ધવલ પારેખ, નવસારીઃ ગુજરાતમાં ગેરકાયદેસર વ્યાજનો ધંધો કરતા વ્યાજખોરો તગડું વ્યાજ વસૂલતા હોવાની ફરીયાદો સામે આવી છે. પરંતુ નવસારીના મોલધરા ગામે વ્યાજ સાથે તગડી પેનલ્ટી અને મુદ્દલને ડબલ કરી તેના ઉપર વ્યાજ, હપ્તો ચુકી જવાય તો આગળના હપ્તા ભૂલી જવાના અને મુદ્દલ ફરી ડબલ કરી વ્યાજ વસૂલવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં 2 હજાર રૂપિયાની મુદ્દલ 1.31 લાખે પહોંચતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જેમાં પોલીસે બંને ભેજાબાજ વ્યાજખોરોની ધરપકડ કરી જેલના સળિયા ગણતા કરી દીધા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવસારીમાં કબીલપોર ખાતે રહેતો પ્રવિણ શાહ ઉંચા વ્યાજે રૂપિયા ફેરવતો હતો અને તેના માટે માણસો પણ રોક્યા હતા. જ્યારે નવસારીના મોલધરા ગામે રહેતો ઇમરાન નૌસરકા પ્રવિણ માટે કામ કરતો હતો. 5 વર્ષ અગાઉ ઇમરાનની જાળમાં તેના જ ગામનો 25 વર્ષીય તરવરતો યુવાન અક્ષય રાઠોડ ફસાયો હતો. વાયારમેન અક્ષય સાડીના ભરતકામ કરાવવાનો ધંધો પણ કરતો હતો. સાડી ભરત કરનાર મહિલાઓને  મજૂરીના રૂપિયા આપવા અક્ષયે 2000 રૂપિયા ઇમરાન પાસે 10 ટકાના વ્યાજે લીધા હતા. જેમાં વ્યાજના 200 રૂપિયા અને તારીખ ચુકી જાય તો એક દિવસની પેનલ્ટી 500 રૂપિયા આપવાની થતી હતી. પરંતુ ધંધા થકી ઉજ્જવળ ભવિષ્ય બનાવવાના સપના જોતા અક્ષયે હિંમત કરી વ્યાજે રૂપિયા લીધા અને ત્યારબાદ પણ જરૂર પડ્યે ટુકડે ટુકડે વ્યાજે રૂપિયા લઈ કુલ 31 હજાર રૂપિયા લીધા હતા. પરંતુ અક્ષય વ્યાજ ન ભરી શકતા ઇમરાને બે હજાર પેનલ્ટી ચઢાવી 33 હજાર અને એના ડબલ કરી 67 હજાર રૂપિયા આપવના બતાવી, 2830 રૂપિયાના 24 મહિનાના હપ્તા કરી આપ્યા હતા. 


આ પણ વાંચોઃ દારૂડિયા પતિના ત્રાસથી કંટાળી પત્નીએ કરી દીધી હત્યા, પોલીસે મહિલાની કરી ધરપકડ


18 હપ્તા અને તારીખ ચૂકતા 1 દિવસના 500 રૂપિયા લેખે પેનલ્ટી ભર્યા બાદ અક્ષય હપ્તા ભરી ન શકતા ઇમરાને તિકડમ લગાવી 18 હપ્તા ભૂલી જવા કહ્યું અને ફરી 67 હજાર રૂપિયા પર 10 ટકા વ્યાજ વસુલ્યું હતુ. ચાર મહિના બાદ ફરી અક્ષય વ્યાજ ભરી ન શકતા પેનલ્ટી સાથે મુદ્દલ 87 હજાર પર પહોંચી હતી. જેમાં ઓગસ્ટ 2022 સુધી રેગ્યુલર હપ્તા ભર્યા બા અક્ષયની આર્થિક સ્થિતિ નબળી પડતા ઇમરાન અને એના શેઠ પ્રવિણ શાહે મુદ્દલ રકમ 1.31 લાખથી વધુ કરી એના ઉપર 10 ટકા વ્યાજ આપવા જબરદસ્તી કરવા લાગ્યા હતા. 


વ્યાજ અને મુદ્દલ બંને આપવામાં અસમર્થ અક્ષયને પ્રવિણ અને ઇમરાન બંને ચોરી કર કે કિડની વેચ પણ અમારા રૂપિયા આપવા જ પડશેની ધમકી આપતા હતા. જેમાં અક્ષય આત્મહત્યા કરવા પણ તૈયાર થયો હતો, પરંતુ બાદમાં હિંમત કરી અક્ષય રાઠોડે ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ કરતા ગ્રામ્ય પોલીસે પ્રવિણ શાહ અને ઇમરાન નૌસરકાની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી તપાસને વેગ આપ્યો હતો. 


આ પણ વાંચોઃ અમદાવાદના વિકાસને મળશે વેગ, ચાંદખેડા સહિત ચાર ટીવી સ્કીમને મુખ્યમંત્રીએ આપી મંજૂરી


નવસારીમાં અત્યાર સુધીમાં નોંધાયેલી વ્યાજખોરીની ફરિયાદોમાં વ્યાજખોરો એ મુદ્દલ સામે અનેક ગણુ વ્યાજ વસૂલ્યું હોવાનું સામે આવ્યું છે. પરંતુ પ્રવિણ શાહ અને ઇમરાન નૌસારકાએ મુદ્દલને વ્યાજ સાથે ડબલ કરી 31 હજારને 1.31 લાખથી વધુની મુદ્દલ બનાવી દીધી હતી. ત્યારે આવા વ્યાજખોરો સામે સરકાર કડકમાં કડક પગલાં લે એજ સમયની માંગ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube