Navsari News ધવલ પારેખ/નવસારી : વૃદ્ધાવસ્થામાં ટેકાની જરૂર હોય છે. એમાં પણ નિરાધાર વૃદ્ધ હોય એને આર્થિક ટેકો મળે તો અંતિમ પડાવમાં જીવન ચિંતામુક્ત રહે છે. ત્યારે સરકાર દ્વારા વિવિધ યોજના હેઠળ મળતું પેન્શન વૃદ્ધો માટે આશીર્વાદરૂપ હોય છે. પરંતુ જ્યારે ટેકનિકલ ખામીને કારણે પેન્શન મળતું અટકી જાય, ત્યારે એમની સ્થિતિ કફોડી બને છે. નવસારીના આદિવાસી પટ્ટાના વાંસદામાં જીવિત 80 વર્ષીય વૃદ્ધાને બે વર્ષોથી તેઓ મૃત હોવાના કારણ સાથે વૃદ્ધ પેન્શન મળતું બંધ થયું હતું. નિરાધાર માતાને પેન્શન મળે એવા પ્રયાસો કરતા દીકરી - જમાઈએ પણ હતાશ થયા હતા. અંતે Zee 24 કલાકનો સંપર્ક કરતા અમે તેમની સમસ્યા જાણી અને તેમને પેન્શન મળતું થાય એ દિશામાં પ્રયાસો આરંભ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાથમાં લાકડી લઈ જેમતેમ ચાલતા આ માજીની ઉંમર 80 વર્ષ છે. નવસારીના વાંસદા તાલુકાના દુબળ ફળિયા ખાતે રહેતા છનીબેન લાલજી પટેલ દિવ્યાંગ હોવા સાથે જ તેમને આંખે ઓછું દેખાઈ છે. છનીબેનને કૂખે ચાર દીકરીઓ જ જન્મી હતી અને ચારેય દીકરીઓને સાસરે વળાવી, પરંતુ પતિના મૃત્યુ બાદ નિરાધાર બન્યા હતા. જેથી છનીબેન ગામમાં જ રહેતી તેમની દીકરી ગંગાબેન સાથે રહેતા હતા. માતાની સ્થિતિ જોઈને તેમની દીકરી તેમને પોતાના ઘરે લઈ આવી. દીકરી ગંગા અને જમાઈ નલિન પટેલ બંને હાલ તેમની સેવા કરી રહ્યા છે. પરંતુ વર્ષોથી મળતું ઇન્દિરા ગાંધી વય વંદના વૃદ્ધ પેન્શન ઓક્ટોબર 2021 થી કોઈક કારણસર મળતુ બંધ થયું હતું. પુત્રી ગંગાબેન અને જમાઈ નલિન પટેલે બંધ થયેલ પેન્શન ફરી શરૂ કરાવવા ગામના તલાટી, વાંસદા મામલતદાર કચેરીમાં રજૂઆતો કરી હતી. જરૂરી દસ્તાવેજ પણ પૂર્ણ કરવાનો પ્રયાસ કર્યો, તેમ છતાં તેમનું પેન્શન શરૂ થઈ શક્યું ન હતું. 


છનીબેનના જમાઈ નલિનભાઈનું માનીએ તો કચેરીમાંથી તેમને એવું જણાવ્યું હતુ કે, કોમ્પ્યુટરમાં છનીબેન મરણ ગયેલ હોવાની નોંધ હોવાથી તેઓ જીવિત હોવાના પુરાવા માટે ગ્રામ પંચાયતમાંથી હયાતીનો દાખલો લાવવા કહ્યું હતું. પણ તેમાં પણ સમય પસાર થતા ગંગાબેનના પાડોશીએ Zee 24 કલાકના કન્ટ્રોલરૂમ કાર્યક્રમ વિશે જાણ કરી, સંપર્ક કરવા જણાવ્યુ અને નલિનભાઈએ અમારા કંટ્રોલ રૂમના નંબર પર સંપર્ક કર્યો હતો. નવસારીથી અમારી ટીમ વાંસદાના દુબળ ફળિયા પહોંચી, ગંગાબેન અને નલિનભાઈને મળ્યા અને સમગ્ર હકીકત જાણ્યા બાદ નલિનભાઈને લઈને વાંસદા મામલતદાર કચેરીએ પહોંચ્યા હતાં. જ્યાં મામલતદાર સાથે વાત કર્યા બાદ સબંધિત કર્મચારીને મળ્યા. 


એમને મળતા જ જાણવા મળ્યુ કે નલીનભાઈ અને એમનો પરિવાર જે સમજ્યો હતો, એમાં ભુલ હતી. છનીબેન મરણ ગયા હોવાથી નહીં, પણ ચાલુ એકાઉન્ટ સાથે જ અન્ય બે અરજીઓ અને તેના આધારે નોંધણી પણ થઈ હતી. જેમાં યોજનાઓ પણ અલગ અલગ હતી. બીજું છનીબેનના બેંક એકાઉન્ટમાં પણ એક આંકડાની ભુલ હતી. જેના કારણે છનીબેનનું પેન્શન મળતુ બંધ થયુ હતું. જેથી મામલતદાર કચેરીના કર્મચારીએ પ્રથમ છનીબેનના વધારાના બે એકાઉન્ટને રદ્દ કર્યા અને ત્યારબાદ જરૂરી દસ્તાવેજ જમાં કરાવવા કહ્યું હતું. 


બીજી તરફ સમગ્ર મુદ્દે વાંસદા પ્રાંત અધિકારીને જાણ થતા તેમણે પણ અંગત રસ દાખવી સંબંધિત કર્મચારી પાસેથી વિગતો મંગાવી વહેલામાં વહેલી તકે દુબળ ફળિયાના તલાટી પાસે કાર્યવાહી પૂર્ણ કરાવી પેન્શન મળતું થાય એવા આદેશ કર્યા હતા. જેના પરિણામે તલાટી પાસેથી છનીબેનના હયાતીનો દાખલો, પંચક્યાસ સાથે જ બેંક પાસબુકની નકલ તેમજ જરૂરી દસ્તાવેજો કર્મચારીએ મંગાવી મામલતદાર કચેરીએથી જરૂરી કાર્યવાહી પુરી કરી હતી. સાથે જ જિલ્લા અધિક કલેક્ટરને પત્ર સાથે જરૂરી કાગળો મોકલી છનીબેનનું અટકેલું પેન્શન ફરી શરૂ કરવા રજૂઆત કરી છે. જેથી હવે કલેક્ટર કચેરીએથી છનીબેન પટેલના બંધ થયેલ પેન્શનની કાર્યવાહી પૂર્ણ થતા તેમને પેન્શન મળતું થશે. સમગ્ર પ્રક્રિયાની છનીબેનના જમાઈ નીલનભાઈને પણ કર્મચારીએ સમજાવતા તેમને હવે સાસુમાંનું પેન્શન મળતું થશેની ખુશી તેમના ચહેરા પર જોવા મળી હતી, સાથે જ Zee 24 કલાકનો આભાર વ્યક્ત કર્યો હતો.