બુરહાન પઠાણ, આણંદ: આજે એક તરફ હિંદુ મુસ્લિમો વચ્ચે નફરતની રાજનીતી રમાઈ રહી છે, ત્યારે મૂળ ભરૂચ જિલ્લાનાં અને હાલમાં આણંદ શહેરમાં રહેતા મુસ્લિમ યુવકએ પોતાનાં પિતાનાં અધુરા રહેલા સ્વપ્નને સાકાર કરવા માટે મોહમ્મદ ગઝની દ્વારા સોમનાથ મંદીર પર હુમલાઓ કરી લુંટીને અફધાનિસ્તાન લઈ જવામાં આવેલી સંપતીને દેશમાં પરત લાવવા માટે ચળવળ ચલાવી છે. આ માટે તેઓએ સોમનાથ મંદીર ટ્રસ્ટને પત્ર લખ્યો છે,તેમજ તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિને પણ પત્ર લખીને સોમનાથ મંદીરની લૂંટમાં લઈ જવાયેલી ઐતિહાસિક સંપત્તિ દેશમાં પરત લાવવા માટે માંગ કરનાર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોહમ્મદ ગઝનીએ સોમનાથ મંદીર પર હુમલાઓ કરી મંદીરની તોડફોડ કરી અંદાજે 6 ટન સોનું અને દુર્ભલ શીવલીંગ તેમજ લાલ ચંદનથી બનાવેલો મંદીરનો મુખ્ય દરવાજો અને કિંમતી સામાન સહીત આજના બજાર કિંમતે 70 કરોડ મિલીયન ઉપરાંતની સંપત્તિને લુંટ કરી લઈ ગયો હતો. મોહમ્મદ ગઝની દ્વારા લૂંટ કરી લઈ જવામાં આવેલી ઐતિહાસિક શિવલીંગ, લાલ ચંદનનો દરવાજો સહીતની સંપત્તિને અફધાનિસ્તાનથી પરત લાવવા માટે આણંદનાં યુવક મઝહરખાન નિશારખાન પઠાણએ ચળવળ હાથ ધરી છે. અને આ માટે તેઓએ સોમનાથ મંદીર ટ્રસ્ટને પત્ર પણ લખ્યો છે. તેમજ તેઓ આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ રાષ્ટ્રપતિને પણ પત્ર લખીને સોમનાથ મંદીરની લૂંટ કરી લઈ જવાયેલી સંપત્તિને પરત લાવવા માંગ કરશે.


આણંદ શહેરમાં અલસિફાત રેસીડેન્સીમાં રહેતા મઝહરખાન નીસારખાન પઠાણ જુનાગઢનાં નવાબ પરિવારથી સંબધ ધરાવે છે. તેઓનાં પિતા નીસારખાન પઠાણ જયોતીષી અને ભુગર્ભ ગતિવિધિના જાણકાર હતા, આફ્રિકામાં સોનાની ખાણો શોધવામાં તેઓની મહત્વની ભુમિકા હતી. તેઓ ઝામ્બિયાના રાષ્ટ્રપતિના વિશેષ સલાહકાર રહી ચુકયા હતા. તેઓએ સોમનાથ મંદીર અંગે ઘણુ સંશોધન કર્યું હતું. મોહમ્મદ ગઝનીએ સોમનાથ મંદીર પર હુમલાઓ કરી ચલાવેલી લૂંટ અંગે પણ તેઓ દ્વારા અભ્યાસ કરી ઘણું સંશોધન કરવામાં આવ્યું હતું. 


મોહમ્મદ ગઝની દ્વારા લૂંટ કરી લઈ જવામાં આવેલા 6 ટનથી વધુ સોનું તેમજ દૂર્લભ શીવલીંગ અને લાલ ચંદનનાં લાકડામાંથી બનાવેલુ કાષ્ઠકલાની અદભુત કોતરણી ધરાવતા મંદીરનાં મુખ્ય દરવાજા સહીતની સંપત્તિ અફધાનિસ્તાનથી પરત લાવવા માટે તત્કાલીન વડાપ્રધાન ઈન્દીરા ગાંધી અને વી પી સિંહને પણ રજુઆતો કરી હતી. પરંતુ ત્યારબાદ વર્ષ 2001માં નિશારખાનનું નિધન થયું હતું, નિધન પૂર્વે નિશારખાનએ સોમનાથ મંદીરની લૂંટમાં ગયેલી સંપત્તિ દેશમાં પરત લાવવા માટે પોતાની રજુઆતો અને મહેચ્છા અંગે પોતાનાં પુત્ર મઝહરખાનને પણ વાત કરી હતી, જેથી પુત્ર મઝહરખાનએ પોતાનાં પિતાનાં અધુરા રહેલા સ્વપ્નને પુરૂ કરવા માટે અફધાનિસ્તાનમાંથી સોમનાથ મંદીરની લૂંટની સંપત્તિ પરત લાવવા માટે ચળવળ હાથ ધરી છે.


આ અંગે મઝહરખાન પઠાણએ જણાવ્યું હતું કે અફધાની લૂંટારા મંહમદ ગઝનીએ ઇતિહાસ અનુસાર વર્ષ 1024ની આસપાસમાં સોમનાથ મંદીર પર ચઢાઈ કરી હતી અને મંદીરમાંથી 6 ટન સોનું અને લાલ ચંદનમાંથી બનાવેલો કાષ્ઠ કલાનાં નમુનારૂપ દરવાજો તેમજ દૂર્લભ શીવલીંગ સહીત કિંમતી સામાનની લુંટ ચલાવીને અફધાનિસ્તાન લઈ ગયો હતો. જેની આજનાં દિવસે કિંમત 70 કરોડ મિલીયનથી વધુ આંકી શકાય.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube