ગુજરાતના નવરાત્રિ વેકેશનની જાહેરાતમાં મોટો ઝોલ? વિદ્યાર્થીઓ મુકાયા મુંઝવણમાં
શાળાઓમાં નવરાત્રિ દરમિયાન વેકેશનની કરવામાં આવેલી જાહેરાત અંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે આ મામલે તેમને કોઈ જાણ નથી
અમદાવાદ : હાલમાં રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી વિભાવરીબેન દવેએ શાળા-કોલેજોમાં નવરાત્રિ દરમિયાન 15 ઓક્ટોબરથી 21 ઓક્ટોબર સુધી વેકેશનની જાહેરાત કરી દીધી હતી. આ વાતની મુખ્યમંત્રી સુદ્ધાંને જાણ નહોતી. શિક્ષણમંત્રીએ 21 તારીખે સુધી નવરાત્રિ વેકેશનની જાહેરાત તો કરી દીધી પરંતુ 19 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર સુધી ધોરણ 9થી 12ના તમામ પ્રવાહની પ્રથમ કસોટી જાહેર થઈ ચૂકી છે. આ જોતા જાહેરાતમાં મોટો લોચો ઉભો થયો છે અને વિદ્યાર્થીઓની મુંઝવણમાં વધારો થયો છે. વળી, નવરાત્રિની શરૂઆત 10 ઓક્ટોબરથી થઈ રહી છે, જ્યારે સરકારે 15 ઓક્ટોબરથી નવરાત્રિ વેકેશનની જાહેરાત કરી છે.
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના સંશોધન વિભાગ દ્વારા તૈયાર કરેલું અને બોર્ડની શૈક્ષણિક સમિતિએ મંજુર કરેલું 2018-19નું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં પણ નવરાત્રિ વેકેશનની કોઈ જાહેરાત ધ્યાનમાં લેવામાં આવી નથી. આ કેલેન્ડરમાં તારીખ 19 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર સુધી ધોરણ 9થી 12ની પ્રથમ કસોટી જાહેર કરવામાં આવી છે. પરંતુ રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી વિભાવરીબેન દવેએ નવરાત્રિ દરમિયાન 15 ઓક્ટોબરથી 21 ઓક્ટોબર સુધી વેકેશનની જાહેરાત કરી દીધી છે.
નોંધનીય છે કે શાળાઓમાં નવરાત્રિ દરમિયાન વેકેશનની કરવામાં આવેલી જાહેરાત અંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે આ મામલે તેમને કોઈ જાણ નથી. જ્યારે મુખ્યમંત્રી પહેલા રાજ્યકક્ષાના અને કેબિનેટ કક્ષાના મંત્રીઓ અનુક્રમે ડો. વિભાવરીબેન દવે અને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ નવરાત્રિ દરમિયાન મિનિ વેકેશનની સત્તાવાર જાહેરાત કરી દીધી હતી.
ઉલ્લેખનીય છે કે, નવરાત્રિ ગુજરાતનો મહત્વનો તહેવાર છે. મોડી રાત સુધી તમામ લોકો ગરબા રમતા હોય છે. જેથી સવારે શાળા કે કોલેજોમાં જવા માટે મુશ્કેલી થાય છે. આ દરમિયાન ઘણા વિદ્યાર્થીઓ શાળા-કોલેજોમાં રજા રાખતા હોય છે. હવેથી રજા જાહેર કરતા વિદ્યાર્થીઓને કોઇપણ મુશ્કેલી નહીં પડે.