ગાંધીનગર: કોરોનાની વૈશ્વિક મહામારીને પગલે અમલી બનાવાયેલા લોકડાઉનમાં વિદેશમાં ગુજરાતના અનેક વિદ્યાર્થીઓ ફસાયા છે. આ વિદ્યાર્થીઓને વિદેશથી પરત લાવવા રાજ્ય સરકારે અનેક પ્રયાસો કર્યા હતા. વિદેશ મંત્રાલય સાથે પરામર્શમાં રહીને કરેલા પ્રયાસોના ફળદાયી પરિણામ સ્વરૂપે 10મી મેના રોજ સવારે એક હજારથી વધુ વિદ્યાર્થીઓ પરત ફરી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે વિદ્યાર્થીઓને પરત આવ્યા બાદ તેમના આરોગ્યની ચકાસણી સ્ક્રિનિંગ તથા અન્ય  કામગીરીની આજે વિસ્તૃત સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે વિદેશમાં ફસાયેલા વિદ્યાર્થીઓના પરિવારોની સતત માંગ હતી કે અમારા બાળકોને શક્ય એટલા વહેલા પરત લાવવામાં રાજય સરકાર સક્રિય પ્રયાસો કરે. તેના પગલે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શન હેઠળ વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં રહીને આ વિદ્યાર્થીઓને પરત લાવવાનું આયોજન કરાયું છે. 


અત્રે ઉલ્લેખનીય છે કે આ વિદ્યાર્થીઓ વોશિંગ્ટન ડીસી, કુવેત, દુબઈ, ફિલિપાઇન્સ વગેરેથી અહીં પરત ફરી રહ્યા છે. આ અંગે અમદાવાદ એરપોર્ટ ખાતે યોજાયેલી બેઠકમાં અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુ અને ઉચ્ચ અધિકારીઓ વગેરેએ એરપોર્ટ ઉપર ઉપસ્થિત રહીને તૈયારીઓને આખરી ઓપ આપ્યો હતો. વિદેશથી પરત ફરનારા વિદ્યાર્થીઓના પગલે તેમના વાલીઓ સહિત પરિવારમાં આનંદની લાગણી વ્યાપી છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube