ધોરાજી :સામાન્ય રીતે રાજકારણથી દૂર રહેવાની વાતો કરનારા ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે અચાનક યુ ટર્ન લીધો છે. નરેશ પટેલે ધોરાજી ખાતે યોજાયેલ ખોડલધામ યુવા સમિતિના એક કાર્યક્રમમાં રાજકારણ અને પાટીદાર મુદ્દે સ્ફોટક નિવેદનો આપ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધોરાજીના પાટીદાર યુવાનોને સંબોધતા કહ્યું કે, રાજકારણમાં આગળ વધો તો જ કોઈક પાટીદાર સમાજનો ભાવ પૂછશે. રાજકારણ વિના આપણી પ્રગતિ પણ નથી અને સમાજને જો આગળ ઈચ્છતા હોય તો કોઈ પણ ક્ષેત્રમાં રાજકારણ જરૂરી છે. યુવાનોને નરેશ પટેલે કહ્યું કે, જે સક્ષમ હોય તે રાજકારણમાં આગળ વધે. સાથે જ નરેશ પટેલે લેઉવા પટેલ સમાજને રાજકીય ક્ષેત્રે વધુ મજબૂત બનાવવા હાકલ કરી.


ઉલ્લેખનીય છે કે, નરેશ પટેલ હંમેશાથી રાજકારણથી દૂર રહેવાની વાતો કરે છે. જેની અસર વિધાનસભા 2017ની ચૂંટણીમાં પણ જોવા મળી હતી. તો બીજી તરફ, તેમના પુત્રએ કોંગ્રેસના ધારાસભ્યને ખુલ્લો ટેકો જાહેર કર્યો હતો. ત્યારે હવે નરેશ પટેલના યુવાનોને આ સંબોધનથી અનેક તર્કવિતર્ક સર્જાયા છે. તો બીજી તરફ, આજે સમગ્ર દિવસ ખોડલધામ ટ્રસ્ટનું રાજકારણ ગરમાયેલું રહ્યું છે.


એક તરફ ટ્રસ્ટના પૂર્વ પ્રમુખ પરેશ ગજેરાએ ચૂંટણી લડવાના સંકેતો બતાવ્યા હતા. તો બીજી તરફ, આંતરિક વિવાદના કારણે મહિલા સમિતિના પ્રમુખ શર્મિલાબેન બાંભણીયા સહીત કન્વીનારોએ હોદા પરથી રાજીનામું આપી દેતા વિવાદ સામે આવ્યો છે.