ચેતન પટેલ/સુરત: શહેરના ઉધના વિસ્તારમાંથી આજે સવારના સમયે રાહદારીઓને એક તાજી જન્મેલી બાળકી રોડની એક તરફના ભાગે ત્યજી દેવાયેલી હાલમાં મળી હતી. આ બાળકીના પગ કાળા રંગથી રંગવામાં આવ્યા હતા જેના કારણે તાંત્રીક વિધી માટે આ બાળાનો ઉપયોગ કરાયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે, બાળકીની હાલત જોતા તેનો કોઇ હોસ્પિટલમાં જ જન્મ થયો હોવાનું માનવામાં આવે છે અને જન્મ છુપાવવા માટે કે સંતાન પુત્રી હોવાથી ત્યજી દેવાયાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અવાવરૂ જગ્યા પર ફેકી બાળકી 
સુરત શહેરના ઉધના રોડ મહાલક્ષ્મી મંદિર નજીક જાહેર રોડ પર બાજુની સાઇડમાં આવેલી અવાવરૂ જગ્યા પાસેથી પસાર થતા રાહદારીએ એક માસુમ બાળકીના રડવાનો અવાજ સંભળાયો હતો. જેથી સ્થાનિક લોકો દ્વારા 108ને જાણ કરવામાં આવી હતી. 108ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પહોંચી હતી. અને તેમણે બાળકીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી.


વધુ વાંચો...રાજકોટમાં નોનવેજના શોખીનો આ ખાસ વાંચી લે, નિયમોમાં આવ્યો મોટો બદલાવ


બાળકીના પગે કાળો કલર
જે બાળકીને ત્યજી દેવામાં આવી છે તેના બન્ને પગ પર મેશ જેવો કાળો કલર લગાવવામાં આવ્યો છે અને તેના કારણે એવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આ બાળકીનો ઉપયોગ કોઇ તાંત્રીક વિધી કરવા માટે કરવામાં આવ્યો હોઇ શકે છે. જો કે, હાલના તબક્કે પોલીસને આ અંગે અન્ય કોઇ પુરાવા હાથ લાગ્યા નથી.


પોલીસે શરી કરી તપાસ
બીજી તરફ એવુ પણ જાણવા મળે છે કે, બાળકીના જન્મ બાદ તેની જે પ્રમાણે દરકાર કરવામાં આવી છે તે જોતા તેનો કોઇ નજીકની હોસ્પિટલમાં જન્મ થયો હશે અને ત્યાર બાદ જન્મ છુપાવવા માટે તેને આ પ્રકારે ત્યજી દેવામાં આવી હશે. હાલના તબક્કે તો પોલીસ દ્વારા આ તમામ સંભાવનાઓને ધ્યાનમાં લઇને તપાસ શરૂ કરવામાં આવી છે.