કુંવારી માતાએ મૃત સમજીને તરછોડેલી નવજાત બાળકી જીવીત નીકળી
- બાળકીનો રડવાનો અવાજ આવતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી
- પોલીસ તપાસમાં કુંવારી માતાના કૂખથી બાળકીનો જન્મ થયો હોવાનુ ખૂલ્યુ
ગૌરવ દવે/રાજકોટ :લોધિકામા માનવતાને શરમાવે તેવો કિસ્સો સામે આવ્યો છે. કુંવારી માતાએ પોતાનું પાપ છુપાવવા નવજાત બાળકીને તરછોડી દીધી હતી. પણ કુદરતે એ માસુમને જીવનદાન આપ્યું. રાજકોટ પાસેના લોધિકામાં જનેતાએ નવજાત બાળકીને મૃત સમજીને તરછોડી તે જીવિત નીકળી છે.
પરપ્રાંતિય યુવતી પ્રસૂતિ માટે લોધિકામાં પોતાના સંબંધીને ત્યાં આવી હતી. મૂળ મધ્યપ્રદેશની યુવતી લોધિકાની સરકારી હોસ્પિટલમાં પ્રસૂતિ માટે આવી હતી. યુવતીએ બાળકીને જન્મ આપ્યો હતો. પરંતુ બાળકી મૃત સમજીને હોસ્પિટલના પાછળના ભાગે તેને છોડી દીધી હતી અને પરિવાર ત્યાંથી જતો રહ્યો હતો.
આ પણ વાંચો : શું તમે મોદી સમાજને ચોર કહ્યું છે? રાહુલ ગાંધીએ કોર્ટમાં આપ્યો આ જવાબ
હોસ્પિટલના પાછળના ભાગથી પસાર થતા સમયે સ્થાનિક લોકોને બાળકીનો રડવાનો અવાજ આવ્યો હતો. તેમણે જોતા અહી બાળકી મળી હતી. તેથી સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. બાળકીને તાત્કાલિક સારવાર માટે કેટી ચિલ્ડ્રન હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જેના બાદ પોલીસે બાળકીના માતાપિતાને શોધવાના પ્રયાસો કર્યા હતા. આખરે તેમને સફળતા મળી હતી, જેમાં મધ્યપ્રદેશના પરિવારની ભાળ મળી હતી.
આ પણ વાંચો : હાર્દિક પટેલે આમ આદમી પાર્ટીમાં જોડાવા અંગે આપ્યુ મોટુ નિવેદન
પોલીસ તપાસમાં કુંવારી માતાના કૂખથી બાળકીનો જન્મ થયો હોવાનુ ખૂલ્યુ હતું. બાળકીને જન્મ આપનાર કુંવારી માતાની પણ તબિયત સારી ન હોવાથી તે પણ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તો સાથે જ પોલીસે યુવતીની વધુ પૂછપરછ હાથ ધરી છે.