વડોદરા : ધંધુકાના કિશન ભરવાડની હત્યાના પ્રત્યાઘાતો હવે રાજ્યમાં જોવા મળી રહ્યા છે. સમગ્ર રાજ્યમાં ઇસ્લામિક કટ્ટરપંથી પ્રવૃતિને અટકાવવા અને કાર્યવાહીના નામે સરકાર ખાંડા ખખડાવી રહી છે. જો કે આવી નાજુક પરિસ્થિતીમાં પણ આણંદના પેટલાદના એક હિન્દૂ યુવકને મારી નાખવાની ધમકી મળતા ચકચાર મચી જવા પામી છે. હાલ તો આ સમગ્ર ઘટનાનો ઓડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં બંન્ને યુવકો વચ્ચે ધાર્મિક પોસ્ટ મુકવા બદલ ઝગડો ચાલી રહ્યો હોવાનું સ્પષ્ટ થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલમાં રાજ્યમાં ધાર્મિક કટ્ટરતા ચરમસીમાએ પહોંચી ચુકી છે. આણંદમાં એક યુવકે ભગવાન કૃષ્ણનું સ્ટેટસ વ્હોટ્સએપ પર મુક્યું હતું. જેનાથી ઉશ્કેરાઇને એક વિધર્મી યુવકે હિન્દુ યુવકને મારી નાખવાની ધમકી આપી હતી. સ્થાનિક પોલીસને આ અંગે સમાચાર મળતા પોલીસ પણ દોડતી થઇ હતી. આ ઘટનાની સત્યતા તપાસવા માટે દોડાદોડી ચાલુ કરી હતી. હાલ આ મુદ્દે બંન્ને યુવકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઇ છે. 


ઓડિયોમાં યુવકને સ્ટેટસ રાખવા બાબતે ધમકી અપાઇ હતી. એક યુવકે કહ્યું કે કેમ આવા સ્ટેટસ મુકે છે. જેના જવાબમાં બીજા યુવકે કહ્યું કે, મારો ફોન છે હું ગમે તે સ્ટેટસ મુકું. તારે ન જોવું હોય તો મારો નંબર ડિલિટ કરી દે. જેના જવાબમાં વિધર્મી યુવકે કહ્યું કે, હવે તું આ સ્ટેટસ હટાવતો નહી હું તને બતાવી દઇશ. જેના જવાબમાં યુવકે કહ્યું કે, થાય તે કરી લેજે. જેના જવાબમાં વિધર્મી યુવકે કહ્યું કે, સોમવારે કોલેજથી પરત ફરતા સમયે તારા જેટલા હોય તેટલા લેતો આવજે. ગમે ત્યારે તારી ગેમ થઇ જશે અને તને ખબર પણ નહી રહે.