Surat Metro : સ્વચ્છતાનો એવોર્ડ મેળવવા રાતદિવસ પ્રયાસ કરી રહેલા સુરત મહાનગરપાલિકાની મહેનત પર આ એક ઘટનાથી પાણી ફરી વળ્યું. સુરતા વરાછા વિસ્તારમાં આજે અજીબ ઘટના બની હતી. સુરતના વરાછા વિસ્તારમા વિઠ્ઠલ નગર સોસાયટીમાં અચાનક જમીનમાંથી કાદવ બહાર આવ્યો હતો. સોસાયટીના નળોમાંથી પાણીને બદલે કાદવ બહાર આવવા લાગ્યો હતો. એકાએક એવુ થયું કે, આખી સોસાયટી કાદવ કાદવવાળી થઈ ગઈ. જેને પગલે અધિકારીઓ પણ દોડતા થયા છે. હાલ સુરતમાં મેટ્રોની કામગીરી ચાલી રહી હોવાથી સોસાયટીમાંથી માટીનો ગાર નીકળ્યો હતો. પહેલા એક બે ઘરોના રસોડામાં માટીનો ગાર નીકળ્યો બાદમાં આખી સોસાયટીમાં માટીનો કાદવ ફેલાઈ ગયો હતો. લોકોના ઘર પણ માટીના ગારથી ભરાઈ ગયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેટ્રોની કામગીરીને કારણે કાદવ બહાર આવ્યો
હાલ આખા સુરતમાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે. આવામાં હીરાબાગ સર્કલ પાસે પણ ખોદકામ ચાલી રહ્યું છે. જેથી ખોદકામ દરમિયાન કોઈ પાઈપ તૂટી જવાથી, અથવા તો ભૂલ થવાથી પાણીની લાઈનમાંથી કાદવ બહાર આવ્યો હતો. ત્યારે મેટ્રોની કામગીરી કરતા સમયે વિઠ્ઠલનગર સોસાયટીમાં કાદવના થર પ્રસરી ગયા હતા. આખી સોસાયટી કાદવથી ભરાઈ ગઈ. 



સોસાયટીની દરેક નળમાંથી કાદવ બહાર આવવા લાગ્યો. જોતજોતામા આખી સોસાયટી કાદવવાળી થતા બિહામણા દ્રષ્યો જોવા મળ્યો. જાણે કાદવનું રણ ન હોય. આ જોઈ સોસાયટીના રહીશો પણ ગભરાઈ ગયા હતા. કારણ કે, પહેલા તો શું થયુ તેઓ સમજી શક્યા ન હતા. 


કાદવમાં લોકો ચાલવા મજબૂર થયા હતા. તો કાદવને કારણે લોકોના ઘરમાં ગંદકી ફેલાઈ હતી. વાહનો પણ કાદવમાં અટવાયા હતા. જેથી રહીશો ત્રાહિમામ પોકારી ગયા હતા.