જયેશ દોષી/ નર્મદા: આજે નર્મદામાં આયોજીત એક કાર્યક્રમમાં રાજ્યના સાંસદ મનસુખ વસાવા (MP Mansukh Vasava)એ ગુજરાત (Gujarat)ના શિક્ષણ વિશે એક નિવેદન આપીને ખળભળાટ મચાવી દીધો છે. મનસુખ વસાવા હંમેશાં પોતાના વિવાદિત નિવેદનોના કારણે ચર્ચામાં રહેતા હોય છે, ત્યારે આજે નર્મદા જિલ્લા (Narmada district)માં આવેલ જીતગઢ (Jitgarh) ખાતે કરજણ સિંચાઈની કેનાલના રીનોર્વેશનનું ખાતમુહૂર્ત પ્રસંગે મનસુખ વસાવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે એક રાજ્યના શિક્ષણ વિશે નિવેદન આપ્યું હતું. મનસુખ વસાવાએ ગુજરાતના શિક્ષણને નબળું ગણાવીને વિપક્ષને વણજોઈતો મુદ્દો આપ્યો છે. બીજી બાજુ સાંસદે શિક્ષણનું સ્તર નીચું ગણાવતા હવે સરકારના દાવાઓની પોલ કેટલી સાચી તેના પર સવાલો ઉઠવા માંડ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મનસુખ વસાવાએ લોકોને શિક્ષણનું મહત્વ સમજાવવાનો પ્રયાસ કર્યો
કેનાલના ખાત મુહૂર્ત પ્રસંગે સાંસદે જણાવ્યું હતું કે અગાઉ વર્ષો પહેલા કરોડોના ખર્ચે રીપેરીંગ થયું હતું, પણ પેપર પર જ કામ થયું હતું. પાણી છોડતાની સાથે જ બધું જ કામ ધોવાઈ ગયું હતું. તેની સાથે નર્મદા જિલ્લાના કથડતા શિક્ષણ પર વાત કરતા મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, આજે IPS અને GPSની પરીક્ષામાં ગણ્યા ગાંઠ્યા જ ગુજરાતના લોકો પાસ થયા છે. આ પરીક્ષામાં બિહારના લોકો પાસ થયા છે. સાંસદે બુમો પાડી જણાવ્યું હતું કે, ગુજરાતનું શિક્ષણ નબળું છે અને નબળું જ છે. ત્યારબાદ તેમણે ઉમેર્યું હતું કે મનસુખભાઇ સરકારની ટીકા ટિપ્પણી નથી કરતા, પણ જે હકીકત છે તે કહેવું પડે. સેન્ટ્રલ લેવલની કોઈ પણ પરીક્ષામાં ટ્રાઇબલ પટ્ટીના યુવાનો કોઈ પાસ થાય છે ખરા?


અત્રે  નોંધનીય છે કે મનસુખ વસાવાએ રાજ્યના શિક્ષણને નબળું ગણાવી સરકારના દાવાઓને જ સવાલોના ઘેરામાં લાવી દીધા છે. ત્યારે હવે લોકોના મનમાં એક જ સવાલ ઉદ્દભવી રહ્યો છે કે ગુજરાતના શિક્ષણ મુદ્દે સરકાર સાચી કે સાંસદ?