સ્નેહલ પટેલ/નવસારી :રાજ્યમાં રખડતા ઢોરના ત્રાસથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. પરંતુ હજી સુધી તેના ત્રાસમાંથી મુક્તિ મળતી નથી. નવસારી અને વડોદરાના ડભોઈમાં રખડતા ઢોરને લીધે બે મોત થયા છે. તો જામનગરમાં પણ રખડતા આખલાએ એક મહિલા પર હુમલો કરતાં મહિલા ગંભીર ઈજાગ્રસ્ત થઈ છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવસારી રખડતા ઢોરના કારણે એક વિદ્યાર્થીનું મોત નિપજ્યુ છે. રખડતા ઢોરે અડફેટે લેતા બી.કોમના ત્રીજા વર્ષમાં ભણતા વિશાલ હળપતિનું મોત થયું છે. આ પહેલા પણ નવસારીમાં ઢોરના ત્રાસથી અનેક લોકોના મોત થયા છે. રખડતા ઢોરને લઈને પાલિકા અધિકારી અને શાસકો પર ભૂતકાળમાં પોલીસ કેસ પણ થયા છે. રખડતા ઢોરોની સમસ્યાએ શહેરીજનોની નાકમાં દમ કર્યો છે. 


આ પણ વાંચો : સૂકી ધરતી જોઈને બનાસકાંઠાના ખેડૂતો બોલ્યા, હવે વરસાદ નહિ આવે તો આત્મહત્યા કરવી પડશે 


નવસારીમાં આજે સવારે પરીક્ષા આપવા જતા 20 વર્ષીય વિદ્યાર્થીને રખડતા ઢોરે અડફેટે લીધો હતો. વિશાલ હળપતિ નામનો યુવક ગાર્ડા કોલેજમાં અભ્યાસ કરે છે. આજે તેનુ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનું પેપર હતું. તે વહેલી સવારે બાઈક પર કોલેજ જવા નીકળ્યો હતો. ત્યારે કાલિયાવાડીની એબી સ્કૂલ પાસે એક ઢોરે તેને ટક્કર આપી હતી. રખડતા ઢોરે તેને બાઈક પરથી ફંગોળ્યો હતો. જેથી તે ઈજાગ્રસ્ત થયો હતો. રખડતા ઢોરે એટલી જોરથી વિશાલને ઉછાળ્યો હતો કે તેનુ માથુ ફાડુ નાંખ્યુ હતું. તે લોહીલુહાણ હાલતમાં રસ્તા પર પડ્યો હતો.


વિશાલને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. પરંતુ તે પહેલા જ તેનુ મોત નિપજ્યુ હતું. પરિવારને આ વિશેની જાણ થતા જ તેઓ દોડી આવ્યા હતા. માતાપિતા દીકરાનો મૃતદેહ જોઈને ચોધાર આસુએ રડી પડ્યા હતા.