ગુજરાતમાં પાણીપૂરી પર મુકાઈ જશે પ્રતિબંધ? નીતિન પટેલે કરી મોટી સ્પષ્ટતા
સ્વાદના રસિયાઓની ફેવરિટ પાણીપૂરી પર આખા ગુજરાતમાં પ્રતિબંધ મુકાઈ જાય એવી ચર્ચા ચાલી હતી
અમદાવાદ : વડોદરામાં રોગચાળો ફાટી નીકળ્યા બાદ પાણીપૂરીની લારીઓ બંધ કરાવી દેવાઈ હોવાના અહેવાલ બાદ સમગ્ર ગુજરાતમાં પાણીપૂરી પર પ્રતિબંધ આવી શકે છે તેવી અટકળોને નકારતા ડેપ્યુટી સીએમ નીતિન પટેલે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું છે કે પાણીપૂરી કે પછી કોઈપણ ફુડ પર પ્રતિબંધ મૂકવાનો સરકારનો કોઈ ઈરાદો નથી. નીતિન પટેલે જણાવ્યું હતું કે, કાયદાકીય રીતે કોઈ ફુડ આઈટમ પર પ્રતિબંધ મૂકવો શક્ય જ નથી. વળી, સ્ટ્રીટ ફુડથી લાખો લોકોને રોજગારી મળતી હોવાથી સરકાર તેના પર પ્રતિબંધ મૂકવાનું વિચારી પણ ન શકે. જોકે, તેમણે જણાવ્યું હતું કે ફુડ આઈટમ્સને બનાવવા કે વેચાણ કરવામાં સ્વચ્છતા ન જાળવનાર વેપારીઓ કે ફેરિયા સામે કાર્યવાહી ચાલુ રહેશે.
સ્વાદના રસિયાઓની ફેવરિટ પાણીપૂરી પર આખા ગુજરાતમાં પ્રતિબંધ મુકાઈ જાય એવી ચર્ચા ચાલી હતી. હાલમાં વડોદરામાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળ્યા બાદ શહેરમાં પાણીપૂરીની લારીઓ પર તંત્રએ લાલ આંખ કરી છે. હવે આ સંજોગોમાં ચર્ચા ચાલી છે કે આગામી દિવસોમાં બીજા શહેરોમાં પણ વડોદરાની ઘટનાનું પુનરાવર્તન ન થાય તે આશયથી પાણીપૂરીની લારીઓ બંધ કરાવવામાં આવી શકે છે. અમદાવાદમાં પણ પાણીપૂરી વેચનારાઓ સામે કડક કાર્યવાહી શરુ થઈ ગઈ છે.
રિપોર્ટ પ્રમાણે પાણીપૂરીની પૂરી તળવાનું કામકાજ મોટાભાગે ચાલી તેમજ ઝૂંપડપટ્ટીના વિસ્તારોમાં જ થતું હોય છે. અહીં સ્વચ્છતાના કોઈ જ ધારાધોરણ પાળવામાં આવતા નથી. આ સિવાય એકના એક જ તેલમાં પૂરી તળવામાં આવે છે. આવી પૂરી ખાવાથી પેટના રોગો થઈ શકે છે.
પાણીપૂરીને તીખી બનાવવા માટે કેટલાય ફેરિયાઓ તેમાં જોખમી કેમિકલ નાખતા હોય છે. થોડા સમય પહેલા જ અમદાવાદમાં પાણીપૂરીના પાણીમાં ટોઈલેટ ક્લીનર નાખનારા એક પકોડીવાળાને કોર્ટે સજા પણ ફટકારી હતી. ચોમાસાના આ માહોલમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનરે ગુજરાતના તમામ મોટા શહેરોમાં દરોડા પાડી લોકોના સ્વાસ્થ્યને નુક્સાન પહોંચે તેવી પાણીપૂરી વેચતા ફેરિયાઓ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ કર્યો છે.