અતુલ તિવારી/અમદાવાદ: નેશનલ ગેમ્સ 2022 માટે ગુજરાતના ખેલાડીઓએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતના ખેલાડીઓ વધુમાં વધુ મેડલ જીતે એ માટે રાજ્ય સરકારે પણ ખેલાડીઓ માટે જુદી જુદી રમતો માટે તમામ સુવિધાઓ આપી છે. 29 સપ્ટેમ્બરથી 12 ઓકટોબર સુધીમાં ગુજરાતમાં 36મી નેશનલ ગેમ્સ રમાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં નેશનલ ગેઇમ્સનો 27મી સપ્ટેમ્બરે ભવ્ય ઉદઘાટન સમારોહમાં દોઢ લાખ જેટલા રમતપ્રેમીઓ અને ખ્યાતનામ ખેલાડીઓની ઉપસ્થિતિમાં યોજાશે. તેના આયોજનની વિસ્તૃત ચર્ચા વિચારણા માટે એક બેઠક કરવામાં આવી હતી. રમતોત્સવનું સમાપન સુરતના ઇન્ડોર સ્ટેડિયમમાં 12 ઓક્ટોબરે કરાશે. 12 થી 16સપ્ટેમ્બર દરમ્યાન શાળા, કોલેજોમાં એક્ટિવેશન, 6 શહેરોમાં તા. 15થી 25 સપ્ટેમ્બર દરમ્યાન સ્પોર્ટસ કાર્નિવલ તેમજ 22થી 29 સપ્ટેમ્બર દરમ્યાન મેસ્કોટ રેલી યોજવામાં આવશે.


ગુજરાતના 6 શહેરોમાં આયોજિત નેશનલ ગેમ્સમાં 36 રાજ્યો/ યુ.ટી.થી રમતવીરો ગુજરાત આવશે. 36મી નેશનલ ગેમ્સમાં 36 જેટલી જુદી જુદી રમતોનો સમાવેશ થશે. નેશનલ ગેમ્સ માટે ગુજરાતમાં 15 હજાર કરતાં વધુ ખેલાડીઓ, કોચ અને સપોર્ટિંગ સ્ટાફ જુદી જુદી રમત માટે આવી પહોંચશે. અમદાવાદના રિવરફ્રન્ટ પર આવેલા રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક ખાતે આવેલા મેદાનોમાં નેશનલ ગેમ્સની રમત રમાશે. એટલું જ નહીં, દેશના 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના અંદાજે 8000 ઉપરાંત ખેલાડીઓ આ નેશનલ ગેઇમ્સની વિવિધ 36 રમતોમાં પોતાનું ખેલ કૌશલ્ય ઝળકાવવાના છે. 


અમદાવાદ માટે શહેરી વિકાસ અગ્ર સચિવ મુકેશકુમાર, સુરત માટે જી.આઇ.ડી.સી.ના એમ.ડી થેન્નારસન, ભાવનગર માટે એસ.ટી. નિગમના એમ.ડી. ગાંધી, રાજકોટ માટે ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તા, વડોદરા માટે જી.યુ.વિ.એન.એલ ના એમ.ડી શિવહરે અને ગાંધીનગર માટે કમિશનર મ્યુનિસિપાલીટીઝ એડ્મીનીસ્ટ્રેશન રાજકુમાર બેનિવાલ જવાબદારી સંભાળશે.


રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્કમાં બનેલા સોફ્ટ ટેનિસનાં મેદાનમાં ખેલાડીઓએ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. ખેલાડીઓ જે મેદાનમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે, એ જ રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્કનાં મેદાનમાં નેશનલ ગેમ્સની રમત રમાશે. ગુજરાત તરફથી 5 પુરુષ અને 5 મહિલા ખેલાડીઓ સોફ્ટ ટેનિસની રમતમાં હિસ્સો લેશે. તમામ દસેય ખેલાડીઓ સિંથેટીક મેદાન પર પ્રેક્ટિસ કરી રહ્યા છે.  


ગુજરાતના અનિકેત પટેલ, કે જેઓ ઓલ ઈન્ડીયા રેંન્કિંગમાં બીજું, એશિયા રેંન્કિંગમાં ત્રીજું અને વર્લ્ડ રેંન્કિંગમાં પાંચમું સ્થાન ધરાવે છે. અનિકેત પટેલ પાસે ગુજરાતને ગોલ્ડ મેડલની આશા છે. સોફ્ટ ટેનિસની રમતમાં કુલ 5 ઇવેન્ટ રમાશે, જેમાં મેન્સ - વિમેન્સ સિંગલ, મેન્સ - વિમેન્સ ડબલ અને મિક્સ ડબલનો સમાવેશ થશે. અનિકેત પટેલ 5માંથી 3 ઇવેન્ટમાં ભાગ લેશે, એનિકેત પટેલે કહ્યું કે, ગોલ્ડની અપેક્ષા સાથે તૈયારીઓ શરૂ કરી છે.


રાજ્ય સરકારે તમામ જરૂરી મદદ પૂરી પાડી છે. જે મેદાનમાં નેશનલ ગેમ્સની સોફ્ટ ટેનિસની ગેમ રમાશે, એમાં જ પ્રેક્ટિસ કરવાની તક મળી છે. તો બીજી તરફ ગુજરાતની સોફ્ટ ટેનિસ ટીમના કોચ અનિલ મારૂએ કહ્યું કે, નેશનલ ગેમ્સ ગુજરાતમાં રમનાર હોવાથી અને જે મેદાનમાં ગેમ રમાશે, એ જ મેદાન પર ખેલાડીઓ પ્રેક્ટિસ કરી રહ્યા છે, જે મેડલ મેળવવા માટે લાભદાયી નીવડશે. ગુજરાત સરકારે ખેલાડીઓને તૈયારી માટે રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્કનું મેદાન ખોલી આપ્યું છે. તમામ તૈયારી પૂર્ણ થઈ છે, ગુજરાતના ખેલાડીઓ સોફ્ટ ટેનિસમાં મેડલ જીતશે એ નિશ્ચિત છે.


ઉલ્લેખનીય છે કે, અમદાવાદના કાંકરિયામાં આવેલા ટ્રાન્સસ્ટેડિયા ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં 36મી નેશનલ ગેમ્સના મૅસ્કોટ અને ઍન્થમનું લોન્ચિંગ કરાયું હતું. જેમાં કેન્દ્રીય રમત - ગમત મંત્રી અનુરાગ ઠાકુર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સાંસદ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને રાજ્યના રમત - ગમત મંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube