ઝી બ્યુરો/અમદાવાદ: રાજકોટમાં ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો. ત્યારબાદ ક્ષત્રિય સમાજે રૂપાલા વિરુદ્ધ મોરચો માંડ્યો હતો. એક બાજુ ક્ષત્રિય સંકલન સમિતિ બનાવવામાં આવી હતી અને રાજ્યભરમાં રૂપાલા વિરુદ્ધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. પરંતુ ધીરેધીરે ક્ષત્રિય સમાજમાં તડા પડવા લાગ્યા હતા. હજું ગઈકાલે (શુક્રવાર) પદ્મિનીબા વાળાએ રૂપાલાને માફ કર્યાનું નિવેદન જાહેર કર્યું હતું. તો સંકલન સમિતિએ આંદોલનને વિરામ આપવાની વાત કરી હતી. પરંતુ આ વિવાદ હજું શમ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે. આજે અમદાવાદમાં ક્ષત્રિય કરણી સેનાએ પ્રેસ કોન્ફરન્સ કરીને રૂપાલા અને  ભાજપ સામે આ ગંભીર આરોપ લગાવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રૂપાલા જો જીતશે તો ઇવીએમ મશીનના આધારે જીતશે: ગીતાબા પરમાર
ક્ષત્રિય કરણી સેનાના મહિલા અધ્યણ ગીતાબા પરમારે એક મહત્વપૂર્ણ નિવેદન આપીને ખળભળાટ મચાવી દીધો છે. ગીતાબા પરમારે જણાવ્યું હતું કે પદ્મીનીબા વાળા અવાર નવાર લોકોનો વિરોધ કરતા રહ્યા છે. તેમનું ગઈકાલે (શુક્રવાર) નિવેદન હતું કે નારી શક્તિ રૂપાલાને માફ કરે છે. અમે નારી શક્તિમાં આવીએ છીએ અને અમે માફી આપતા નથી. જો રૂપાલા જીતશે તો રાજકોટ ખાતે અમે ધરણા કરીશું. 


તેમણે વધુમાં કહ્યું કે, ક્ષત્રિય કરણી સેનાના નેજા હેઠળ ધરણા કરીશું અને જરૂર પડે દિલ્હી જંતર મંતર ખાતે ધરણા કરીશું. રૂપાલા જો જીતશે તો ઇવીએમ મશીનના આધારે જીતશે. રાજકોટમાં મોટા ભાગનું મતદાન રૂપાલાના વિરોધમાં થયું છે. જો તે જીતે તો ભાજપના કાવાદાવાથી જીતશે. સંકલન સમિતિ અને અમારા વચ્ચે વિચાર ભેદ છે પણ લક્ષ્ય એક છે. 



બીજી બાજુ કરણી સેનાના રાષ્ટ્રીય મંત્રી પ્રજ્ઞાબા ઝાલાનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે આંદોલનને કોઇ કાળે વિરામ આપવામાં આવશે નહીં. રૂપાલાને કોઇ હિસાબે માફી આપવામાં આવશે નહી. કોઇ એક વ્યક્તિ કઇ રીતે રૂપાલાને માફી આપી શકે? પદ્મીની બા વાળાને રૂપાલાને માફી આપવાનો કોઇ અધિકાર નથી.આજથી અમે પદ્મીની બા વાળાનો બહિષ્કાર કરીએ છીએ. ગઇ કાલના તેમના નિવેદન બાદ તેમનો દરેક જગ્યાએથી બહિષ્કાર થઇ રહ્યો છે.