Ahmedabad Bus Corruption : ભાજપ સાથે રહો તો માલામાલ થઈ જશો. એટલે જ ઘણા લોકો કેસરિયો છોડતા નથી. ગુજરાતમાં ધંધો કરવો હોય તો ભાજપનું પીઠબળ હોવું એ જરૂરી છે. અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની ૬૨૫ જેટલી બસ ભાજપના મળતીયા ઓપરેટરોને પધરાવી દેવામાં આવી હોવાનો મ્યુનિ.બજેટ બેઠકમાં વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. આટલેથી પણ કોંગ્રેસે તો એવો આક્ષેપ કર્યો છે કે જે બજારમાં દસ બસ લઈ આવ્યા હતા એ આજે પાંચસો બસોના ગુજરાતમાં માલિક થઈ ગયા છે. કોન્ટ્રાકટરોને વર્ષે ૨૨૫ કરોડની રકમ ચૂકવવામાં આવે છે. એ.એમ.ટી.એસ.ના બજેટ ઉપરની ચર્ચા દરમિયાન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હીતેશ બારોટે એક તબક્કે કહ્યું હતું કે, એ.એમ.ટી.એસ.ના ૯૦૦ જેટલા કર્મચારીઓને મ્યુનિસિપલ કોર્પોરેશનના અલગ અલગ વિભાગમાં ફરજ ઉપર મુકવામાં આવ્યા છે. જેમના પગારના દર મહિને ૩૬ કરોડનો ખર્ચ પણ મ્યુનિ.તંત્ર ઉપાડે છે. એ.એમ.ટી.એસ.ની બસ જે ખાનગી ઓપરેટરોને ચલાવવા માટે આપવામા આવી છે, એ ઓપરેટરોને વર્ષે રૂપિયા ૨૨૫ કરોડ જેટલી રકમ એ.એમ.ટી.એસ.દ્વારા ચુકવવામા આવી રહી છે. આ પરિસ્થિતિમાં જે આપણે મ્યુનિસિપલ બસો ચલાવવીએ તો બીજે વધારાનો રુપિયા 1500 કરોડનો ખર્ચ થાય એમ હોવાથી એ.એમ.ટી.એસ.ની બસો ખાનગી ઓપરેટરને ચલાવવા આપીએ છીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખરેખર આ આક્ષેપો સાચા હોય તો આ મામલો તપાસનો વિષય છે. કોંગ્રેસ પક્ષના જગદીશ રાઠોડે તો સુધારા પરની ચર્ચા દરમિયાન અમદાવાદ મ્યુન્સિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ બદલીને ભારતીય જનતા પાર્ટી ટ્રાન્સપોર્ટ સર્વિસ રાખવાનો સમય થઈ ગયો હોવાનો બળાપો કાઢ્યો છે. હાલમાં એએમસી પર 3962 કરોડનું જંગી દેવું છે. કોંગ્રેસે આટલેથી પણ ન અટકી બળાપો કાઢ્યો હતો કે, થોડા સમય પહેલાં એએમસીએ 118 જેટલી સીએનજી બસો લેવામાં આવી હતી. એક બસ દીઠ 25.44 લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો હતો. આ બસો ખાનગી ઓપરેટરોને પધરાવી દેવામાં આવી છે. હજુ કંગાળ એએમસી બીજી 300 બસો લેવાનું આયોજન કરી રહી છે. એ બસો પણ લઈને ખાનગી ઓપરેટરોને પધરાવી દો એટલે એમને નવી બસો મળી જાય. અમદાવાદમાં ખાનગી ઓપરેટરો માટે જ એએમટીએસ ચલાવાઈ રહી હોવાના આક્ષેપો થઈ રહ્યાં છે. એએમસી તંત્ર આ મામલે બચાવ કરી રહી છે પણ આ આક્ષેપોએ અમદાવાદમાં ચર્ચા જગાવી છે. 


આ પણ વાંચો : 


અમદાવાદમાં રહેવાના અરમાન હોય તો જાણી લેજો કે અહી હવામાં ઝેર છે : રિપોર્ટમાં ખુલાસો


સાવધાન : 3 નહીં, આ 16 નિયમો તોડ્યા તો પોલીસ નહીં હોય તો પણ ફરફરિયું આવશે ઘરે


એ.એમ.ટી.એસ.માં કોની કેટલી બસ? 


ઓપરેટર         ઓનર    બસ


અર્હમ ટ્રાન્સપોર્ટ     ઉમેદ જૈન  -  109
ટાંક ઓપરેશન્સ     યશવંતભાઈ  -  164
આદીનાથબલ્ક     નરેન્દ્રજૈન  -  115
મારુતી ટ્રાવેલ્સ     એચ.એ.ડાગા  -  144
શ્રી મારુતી ટ્રાવેલ્સ     હસમુખ પટેલ  -  43
શ્રી મારુતી ટ્રાવેલ્સ     એચ.એ.ડાગા  -  100
માતેશ્વરી બસ        બલવંત ટાંક -   50
ટાંક બસ        યશવંત ટાંક   - 50
અહર્મ ટ્રાન્સપોર્ટ     ઉમેદ જૈન -   65
આદીનાથ બ્લેક     નરેન્દ્ર જૈન -   65
ટાંક બસ        યશવંતભાઈ -   70


અમદાવાદીઓને બસો મળતી નથી, પણ સરકારી કાર્યક્રમો હોય તો તુરંત બસો ફાળવાઈ જાય છે. ભલે કોઈ પણ રૂટ કેન્સલ કરી દેવો પડે. જેના પગલે છેલ્લા એક વર્ષમાં સરકારી કાર્યક્રમમાં 6399 બસો ફાળવાઈ છે, પણ તંત્ર તરફથી 5.52 કરોડથી વધુનો ખર્ચ થયો છે. AMTS દ્વારા સરકારી કાર્યક્રમો માટે બસ ફાળવણીની સામે ૧,૫૯,૧૮,૮૯૫ જેટલી રકમ બસની માંગણી કરનાર સંસ્થા દ્વારા ચૂકવવામાં આવ્યા છે. હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ફાળવવામાં આવેલી ૩૭૧૭ બસોની રુપિયા ૩,૩૫,૪૫,૬૭૫ જેટલી રકમ જમા ખર્ચીની પ્રક્રીયા કરી મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી વસૂલ કરવામા આવશે. કોંગ્રેસના અમરાઈવાડી વોર્ડના કોર્પોરેટરને આપવામા આવેલા લેખિત જવાબમાં આ ખુલાસો કરાયો છે. જોકે, ખરેખર ભાજપના મળતિયાઓને આ બસો પધરાવી દેવાઈ હોય તો આ મામલો અતિ ગંભીર છે. સત્તાધિશો ખર્ચ બચાવવાને બહાને ખાનગી ઓપરેટરોને ફાયદો કરાવાઈ રહ્યાં હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. 


આ પણ વાંચો : 


જ્યાં પ્રમુખ સ્વામી મહારાજના અંતિમ સંસ્કાર થયા હતા ત્યાં બન્યું ભવ્ય મંદિર