Narendra Modi: સત્તાનું સુકાન સંભળ્યાને નરેન્દ્ર મોદીને આજે 23 વર્ષ પૂર્ણ.... 7 ઓક્ટોબર 2001માં પહેલીવાર મુખ્યમંત્રી તરીકે સંભાળી હતી જવાબદારી... 13 વર્ષ સીએમ, તો 10 વર્ષથી પીએમ તરીકે સંભાળી રહ્યા છે જવાબદારી...વિશ્વના સર્વાધિક લોકપ્રિય લીડર અને દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકાસની રાજનીતિના સુકાની તરીકે 23 વર્ષ પૂર્ણ કર્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નરેન્દ્રભાઈ મોદીએ પહેલીવાર 7 ઑક્ટોબર 2001માં ગુજરાતના 14મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. નરેન્દ્રભાઈ મોદી સતત 4 વાર ગુજરાતના મુખ્યમંત્રી પદે ચૂંટાયા અને નિરંતર 13 વર્ષ સુધી તેમણે ગુજરાતના વિકાસને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે અથાક પરિશ્રમ કર્યો. 7 ઑક્ટોબર 2001માં પહેલીવાર ગુજરાતના સીએમ તરીકે રાજ્યની જવાબદારી સંભાળનારા નરેન્દ્ર મોદી ગુજરાતના પહેલા એવા મુખ્યમંત્રી છે જેમના નામે સતત 13 વર્ષ મુખ્યમંત્રી રહેવાનો રેકોર્ડ છે. વર્ષ 2001થી 2014 સુધી તેમણે ગુજરાતને વિકાસનું રોલ મોડલ બનાવ્યું. તેમની કાર્યપ્રણાલિ અને વિકાસ કાર્યોને જોઈને જ દેશની જનતાએ વર્ષ 2014માં સ્પષ્ટ બહુમતી સાથે કેન્દ્રમાં ભાજપની સરકાર બનાવી અને ગુજરાતના અનુભવને કામે લગાડીને પીએમ મોદીએ સમગ્ર દેશમાં માળખાકીય સુવિધાઓ વિકસાવી. 


હિંદુસ્તાનની રાજનીતિમાં પીએમ મોદી બીજા એવા પ્રધાનમંત્રી છે જે દેશની જનતાનો વિશ્વાસ જીતીને સતત ત્રીજી વાર રાષ્ટ્રના સુકાની બન્યા અને અત્યારે તેમના નેતૃત્વમાં આપણો દેશ વિકસિત રાષ્ટ્રના મંત્ર સાથે ઝડપભેર આગળ વધી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલી વાર ગુજરાતના સીએમ તરીકે 7 ઑક્ટોબર 2001માં રાજ્યની ધુરા સંભાળી હતી. જેથી રાજ્ય સરકારે દર વર્ષે 7 ઑક્ટોબરથી 15 ઑક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરવાની જાહેરાત કરી છે. આ એક અઠવાડિયા દરમિયાન રાજ્યનાં પ્રખ્યાત જાહેર સ્થળોની દીવાલો પર વૉલ પેઈન્ટિંગથી 23 વર્ષની વિવિધ ક્ષેત્રોની વિકાસયાત્રાની ઝાંખી પ્રસ્તુત કરાશે.


આ ઉપરાંત રાજ્યના મહત્વપૂર્ણ વિકાસ સ્થળોનું સુશોભન અને લાઈટિંગ કરવામાં આવશે.. સાથે જ સમગ્ર રાજયમાં રૂપિયા 3500 કરોડ રૂપિયાથી વધુ રકમના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. તો 13 વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અને છેલ્લાં 10 વર્ષથી દેશના પ્રધાનમંત્રી તરીકે રાષ્ટ્ર નિર્માણની વિકાસ યાત્રાને નિરંતર આગળ વધારનારા સુકાની તરીકે મોદીએ હિંદુસ્તાનને સમગ્ર વિશ્વમાં આગવી ઓળખ અપાવી છે. 


અભી નહીં તો કભી નહીંના મંત્ર સાથે કામ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સંકલ્પ છે ભારતને વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાનો અને તેમના આ જ મંત્રને સાકાર કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર પણ નિરંતર વિકાસ કાર્યોને વધારી રહી છે આગળ.