સૂકી ધરતી જોઈને બનાસકાંઠાના ખેડૂતો બોલ્યા, હવે વરસાદ નહિ આવે તો આત્મહત્યા કરવી પડશે
Trending Photos
અલકેશ રાવ/બનાસકાંઠા :આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં સિઝનનો ફક્ત 25.89 % વરસાદ પડતાં ખેડૂતોનો પાક સુકાતા ખેડૂતોની હાલત કફોડી બની છે. વરસાદની આશાએ જિલ્લાના મોટાભાગના ખેડૂતોએ ચોમાસુ પાકનું વાવેતર કર્યું હતું, પણ વરસાદ ખેંચાતા ખેડૂતોનો મહામુલો પાક તેમની નજર સમક્ષ સુકાઈ રહ્યો હોવાથી જિલ્લા સહિત વડગામ પંથકના ખેડૂતોની હાલત કફોડી બની છે.
પાકિસ્તાનની સરહદે આવેલો બનાસકાંઠો જિલ્લો હંમેશા પાણીની તકલીફથી ઝઝૂમતો રહ્યો છે. જોકે નર્મદાની નહેર આવતા સરહદી વિસ્તારમાં સિંચાઇના પાણીની સમસ્યા થોડે અંશે ઓછી થઈ હતી. જોકે બનાસકાંઠાના મોટાભાગના તાલુકાઓ વરસાદ આધારિત હોવાથી ખેડૂતો વરસાદની આશાએ વાવેતર કરતા હોય છે. ત્યારે આ વર્ષે પણ જિલ્લાના ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ અને ખાતર લાવીને મોંઘી ખેડાઈ આપીને ચોમાસુ વાવેતર કર્યું હતું. જોકે વાવણી બાદ મોટાભાગના તાલુકાઓમાં નહિવત વરસાદ પડતાં અને વરસાદ ખેંચાતા ખેડૂતોનો પાક સુકાઈ રહ્યો છે.
વડગામ અને પાલનપુર તાલુકો ખેતી આધારિત છે મોટાભાગના ખેડૂતો ખેતી અને પશુપાલનના વ્યવસાય કરી પોતાનું ગુજરાન ચલાવે છે. આ વિસ્તારમાં પહેલેથી જ પાણીના તળ ખૂબ જ ઊંડા ગયા છે. તો આ વર્ષે વડગામ અને પાલનપુર પંથકમાં નહિવત વરસાદ પડ્યો છે અને વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત પડતા ઉપર પાટુ જેવી થઈ છે. ખેડૂતોએ સારો વરસાદ થશે તેવી આશાએ મોંઘા ભાવના બિયારણ લાવીને વાવેતર કર્યું હતું. પણ હવે પાણી વગર તેમનો મહામૂલો પાક સુકાઈ રહ્યો હોવાથી ખેડૂતોની હાલત કફોડી બની છે. જો હવે જલ્દી જ વરસાદ નહિ આવે તો ખેડૂતોનો તમામ પાક નિષ્ફળ જશે અને ખેડૂતો દેવાદાર બની જશે. જેથી આ વિસ્તારના ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર આ વિસ્તારમાં સિંચાઇની કોઈ યોજના લાવે. જેથી જો વરસાદ ખેંચાય તો પણ ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે અને તેમને નુકશાન વેઠવું ન પડે.
ખેડૂત મહેશભાઈ ચોધરી કહે છે કે, અમે સારા વરસાદની આશાએ મોંઘું બિયારણ લાવીને વાવેતર કર્યું હતું. પણ વરસાદ ખેંચાયો છે. અમારા પાક સૂકાઈ રહ્યાં છે. સરકાર આ વિસ્તારમાં કોઈ સિંચાઇની યોજના બનાવે. તો અન્ય એક ખેડૂત હીરાભાઈ મોરએ કહ્યું કે, વરસાદ ખેંચાતા અમારા મગફળી, જુવાર, એરંડા પાક સુકાઈ રહ્યા છે. જો વરસાદ નહિ આવે તો તમામ પાક નિષ્ફળ જશે. હવે અમારે આત્મહત્યા કરવી પડશે.
ખેડૂતોનું કહેવુ છે કે, આ વિસ્તારમાં વરસાદ ન થયા બરાબર છે, તેમાં પણ હવે વરસાદ ખેંચાયો છે અને પાક મુરઝાઇ ગયો છે. હવે અમે દેવાદર થઈ ગયા છીએ. સરકાર કોઈ સહાય આપે. વરસાદ નહિવત થવાથી પાક નિષ્ફળ ગયા છે. મોંઘું બિયારણ પણ ફેલ થયું છે. સરકાર કોઈ સિંચાઇની વ્યવસ્થા કરે અથવા કોઈ સહાય આપે. નહિ તો ખેડૂતો આત્મહત્યા કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે