NEET ના રિઝલ્ટમાં ટોપ 50માં ગુજરાતના 5 વિદ્યાર્થીઓ, અમદાવાદના જયે કહ્યું; `હવે હું પરિવારનું સ્વપ્ન પુરું કરીશ`
ઓલ ઇન્ડિયા રેંકિંગમાં 16મુ સ્થાન મેળવનાર જય રાજ્યગુરુ સાથે ઝી 24 કલાકે ખાસ વાતચીત કરી હતી. જય રાજ્યગુરુએ કહ્યું કે, મને ધારેલું પરિણામ મળવાનો આનંદ છે. પહેલાથી જ મેં વિચાર્યું હતું કે AIIMS દિલ્લીમાં પ્રવેશ મેળવી ડોક્ટર બનવું છે.
અતુલ તિવારી/અમદાવાદ: NEET યુજી 2022નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે, ત્યારે સમગ્ર દેશમાં રાજસ્થાનની તનિક્ષા 99.99 પર્સેન્ટાઇલ સાથે પ્રથમ આવી છે. ટોપ 50માં ગુજરાતના 5 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ત્યારે સારા પર્સેન્ટાઇલ મેળવીને ટોપર બનેલા વિદ્યાર્થીઓ પાસેથી તેમની સફળતા પાછળનું રહસ્ય જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
NEET યુજીનાં પરિણામ મુજબ 580 કરતા વધુ માર્ક મેળવનાર વિદ્યાર્થીઓને સરકારી મેડિકલ કોલેજમાં પ્રવેશ મળે એવી શક્યતાઓ એક્સપર્ટ દ્વારા વ્યક્ત કરાઈ છે. ત્યારે વડોદરાની ઝીલ વ્યાસે ઓલ ઇન્ડિયા મેરીટ 9મુ અને અમદાવાદના જય રાજ્યગુરુએ 16મું સ્થાન હાસિલ કર્યું છે. ઝીલ વ્યાસે 720 માંથી 710 અને જય રાજ્યગુરુએ 706 માર્ક મેળવ્યા છે.
વડોદરાના ઝીલ વ્યાસે પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પ્રવેશ પરીક્ષા (NEET) UG 2022ના પરિણામમાં દેશમાં 9મો રેન્ક મેળવીને ગુજરાત ટોપર બની છે. ઝીલ વ્યાસે જણાવ્યું હતું કે, કેટલા કલાક વાંચવું અગત્યનું નથી, પરંતુ કેવું વાંચો છો તે અગત્યનું છે. ખાનગી ઇન્સ્ટીટ્યૂટ હોય કે સરકારી ઇન્સ્ટીટ્યૂટ હોય કે પછી ઘરે અભ્યાસ કરતા હોય, તેનાથી કોઇ ફરક પડતો નથી. કેવી રીતે અભ્યાસ કરવો અને કેટલા કલાક અભ્યાસ કરવો તે સ્ટુડન્ટ ઉપર આધાર રાખે છે.
ઓલ ઇન્ડિયા રેંકિંગમાં 16મુ સ્થાન મેળવનાર જય રાજ્યગુરુ સાથે ઝી 24 કલાકે ખાસ વાતચીત કરી હતી. જય રાજ્યગુરુએ કહ્યું કે, મને ધારેલું પરિણામ મળવાનો આનંદ છે. પહેલાથી જ મેં વિચાર્યું હતું કે AIIMS દિલ્લીમાં પ્રવેશ મેળવી ડોક્ટર બનવું છે. મેં મારા ટેબલ પર AIIMS દિલ્લીનું સ્ટીકર લગાવ્યું હતું. જય રાજ્યગુરુએ કહ્યું કે, મારા પરિવારમાં તમામ લોકો ડોક્ટર છે, મેં પણ ડોક્ટર બનવાનું વિચાર્યું હતું. પરિવારમાં મારા માતા - પિતા અને બહેન ડોક્ટર છે, હવે હું પણ ડોક્ટર બનીને માતા-પિતાનું સ્વપ્ન પૂરું કરીશ.
જયના માતાએ કહ્યું કે, પરિવારમાં તમામ સભ્યો ડોક્ટર જ હતા, એટલે પુત્ર પણ ડોક્ટર બને એવી ઈચ્છા હતી. મારા પુત્રએ આખરે જે પરિણામ મળ્યું છે, એનાથી ડોક્ટર બનવાનું અમારું સ્વપ્ન પૂરું થયું છે. પરિવારમાં બધા ડોક્ટર હતા એટલે પુત્ર પણ ડોક્ટર બને એવી ઈચ્છા હતી.
ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાંથી અંદાજે 15.97 લાખ વિદ્યાર્થીઓએ NEET યુજી 2022 ની પરીક્ષા આપી હતી. ધોરણ 12 સાયન્સ બાદ મેડિકલ, ડેન્ટલ, આયુષ, પશુ ચિકિત્સક જેવા ક્ષેત્રમાં અભ્યાસ માટે પ્રવેશ મેળવવા NEET PG 2022 ની પરીક્ષા યોજાઇ હતી.
ભારતના 542 શહેરોમાં, જ્યારે વિશ્વના અન્ય 14 દેશોમાં NEET UG 2022 ની પરીક્ષા લેવાઇ હતી. જુદી જુદી કુલ 13 ભાષામાં NEET UG 2022નું આયોજન કરાયું હતું. વિદ્યાર્થીઓ હિન્દી, ગુજરાતી, અંગ્રેજી, આસામી, ઉર્દુ, બંગાળી, કન્નડ, મલયાલમ, મરાઠી, ઉડીયા, પંજાબી, તમિલ અને તેલુગુ ભાષામાં પરીક્ષા લેવાઈ હતી.
NEET UG 2022 ની પરીક્ષા 720 માર્કની લેવાઈ હતી. પરીક્ષામાં 200 MCQ નું પેપર પુછાયા હતા. જેમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી વિષયને લગતા પ્રશ્નોનો સમાવેશ થતો હતો. એક MCQ 4 માર્કનો, એમ કુલ 180 MCQ પુછાયા હતા. સાચા જવાબનો 4 માર્ક અને ખોટા જવાબનો એક માર્ક માઈનસ હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube