અમદાવાદ : ગુજરાત ચૂંટણીને ધ્યાનમાં લઈને ભાજપ અને કોંગ્રેસે 12 ડિસેમ્બરે અમદાવાદમાં રોડ શો કરવાની પરવાનગી માગી હતી. ભાજપ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી આ રોડ શોમાં હિસ્સો લેવાના હતા. ભાજપે અમદાવાદના ધરણીધર વિસ્તારથી અને  કોંગ્રેસે જગન્નાથ મંદિરથી રોડ શો કરવાની પરવાનગી માગી હતી. આ રોડ શો મામલે અમદાવાદ પોલીસ કમિશનર અનુપ કુમાર સિંહે કહ્યું છે કે સુરક્ષા, કાયદો અને ટ્રાફિકને કારણે જનતાને અસુવિધા થઈ શકે એમ હોવાથી રોડ શોને મંજૂરી નથી આપવામાં આવી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વારાણસીનો રોડ શો
આ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તરપ્રદેશની ચૂંટણી દરમિયાન પોતાના મતવિસ્તાર વારાણસીમાં રોડ શો કરી ચૂક્યા છે. રાહુલ ગાંધી પણ સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ સાથે ઉત્તરપ્રદેશમાં રોડ શો કરી ચૂક્યા છે. પોતાના હોમ સ્ટેટ ગુજરાતમાં બીજેપીને સત્તા પર જાળવી રાખવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જબરદસ્ત પ્રચાર કરી રહ્યા છે. આ વખતે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જબરદસ્ત મુકાબલો છે. બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ સ્વીકારી ચૂક્યા છે કે તેઓ કોંગ્રેસને હળવાશથી લેવાની ભુલ નહીં કરે.



પહેલા તબક્કા પછી કન્ફ્યુઝન
ગુજરાત વિધાનસભાના પહેલા તબક્કાનું કુલ મતદાન 66.75 ટકા રહ્યું. આ વોટિંગ પેટર્ન જોઈને બીજેપી અને કોંગ્રેસ બંનેના જીવ ઉંચા થઈ ગયા છે. ધારણા કરતા ઓછું વોટિંગ થવાના લીધે અટકળોનું બજાર ગરમ છે. આ પહેલાં 2012ની ચૂંટણીમાં 182 સીટ પર 71.32 ટકા મતદાન થયું હતું. 2017ના પ્રથમ તબક્કાના મતદાનની વાત કરીએ તો ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિ્કારીના કાર્યલય તરફથી જાહેર થયેલી માહિતી પ્રમાણે 19 જિલ્લાઓની 89 સીટો પર 2.12 કરોડ મતદાતાઓમાંથી 1.41 કરોડ મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે.