ગુજરાતની આ દુર્ગમ પહાડીઓમાં થયો જાદુ, અહી પથ્થરો પણ કરે છે વાતો
- ભચાઉ તાલુકાનો આખરી વિસ્તાર અનેક પુરાતન અવશેષો સંઘરીને બેઠું છે. તેવામાં આ સંગીત પાથરતા આ પથ્થરો કંઈક વિશેષ અચરજ પમાડે છે.
રાજેન્દ્ર ઠક્કર/ભૂજ :પાકિસ્તાનને અડીને આવેલા દુર્ગમ એવા કચ્છ (kutch) ના ભચાઉ તાલુકાના ખડીરમાં ઘણી જગ્યાએ અજાયબી જેવા ડુંગરો આવેલા છે. એમાંના હળી ભંગ દાદાના વિસ્તારમાં એવા પથ્થર મળી આવ્યા છે, જે અજાયબી જેવા છે. આ પથ્થરોને જોતા જ તે લોખંડ ઘાતુ જેવા લાગે છે. લોખંડ જેવા પથ્થરોનો એક સમૂહ કે જે પથ્થરો લોખંડની જેમ વાગે છે અને આ જોઈને લોકો અચરજમાં પણ મૂકાઈ રહ્યા છે. પરંતુ તેના કરતા પણ વધુ અચરજની વાત એ છે કે, આ લોખંડ જેવા પથ્થરમાંથી સુમધુર સૂર (musical rocks) રેલાય છે.
તસવીરમાં નજરે પડતા એક-એક ભાઈ ડુંગરના આ લોખંડ જેવા પથ્થરને વગાડી રહ્યા છે તો અન્ય એક ભાઈ એકલતાનો સૂર અને તાલ પણ આપી રહ્યા છે. જેમાં તેઓ પથ્થરને વગાડે છે, તો તેમાંથી પથ્થર જવાબ આપતો હોય તેવો સાદ રેલાય છે.
ભચાઉ તાલુકાનો આખરી વિસ્તાર અનેક પુરાતન અવશેષો સંઘરીને બેઠું છે. તેવામાં આ સંગીત પાથરતા આ પથ્થરો કંઈક વિશેષ અચરજ પમાડે છે. મેટ્રિકલ સિમેન્ટ જેવા તત્વની બનેલી આ પથ્થરની શીલા જ્યારે બની હશે, તે સમયે ખૂબ ઉર્જા અને ગરમી લાવામાંથી બની હશે. તેથી આ પથ્થરોમાંથી લોખંડ જેવો રણકાર થાય છે તેવું વિજ્ઞાનીઓનું કહેવું છે.
જો કોઈ સંગીતકાર આ પથ્થરોને તાલબદ્ધ રીતે વગાડે તો તેમાંથી સંગીત પણ બની શકે તેવા આ પથ્થરો છે. તેથી જ આ પથ્થરોને આપણે મ્યૂઝિકલ રોક્સ કે સંગીતમય પથ્થરો કહી શકીએ છીએ. જોકે, આ દુર્ગમ પહાડીઓમાં આવું રહસ્ય છુપાયેલું છે તે ભાગ્યે જ કોઈને ખબર હશે.