ઘોર કળિયુગ! માત્ર 50 રૂપિયાની લેતી-દેતી મામલે મિત્રની કરી હત્યા, અર્ધનગ્ન હાલતમાં લાશ મળી
નડિયાદ તાલુકાના સલુણ તાબે હઠીપુરા ગામની સીમમાં આવેલ નાની કેનાલ પાસેના એક ખેતરમાંથી રવિવારના રોજ વહેલી સવારના સમયે ગામમાં જ રહેતાં 25 વર્ષીય રાજુ રઈજીભાઈ ગોહેલની અર્ધનગ્ન હાલતમાં લાશ મળી આવી હતી.
નચિકેત મહેતા/ખેડા: આજકાલ રાજ્યમાં હત્યાના બનાવો વધી રહ્યા છે, ત્યારે નડિયાદ તાલુકાના હઠીપુરા ગામની સીમમાં આવેલ એક ખેતરમાંથી બે દિવસ અગાઉ ગામના જ એક યુવકની અર્ધનગ્ન હાલતમાં લાશ મળી આવી હતી. આ મામલે નડિયાદ રૂરલ પોલીસે મરણ જનાર યુવકના ભાઈની ફરીયાદને આધારે એક શકમંદ સામે હત્યાનો ગુનો નોંધી તેની અટકાયત કરી પુછપરછ હાથ ધરી હતી. જેમાં તે ભાંગી પડ્યો હતો અને તેણે હત્યાનો ગુનો કબુલ્યો હતો.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, નડિયાદ તાલુકાના સલુણ તાબે હઠીપુરા ગામની સીમમાં આવેલ નાની કેનાલ પાસેના એક ખેતરમાંથી રવિવારના રોજ વહેલી સવારના સમયે ગામમાં જ રહેતાં 25 વર્ષીય રાજુ રઈજીભાઈ ગોહેલની અર્ધનગ્ન હાલતમાં લાશ મળી આવી હતી. બનાવની જાણ થતાં નડિયાદ રૂરલ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ડોગ સ્ક્વોર્ડની મદદથી સ્થળ તપાસ હાથ ધરી હતી. જેમાં હુમલા માટે ઉપયોગમાં લેવાયેલ લાકડાનો ડંડો સ્થળ પરથી મળી આવ્યો હતો.
કેન્દ્રીય મંત્રી ભગવત કરડે કર્યો 'સત્તા'આસન યોગ: મહારાષ્ટ્ર સરકારમાં મોટી ઉથલ પાથલ
બીજી બાજુ પોલીસે મૃતક યુવકના પરિવારજનો તેમજ સ્થાનિકોની પુછપરછ હાથ ધરી હતી. જેમાં મૃતક રાજુ ગોહેલ અને તેના મિત્રો નિત્યક્રમ મુજબ શનિવારના રોજ રાત્રીના સમયે જમી-પરવારીને ઘર નજીક આવેલ ગરનાળે બેસવા ગયાં હતાં. તે વખતે ગામમાં જ રહેતો ગુણવંત ઉર્ફે ભુરીયો કાંતિભાઈ પરમાર બાઈક લઈને ત્યાં ગયો હતો અને ચાલ આપણે આવીએ તેમ કહી રાજુ ગોહેલને બાઈક પર બેસાડીને સલુણ ગામ તરફ લઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ બીજા દિવસે સવારે રાજુ ગોહેલની લાશ મળી હતી.
જેથી આ મામલે મૃતકના ભાઈ દિનેશ રઈજીભાઈ ગોહેલે હત્યા પાછળ ગુણવંત ઉર્ફે ભુરીયો કાંતિભાઈ પરમાર ઉપર શંકા વ્યક્ત કરી હતી. જેના આધારે નડિયાદ રૂરલ પોલીસે શકમંદ ગુણવંત પરમાર સામે હત્યાનો ગુનો નોંધી, ગણતરીના કલાકોમાં જ તેની ધરપકડ કરી હતી. જે બાદ રાજુ ગોહેલની હત્યા બાબતે તેની સઘન પુછપરછ હાથ ધરી હતી.
સુરત બન્યું મહારાષ્ટ્રનું ખજુરાહો! નારાજ ધારાસભ્યોએ શિવસેના ડેલિગેશનને હાંકી કાઢ્યું
પોલીસના ઉપરાઉપરી આકરાં સવાલોથી ગુણવંત ઉર્ફે ભુરીયો પરમાર ભાંગી પડ્યો હતો અને તેણે હત્યાના ગુનાની કબુલાત કરતાં જણાવ્યું હતું કે, રાજુ ગોહેલે થોડા સમય અગાઉ મારી પાસેથી 50 રૂપિયા હાથ ઉછીના લીધાં હતાં. શનિવારના રોજ રાત્રીના સમયે મેં રાજુ પાસેથી 50 રૂપિયા પરત માંગ્યાં હતાં. તે વખતે રાજુએ રૂપિયા આપવાની સ્પષ્ટ ના પાડી હતી અને ગાળો બોલી ઝઘડો કરવા લાગ્યો હતો.
આ બાબતે મને લાગી આવતાં મેં આવેશમાં આવી જઈ રાજુને મુઢમાર મારી તેમજ લાકડાના ડંડા વડે હુમલો કરી, ગંભીર ઈજા પહોંચાડી મોતને ઘાટ ઉતાર્યો હતો અને તેની લાશ ગરનાળાની બાજુમાં આવેલ ખેતરમાં મુકી દીધી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube