મૌલિક ધામેચા/ અલ્કેશ રાવ: બનાસકાંઠાને અડીને આવેલા રાજસ્થાનનું પર્યટક સ્થળ માઉન્ટ આબુમાં આબુ સંઘર્ષ સમિતિ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. વેપારીઓ, હોટલ માલિકો સહિત આજથી અનિશ્ચિત સમય માટે બંધનું એલાન આપ્યું છે. રાજસ્થાન સરકાર દ્વારા બિલ્ડિંગ બાયલોઝને મંજૂર નહી કરાતા માઉન્ટ આબુનો વિકાસ રુધાતા સ્થાનિક વેપારીઓ અને રહીશો દ્વારા આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. જેને લીધે પર્યટક સ્થળ પર પહોચતા પર્યટકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે છે કે માઉન્ટ આબુમાં મોટીસંખ્યામાં ગુજરાતી પ્રવાસીઓ રજાના દિવસોમાં પહોચતા હોય છે ત્યારે બંધ દરમિયાન દુકાનો, હોટલો સહિત સજ્જડ બંધ હોવાથી પર્યટકો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.


માઉન્ટ આબુમાં નિર્માણકાર્ય (બાંધકામ) માટે 2015માં માસ્ટર બાય લોઝ પ્લાન તૈયાર કરાયો હતો. જેને હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ દ્વારા પણ લીલીઝંડી મળી ગઇ હતી. જો કે રાજસ્થાન સરકારે બિલ્ડીંગ માયલોઝ પ્લાનને મંજુર નહી કરતા આબુના મુળ નિવાસી ત્રસ્ત છે. 100 વર્ષ જુની બિલ્ડીગોનું પણ રીપેરીંગ કામ કે નવું બાંધકામ કરી શકાતુ નથી. જેને લીધે સ્થાનિક જનતા અને વેપારીઓ સહિત પરેશાન છે. 


આબુ સંઘર્ષ સમિતિના અધ્યક્ષ સુનીલ આચાર્યએ જણાવ્યુ હતુ કે સરકાર અને તંત્ર દ્વારા રજૂઆતો પર ધ્યાન ના આપતા બંધનો નિર્ણય લેવામાં આવ્યો છે. સંઘર્ષ સમિતિ દ્વારા રાજસ્થાન સરકારને પણ આવેદન આપવામાં આવ્યું છે. તેમજ ગૃહમંત્રી રાજનાથસિંહને પણ આવેદન આપી તાત્કાલીક બાયલોઝ પાસ કરાવવા માંગણી કરાઇ છે.


દરમિયાન સોમવારે સાંજે વિરોધને લઇ વેપારીઓએ કાળીપટ્ટી ધારણ કરી હતી. આ અંગે સ્થાનિક આગેવાને જણાવ્યું હતું કે બિલ્ડિંગ બાયલોઝના સમર્થનમાં તમામ આબુ વાસીઓ એકજૂટ થયા છે અને અમે અત્યારે કાળી પટ્ટી ધારણ કરી તેમજ બંધનું એલાન આપી સરકારની આંખ ખોલવાનો પ્રયાસ કર્યો છે. આગામી સમયમાં તેનાથી પણ વધુ આક્રમક કાર્યક્રમો આપીશું.