સુરત : એક્ટ્રેસ મૌસમી ચેટર્જિએ મહિલા એનાઉન્સરને ખરીખોટી સંભળાવી આંખમાં આસું લાવી દીધા
બોલિવુડની એક સમયની સુપ્રસિદ્ધ અભિનેત્રી મૌસમી ચેટર્જી ભાજપ સાથે જોડાયા છે, ત્યારે સુરતના મહેમાન બનેલા મૌસમી ચેટર્જીએ પશ્ચિમ બંગાળની સરકારનું નામ લીધા વગર પ્રહાર કર્યા હતા.
તેજશ મોદી/સુરત : બોલિવુડની એક સમયની સુપ્રસિદ્ધ અભિનેત્રી મૌસમી ચેટર્જી ભાજપ સાથે જોડાયા છે, ત્યારે સુરતના મહેમાન બનેલા મૌસમી ચેટર્જીએ પશ્ચિમ બંગાળની સરકારનું નામ લીધા વગર પ્રહાર કર્યા હતા.
તેઓએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખૂબ સારું કામ કરી રહ્યા છે, તેઓ અત્યાર સુધીના સૌથી સારા અને સફળ પીએમ છે. આ કારણે હુ ભાજપમાં જોડાઈ છું. નરેન્દ્ર મોદી અને અમિત શાહને ભગાવવા માટે કેટલાક લોકો ભેગા મળીને પ્રયાસ કરી રહ્યા છે. એક પીએમને ભગાવવા અનેક મુખ્યમંત્રીઓ ભેગા થયા છે, તો બીજી તરફ એક મુખ્યમંત્રીને બચાવવા બીજા મુખ્યમંત્રીઓ મહેનત કરી રહ્યા છે. પરતું મોદીને કોઈ હટાવી શકે નહીં. બીજી તરફ તેમના નિવેદનોમાં તેઓ મીડિયા કહી રહ્યા હતાં કે, તમારે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સાથ આપવો જોઈએ, તમારે બધાએ પણ ભાજપ સાથે જોડાવવું જોઈએ.
બીજી તરફ, મૌસમી ચેટર્જિએ મહિલા એનાઉન્સરને ટોકી હતી. મહિલા એનાઉન્સર એક કલાક મોડા આવ્યા હતા, જેથી તેઓએ પોતાના વાતની શરુઆતમાં જ મહિલા એનાઉન્સરની ઝડતી લીધી હતી. તો તેમણે મહિલા એનાઉન્સરના ટૂંકા કપડા વિશે પણ ટીકા કરી હતી. તેઓએ કહ્યું હતું કે, આવા કાર્યક્રમમાં હંમેશા ભારતીય કપડા પહેરીને આવવું જોઈએ. આપણે આપણી સંસ્કૃતિ ભૂલવી ન જોઈએ, જોકે જ્યારે આ મુદ્દે મીડિયા દ્વારા પૂછવામાં આવ્યું કે કોણ કેવા કપડા પહેરશે તે તેમે સમજાવશો, તો જવાબમાં મૌસમી ચેટર્જીએ કહ્યું હું કે હું માત્ર સમજાવી રહી કે મહિલાએ કાર્યક્રમને અનુરૂપ કપડા પહેરવા જોઈએ. જોકે આ બધા વચ્ચે મહિલા એનાઉન્સરની આખામાં પાણી આવી ગયા હતાં.