રાજપીપળાઃ ગુજરાત રાજ્ય માટે ખુશીના સમાચાર છે. નર્મદા ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ પડતાં નર્મદા ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. નર્મદા ડેમની જળસપાટીમાં 12 કલાકમાં બે ફૂટનો વધારો નોંધાયો છે. દર કલાકે 18થી 20 સેમીનો વધારો થતાં ડેમની જળસપાટી 111.98 મીટરે પહોંચી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે, ઉપરવાસમાં ઓછો વરસાદ પડવાને કારણે નર્મદાની જળસપાટીમાં આ વર્ષે કોઈ નોંધનીય વધારો થયો ન હતો. ગયા વર્ષે ઓછા વરસાદને કારણે આ વર્ષે સરદાર સરોવર ડેમના ડેડસ્ટોકનો પણ રાજ્યમાં પીવાના પાણી માટે ઉપયોગ કરાયો હતો. તેમાં આ વર્ષે વરસાદ ખેંચાઈ જતાં નર્મદા ડેમની સપાટીમાં વધારો ન થતાં સરકાર પણ ચિંતિત થઈ ગઈ હતી. રાજ્યમાં પીવાના પાણીનું સંકટ ઊભું થવાના એંધાણ વર્તાઈ રહ્યા હતા. 


એવામાં ગુરૂવાર મોડી રાતથી નર્મદા નદીના કેચમેન્ટ વિસ્તારોમાં સારો એવો વરસાદ પડવાનું શરૂ થતાં ડેમમાં પાણીની આવક શરૂ થઈ હતી. ગુરૂવારે નર્મદા ડેમમાં 4થી 5 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી હતી. ઉપવાસના વરસાદને કારણે આ આવક સીધી જ 1 લાખ 93 હજાર ક્યુસેક થઈ ગઈ હતી. 


જેના કારણે છેલ્લા 12 કલાકમાં નર્મદા ડેમની સપાટીમાં 2 ફૂટ જેટલો વધારો નોંધાયો છે. પાણીની આવક વધતાં હાલ જળ સપાટી દર કલાકે 18  થી 20  સેન્ટિમીટર વધી રહી છે અને જળ સપાટી 111.98 મીટરે પહોંચી છે.