ભરત ચુડાસમા/ભરૂચ: સાંસદ મનસુખ વસાવા અવાર નવાર પોતાનાં બેફામ વાણી વિલાસના કારણે ચર્ચામાં આવતા રહે છે. તેવામાં ખનીજચોરી મુદ્દે મામલતદાર કક્ષાના અધિકારીને બેફામ ગાળો આપીને ફરી એકવાર વિવાદમાં આવ્યા હતા. કરજણ તાલુકામાં રેતીના ડમ્પરની અડફેટે આવી જવાના કારણે ત્રણ લોકોનાં મોત નિપજ્યાં હતા. જેના પગલે ઘટના સ્થળ પર સેંકડો લોકો એકત્ર થયા હતા. જેના પગલે પૂર્વ ધારાસભ્ય અને ભરૂચના સાંસદ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઘટના સ્થળે જ મામલતદાર સહિતના અધિકારીઓને ઘટના સ્થળે બોલાવ્યા હતા. લોકો વચ્ચે પોતે નાગરિકોની ચિંતા કરે છે તેવું દેખાડવા માટે અધિકારીઓ સાથે ગેરવર્તણુંક કરી હતી. ન માત્ર ગેરવર્તણુંક પરંતુ ગાળાગાળી પણ કરી હતી. આ ઘટના ભારે ચર્ચામાં રહ્યા બાદ સાંસદ મનસુખ વસાવાએ મંગળવારે બોલેલ અપશબ્દ બદલ ખુલાસો કર્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાંસદ મનસુખ વસાવાએ મામલતદાર કક્ષાના અધિકારીને બોલેલ અપશબ્દ બદલ ખુલાસો કરતા જણાવ્યું હતું કે, નારેશ્વર પાસે બનેલી ઘટનાથી હું ઘણો દુઃખી થયો હતો, જેમાં એક બાળક સહિત ત્રણ લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા. અગાઉ પણ ભુ - માફિયાઓ દ્વારા નદી અને ભાઠ્ઠામાં ઊંડા ખાડા પાડવાથી નર્મદા સ્નાન માટે આવેલા અમદાવાદના 8 થી 9 લોકો મૃત્યુ પામ્યા હતા. એટલું જ નહીં, ભાલોદ પાસે કપડાં ધોવા ગયેલી ત્રણ દીકરીઓ એક સાથે ડૂબી ગઈ હતી. ગત વર્ષે 2 આદિવાસીઓ પણ પાણીમાં ગરકાવ થયા હતા. અગાઉ રોડ અકસ્માતમાં વર્ષ દરમિયાન 6 થી 8 ઘટનાઓ બનતી રહેતી હોય છે.


તેમણે ઉમેર્યું હતું કે, પાણી ટપકતા ડમ્પરથી રસ્તાઓને પણ નુકસાન થાય છે અને બેફામ ચાલતા હોવાથી બીજા રાહદારીઓ પણ ભયભીત થતા હોય છે. વહીવટીતંત્રની ઘોર બેદરકારીના કારણે આ પ્રકારની ઘટનાઓ બનતી રહેતી હોય છે. આ બધી ઘટનાઓ બાદ લોકો ખૂબ રોષે ભરાયા હતા અને આટલી મોટી ઘટના બની હોવા છતાં જિલ્લા ખાણ - ખનિજ અધિકારી સ્થળ પર આવવાના બદલે નવસારી ચાર્જની ડ્યુટી કરવા ગયા હતા. નારેશ્વર ભાઠ્ઠામાં અને રોડ પર 50 થી 60 ડમ્પર પાણીથી ટપકતી રેતી ભરી ઊભા હતા તેની સામે કાર્યવાહી કરવા માટે મેં ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યું અને મૃત્યુ થયા હતા એ સ્થાને ફૂલહાર મૂકતા હતા ત્યારે અધિકારીઓ એકબીજા સામે જોઈ હસતા હતા. 


તેમણે દુ:ખી થઈને કહ્યું કે, આટલી મોટી ઘટના બાદ પણ અધિકારીઓ ગંભીર ના જણાતા ઉપસ્થિત બધા અધિકારીઓને ભારપૂર્વક જે કહેવાનું હતું એ કીધું અને જ્યારે હું ગુસ્સે ભરાયો ત્યારે રેત માફિયાઓ વિડિયો રેકોર્ડિંગ કરી રહ્યા હતા અને ચોક્કસ વાતનો વિડિયો સોશિયલ મીડિયા પર મૂકવામાં આવ્યો છે. ત્યાં મેં બધા અધિકારીઓ અને સ્થાનિક આગેવાનોને પણ એકબીજાની મિલીભગત હોવાનું જણાવ્યું હતું અને આજે પણ સ્પષ્ટપણે માનું છું કે આ કાર્ય રાજકીય આગેવાનોના પીઠબળથી થઈ રહ્યું છે. મેં ફકત અધિકારીઓનો નહિ પણ સ્થાનિક નેતાઓની સંડોવણીનો પણ ઉલ્લેખ કર્યો છે અને આ કોઈ મારો વ્યક્તિગત પ્રશ્ન નથી પ્રજા સાથે જોડાયેલ પ્રશ્ન છે જેના કારણે નાગરિકો હેરાન થઈ રહ્યા છે. 


તેમણે જણાવ્યું કે, અધિકારીઓ ગંભીર ના હોવાથી સ્વાભાવિકપણે મારે ઊંચા અવાજથી બોલવું પડ્યું છે અને જેનો કેટલાક લોકો દ્વારા જે વિડિયો સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યો છે જેમાં ગુસ્સામાં કંઈ બોલાયું હોય તો દિલગીરી વ્યકત કરું છું અને આ જનહિતના કાર્યમાં સૌ સમર્થન કરે એવી આશા રાખું છું.


જાણો શું છે સમગ્ર ઘટના?
બે દિવસ પહેલા કરજણના માલોદ ગામ નજીક રેતી ભરેલા ડમ્પરની ટક્કરે ઝનોર ખાતે પરિવારના ત્રણ સભ્યોના મોત નિપજ્યાં હતા. અકસ્માતની જાણ થતા ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સ્થાનિક આગેવાનો સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે અધિકારીઓની ઝાટકણી કાઢી હતી. ઉપરાંત હપ્તાના કારણે ખનન માફીયાઓ વિસ્તારમાં બેફામ બન્યા હોવાનું પણ જણાવ્યું હતું. સ્થાનિક લોકોને ભારે પરેશાની થઇ રહી હોવા છતા પણ હપ્તાના જોરે ખનન માફીયાઓ બેફામ અને બેખોફ બન્યા હોવાનો આરોપ લગાવ્યા હતા. 


સાંસદ વસાવાએ મામલતદાર સહિતનાં ખનીજચોરી કરતા ડમ્પરો બંધ કરાવવા માટે જણાવ્યું હતું. આ ઉપરાંત હોંશિયારી નહી મારવાની મારી સામે, તમારા તમામ ધંધા મને ખબર છે તેમ કહીને બેફામ ગાળો ભાંડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાનાં નિવેદનોના કાણે હંમેશા ચર્ચામાં રહે છે. તેઓ પોતાની વાત કરતા હોય ત્યારે આસપાસ, સ્થળ, પરિસ્થિતિ તમામ ભાન ભુલીને નિવેદન આપતા હોય છે. જેના કારણે કેટલીકવાર તેઓ બફાટ પણ કરી નાખતા હોય છે.