આગેવાન અને પત્રકાર સાકેત ગોખલે દ્વારા અગાઉ કરવામાં આવેલ રી-ટ્વિટને લઈને તેની ધરપકડ કરવામાં આવી હતી. જોકે મોરબીની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા બાદ તે જામીનમુક્ત થયેલ હતો અને ત્યારબાદ તેમણે સરકારી મશીનરીના ઉપયોગ સામે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે સરકારની ઈમેજ ઉપર કોઈ ટ્વિટ કરે તો તેની ધરપકડ કરવામાં આવે છે. જોકે ફોલ્ટી બ્રિજ બનાવીને 135 લોકોના જીવ જાય તેની સામે કોઈ કેસ કરવામાં આવતો નથી અને ઓરેવા કંપનીના જયસુખ પટેલને હજુ સુધી પકડવામાં આવ્યા નથી. આમ તેણે આડકતરી રીતે મોરબી પોલીસ દ્વારા કરવામાં આવેલ કામગીરી સામે નિશાન ટંકયું હતું.
મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડ્યો તેને લગભગ સવા મહિના કરતાં વધુ સમય થઈ ગયો છે. તેમ છતાં પણ હજુ સુધી મુખ્ય દોષિત કોણ? અને કોની બેદરકારીના કારણે આ પુલ તૂટ્યો ? તેને લઈને કોઈ સ્પષ્ટતા થયેલ નથી. તેવામાં પુલ તૂટવાના લીધે મોરબીની મુલાકાતે આવેલા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખર્ચ અંગેની જે ટ્વિટ કરવામાં આવી હતી. તેને ટીએમસીના આગેવાન અને પત્રકાર સાકેત ગોખલે દ્વારા રી-ટ્વિટ કરવામાં આવી હતી. જેથી કરીને બે શખ્સોની સામે મોરબી પોલીસ દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધેલ ગુનામાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જોકે ટીએમસીના આગેવાનને જામીનમુક્ત કરવામાં આવેલ છે. ત્યારબાદ તેને ભાજપ સરકાર સામે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે જે રીટ્વિટ કર્યું હતું. તેમાં તેનો કોઈ ઇરાદો ન હતો કે તે ટ્વીટથી ચૂંટણીને અસર થાય તો પણ કોઈ કારણ વગર હાર્ટનો દર્દી હોવા છતાં તેની બીજા રાજ્યમાંથી ગુજરાત પોલીસે ધરપકડ કરી છે અને બીજાએ મુકેલી ટ્વીટને રીટ્વિટ કરવાથી તેની ધરપકડ કરવામાં આવેલ છે.
જોકે દક્ષ પટેલ નામના જે વ્યક્તિએ ટ્વિટ કર્યું છે તે કોણ છે? ક્યાં છે? તે હજુ પોલીસ શોધી શકી નથી અને ખાસ કરીને તેઓની પાર્ટીના સર્વેસરવા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સહિતના ટીએમસીના આગેવાનોનો તેણે આભાર વ્યક્ત કર્યો હતો અને ભાજપની આ પ્રકારની રાજનીતિ તેઓને ડરાવી શકશે નહીં. તેઓ તેની સામે દસ ગણી તાકાતથી લડશે તેવું જણાવ્યું હતું. અંતમાં તેણે પણ જણાવ્યું હતું કે, મોરબી કે ગુજરાત પોલીસ સામે તેને કોઈ ફરિયાદ નથી. પરંતુ મોરબીમાં ઓરેવા કંપની દ્વારા જે બ્રિજનું રીનોવેશન કામ કરવામાં આવ્યું હતું અને તે બ્રિજ તૂટી પડવાના કારણે 135 લોકોના મૃત્યુ નીપજયા હતા તે બનાવમાં જયસુખ પટેલની હજુ સુધી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી નથી.
આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને રાજ્ય સરકાર તરફથી ચાર લાખ રૂપિયા દેવામાં આવ્યા છે. જોકે પીએમનો ખર્ચો શું હોય છે, તેના આંકડા બધા જાણે છે. જેથી તે બાબતે કોઈ ટીકા ટિપ્પણી તેમણે કરી ન હતી અને ખાસ કરીને તેમણે એવું પણ જણાવ્યું હતું કે “ઈમેજ ઉપર કોઈ ટ્વિટ કર્યું હોય તો પોલીસ એરેસ્ટ કરે છે પરંતુ ફોલ્ટી બ્રિજ બનાવીને 135 લોકોના જીવ લીધા તેની સામે કોઈ કેસ નહીં અને ફરિયાદમાં તેનું નામ પણ નથી. આમ તેને આડકતરી રીતે સરકાર અને પોલીસ ઉપર નિશાન ટંકયું હતું.