Gujarat Elections 2022 હરીન ચાલીહા/દાહોદ :ગુજરાત વિધાનસભાની ચૂંટણીના તમામ પક્ષના ઉમેદવારો ફાઈનલ થઈ ગયા છે, ત્યારે દેવગઢ બારિયા વિધાનસભામાં મોટો અપસેટ સર્જાયો છે. કોંગ્રેસે જે બેઠક એનસીપીને આપી હતી, તેના પર એનસીપીના ઉમેદવારે પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેચ્યું છે. એનસીપીના ઉમેદવાર ગોપસિંગ લવારે ઉમેદવારી પત્ર ખેંચવાના દિવસે પોતાની ઉમેદવારી પરત ખેંચતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ત્યારે દેવગઢ બારિયા વિધાનસભા બેઠક પર હવે સીધી ટક્કર આમ આદમી તેમજ ભાજપ વચ્ચે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

NCPના ઉમેદવાર ગોપસિંહ પ્રતાપસિંહ લવારે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવું એ કોંગ્રેસ માટે મોટો ઝટકો સમાન છે. જો દેવગઢ બારિયામાં કોંગ્રેસ ચૂંટણીમાંથી નીકળી જાય તો કોંગ્રેસને એક બેઠકનુ નુકસાન થઈ શકે છે. 


અમે મોટું દિલ દેખાડીને ગઠબંધન કર્યુ હતું - કોંગ્રેસ 
દેવગઢ બારીયામાં એનસીપી ઉમેદવારના ફોર્મ પરત ખેંચવા અંગે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્માએ જણાવ્યું કે, અમે મોટુ દિલ દેખાડતા એનસીપી સાથે ગઠબંધન કર્યું હતું. ઉમેદવાર અંગે પહેલી જવાબદારી એનસીપીની હતી. એનસીપી ગઠબંધન ધર્મ નિભાવવાની જવાબદારી જયંત બોસ્કીની હતી. ફોર્મ પરત ખેંચ્યું હોય તો દુઃખદ છે. 



3 બેઠકો પર કોંગ્રેસ-એનસીપીનું ગઠબંધન
વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ અને એનસીપી વચ્ચે મતદાન થયુ હતું. અમદાવાદની નરોડા, આણંદ જિલ્લાની ઉમરેઠ અને દાહોદ જિલ્લાની દેવગઢ બારિયા એ ત્રણ બેઠકો માટે ગઠબંધન થયુ છે. ગઠબંધનના ભાગરૂપે એનસીપી આ ત્રણેય બેઠકો પરથી તેના ઉમેદવારો ઉભા રાખ્યા છે. જેમાં એનસીપીએ દેવગઢબારિયામાં ગોપસિંગ લવારને ટિકિટ આપી હતી. ગોંડલ બેઠક પરથી ચૂંટણી લડવાની ઇચ્છા રાખનાર રેશ્મા પટેલ અને કુતિયાણાના વર્તમાન ધારાસભ્ય કાંધલ જાડેજાને એનસીપી તરફથી ટિકિટનો મેન્ડેટ મળ્યો ન હતો. જેને પગલે આ બંને નેતાઓ પક્ષના વલણ પરત્વે ભારે નારાજ થયા હતા.