બાપડા બિચારા ગુજરાતી યુવાનોને નોકરીના ફાંફા, ને ધારાસભ્યોની સરભરા માટે 94 પટાવાળાની આખી ફૌજ

Peon For Gujarat MLA : પ્રજાના પ્રતિનિધિ એવા ધારાસભ્યોના નિવાસ સ્થાને 94 પટાવાળાને તેમની સેવા માટે મૂકાયા, જેની પાછળ સરકાર દર મહિને 20 લાખનો ખર્ચ કરે છે
Gujarat Vidhansabha : ગુજરાતમાં યુવાનોને નોકરીના ફાંફા છે. સરકારી નોકરી માટે યુવકોને આંદોલન કરીને રસ્તા પર ઉતરવું પડે છે. ત્યારે બીજી તરફ, પ્રજાના પ્રતિનિધિઓની સરભરા માટે પટાવાળાઓની આખી ફૌજ મૂકાઈ છે. પાટનગર ગાંધીનગરમાં ધારાસભ્યોના નિવાસ સ્થાને તેમની સેવાચાકરી માટે 94 પટાવાળાઓની આખી ફૌજ મૂકાઈ છે. આ પટાવાળા પાછળ સરકાર દર મહિને 20 લાખનો ધુમાડો કરે છે.
ધારાસભ્યો એટલે પ્રજાના પ્રતિનિધિ. જેમને પ્રજા દ્વારા ચૂંટાઈને વિધાનસભામાં મોકલવામાં આવે છે. આ પ્રતિનિધિઓ પ્રજાના પ્રશ્નો સભામાં રજૂ કરે છે. એક તરફ ગુજરાત વિધાનસભામાં સરકારી નોકરી, બેરોજગારી, સરકારના અનેક વિભાગમાં ખાલી જગ્યાઓના પ્રશ્નો ચર્ચાઈ રહ્યાં છે. વિવિધ વિભાગોમાં સરકારી ભરતી થતી નથી તેવા આંકડા ખુદ સરકાર રજૂ કરી રહી છે. ત્યારે બીજી તરફ, માત્ર ધારાસભ્યોની સરભરા કરવા માટે તેમના નિવાસ સ્થાને સરકારે 94 પટાવાળા મૂક્યાં છે.
ગુજરાતમાં અહીંથી નીકળશે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા, કોંગ્રેસ કરી રહી છે પ્લાનિંગ
વિધાનસભા સત્ર ચાલુ હોય ત્યારે તમામ ધારાસભ્યો તેમના નિવાસ સ્થાને હાજર હોય છે. ત્યારે તેમના સેવા માટે પટાવાળા પણ 24 કલાક હાજર હોય છે. આ પટાવાળા માટે સરકાર આઉટ સોર્સિંગ કરે છે. આ માટે એક ખાનગી એજન્સીને કોન્ટ્રાક્ટ અપાયો છે. આ પટાવાળાઓ માટે સરકાર દર મહિને 20 લાખનો ખર્ચ કરે છે. આંકડા કહે છે કે, છેલ્લાં બે વર્ષમાં સદસ્ય નિવાસ સ્થાને ફરજ બજાવતા પટાવાળાને કુલ ત્રણેક કરોડનો પગાર ચૂકવાઈ ગયો છે.
ડોક્ટરની ગંભીર ભૂલ! પ્રસૂતિના ઓપરેશન બાદ મહિલાના પેટમાં રહી ગયો કોટનનો ટુકડો
ભાજપના રાજમાં ખાનગી એજન્સીઓને ઘી-કેળા થઈ ગયા છે, તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. વર્ષ 2022 માં પટાવાળાને રોજ 485 રૂપિયા પગાર ચૂકવાતો હતો, તે વધારીને વર્ષ 2023 માં 708 રૂપિયા થયો છે. કાયમી કર્મચારીઓ હવે નિવૃત્ત થયા બાદ, સરકાર નવી ભરતી કરી નથી રહી, જેથી હંગામી અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓથી કામ ચલાવવામાં આવી રહ્યું છે. જેને કારણે ખાનગી એજન્સીઓને ફાયદો થઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ ગાંધીનગરમાં ધારાસભ્યોના નિવાસ સ્થાને 54 પટાવાળા ફરજ બજાવતા હતા, પરંતું હવે આ સંખ્યા વધારીને 84 કરાઈ છે. આ બતાવે છે કે, સરકારને પ્રજાની સમસ્યા ઉકેલવામાં કોઈ રસ નથી, પરંતું ધારાસભ્યોની સેવામાં કંઈ ઘટવું ન જોઈએ.
ગુજરાતમાં આ શહેરમાં અચાનક ઢળી પડે છે લોકો, બધાના મોતની પેર્ટન એક જેવી