E Samay Ni Vat Che ચિંતન ભોગાયતા/અમદાવાદ : ગુજરાતના હાલના મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ, જે પાટીદાર છે. ભૂતકાળમાં પણ પાટીદાર સમાજમાંથી ગુજરાતમાં મુખ્યમંત્રી બની ચૂક્યા છે. પણ ઈતિહાસ રહ્યો છે કે પાટીદાર મુખ્યમંત્રી ક્યારેય 5 વર્ષનો કાર્યકાળ પૂરો નથી કરી શક્યા. અત્યાર સુધીમાં ગુજરાતમાં કેટલા પાટીદાર મુખ્યમંત્રી બન્યા છે અને એમની સરકાર કેટલા વર્ષ ચાલી છે એ જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ એ સમયની વાત છે જ્યારે વર્ષ હતું 1973. ગુજરાતના પહેલા પાટીદાર મુખ્યમંત્રી બન્યા હતા ચીમનભાઈ પટેલ. એમની પેહલાની એટલે કે ઘનશ્યામ ઓઝાની સરકાર વખતે ગુજરાતમાં ભયંકર દુકાળ પડ્યો હતો. તેને કારણે દરેક ચીજવસ્તુઓના ભાવ વધી રહ્યા હતા, મોંઘવારી વધતી જતી હતી. લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. તેવામાં મોરબીની એન્જિનિયરિંગ કોલેજના ફૂડ બિલમાં વધારો કરવામાં આવ્યો. જેને લઈને વિદ્યાર્થીઓ વિફર્યા હતા અને આ વધારાનો સખતાઈપૂર્વક વિરોધ કર્યો હતો. આ માટે મોરબીની કોલેજમાં ‘નવનિર્માણ યુવા સમિતિ’ બનાવવામાં આવી હતી. તેણે આ મોરચાની કમાન સંભાળી હતી. અમદાવાદ સુધી આ ઘટનાના પડઘા પડ્યા, ગુજરાતમાં ઠેર ઠેર આંદોલન થયા. એકસાથે ગુજરાતના 40 શહેરમાં કરર્ફ્યૂ નાંખી દેવામાં આવ્યો. પોલીસે 1400 રાઉન્ડ ગોળીબાર કર્યો, 100થી વધુ માણસો મૃત્યુ પામ્યા અને 300થી વધુ ઈજાગ્રસ્ત થયા. માત્ર 207 દિવસના ટૂંકા સમયગાળામાં ચીમનભાઈ રાજીનામું મૂકવા માટે મજબૂર થઈ ગયા.


1975 માં ચૂંટણી આવી તેમાં પ્રથમવાર ગુજરાતમાં બીન કોંગ્રેસી સરકાર રચાઈ સંસ્થા કોંગ્રેસ, જનસંઘ અને સંયુકત સમાજવાદી પક્ષ જેવા પક્ષોના બનેલા જનતા મોરચાની સરકાર આવી. સંસ્થા કોંગ્રસ એ પૂર્વ પ્રધાનમંત્રી મોરારજીભાઈ દેસાઈની આગેવાની હેઠળનો પક્ષ હતો. આ પ્રથમ બીન કોંગ્રેસી સરકારના મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઈ પટેલ બન્યા અને બીજા પાટીદાર આગેવાન ચીમનભાઈ પટેલ કે જેમણે કોંગ્રેસ સાથે છેડો ફાડીને કીસાન મજદૂર લોક પક્ષ (કિમલોપ) નામનો પક્ષ રચ્યો હતો. તેઓ મુખ્યમંત્રી બન્યા 1975ની 26મી જૂને. ઈન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી લાદી અને પછી ગુજરાતમાં ફરી એકવાર પક્ષપલ્ટાનો દોર શરૂ થયો અને બાબુભાઈને સત્તા છોડવી પડી. માધવસિંહ સોલંકીની આગેવાની હેઠળ શાસક કોંગ્રેસની સરકાર રચાઈ પણ કટોકટી ઉઠતાની સાથે કેન્દ્રમાં મોરારજીભાઈ દેસાઈની આગેવાની હેઠળ પ્રથમ બિનકોંગ્રેસી સરકાર રચાઈ અને ગુજરાતમાં પણ સત્તા પલ્ટો થયો અને બાબુભાઈ ફરી મુખ્યમંત્રી બન્યા પણ 1980માં ફરી સત્તા પલ્ટો થતાં તેમની છ માસની મુદ્દત બાકી હતી છતાં તેમને સત્તા છોડવી પડી.


1980 અને 1985માં તો દેશભરમાં અને ગુજરાતમાં હાથના પંજાવાળી કોંગ્રેસનું શાસન હતું. 1990માં કેન્દ્રમાં બીજી બિન કોંગ્રેસી સરકાર જનતા દળના વી.પી.સિંહની આગેવાની હેઠળ રચાઈ. ત્યારબાદ યોજાયેલી ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસ ખરાબ રીતે હારી અને કીમલોપનો સંકેલો કરી જનતા દળમાં ભળેલા પાટીદાર આગેવાન ચીમનભાઈ પટેલ ભાજપની ભાગીદારી સાથે ફરી મુખ્યમંત્રી બન્યા. જો કે 1991 રામ રથયાત્રા બાદ ભાજપ અલગ પડ્યું. ચીમનભાઈએ જનતા દળ (ગુજરાત) રચ્યું અને પહેલા કોંગ્રેસના ટેકાથી અને ત્યારબાદ કોંગ્રેસમાં ભળી જઈ સરકાર ચલાવી પણ કમનસીબે તેમનું નીધન થતાં નાણાંમંત્રી છબીલદાસ મહેતા મુખ્યમંત્રી બન્યા હતા.


1995 માં ભાજપની 120 બેઠકોની બહુમતી સાથેની સરકાર આવી કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા. જો કે શંકરસિંહ વાઘેલાના બળવાને કારણે તેમને એક સવા વર્ષનાં ટૂંકા ગાળામાં સત્તા છોડવી પડી. તેમણે ટૂંકા ગાળામાં સારી કામગીરી કરી હતી. જો કે શંકરસિંહ વાઘેલા અને તેમના અનુગામી દિલીપભાઈ પરીખનું મુખ્યમંત્રી પદ પણ લાંબુ ચાલ્યું નહિ 1998માં વહેલી ચૂંટણી આવી અને ભાજપને બહુમતી આવતા કેશુબાપા ફરી મુખ્યમંત્રી તો બન્યા પણ 2000ની સાલમાં કેટલીક પેટા ચૂંટણી અને સ્થાનિક ચૂંટણીમાં ભાજપના થયેલા પરાજયના પગલે કેશુ બાપાને 2003ના બદલે 2001માં જ સત્તા છોડવી પડી. તેઓ બીજી વખત પણ પોતાની મુદ્દત પૂરી ન કરી શક્યા. 


2014ના મે માસમાં પાટીદાર મહિલા નેતા આનંદીબેન પટેલ મુખ્યમંત્રી બન્યા પાટીદાર અનામત આંદોલન અને 2016ના સ્થાનિક ચૂંટણીના પરિણામ બાદ તેમને પણ 2016 સપ્ટેમ્બરમાં સત્તા છોડવી પડી...આમ વધુ એક પાટીદાર મુખ્યમંત્રી પોતાની મુદ્દત પુરી કરી શક્યા નહીં


ટૂંકમાં બાબુભાઈ પટેલથી...કેશુભાઈ પટેલ સહિત કોઈ પાટીદાર મુખ્યમંત્રી ગમે તે કારણોસર મુદ્દત પૂરી ન કરી શક્યા. બાબુભાઈને કટોકટી નડી. ચીમનભાઈને પહેલી વખત નવનિર્માણ આંદોલન નડ્યું બીજી વખત સીએમ બન્યા ત્યારે પાંચ વર્ષ પૂરા થાય તે પહેલાં જ અવસાન થઈ ગયું તો કેશુ બાપાને એક વખત ભાજપના બંડખોરોએ ઉથલાવ્યા તો બીજી વખત દિલ્હીથી હાઈકમાન્ડે કરેલા નિર્ણયના કારણે કેશુબાપાને સત્તા છોડવી પડી...તો આનંદીબેન પટેલે ભલે ઉંમરનું બહાનું આપ્યું હોય પરંતુ તેમને પાટીદાર અનામત આંદોલન અને સ્થાનિક ચૂંટણીના પરિણામો જ નડી ગયા હતા એ નોંધવું પડે.


અત્યારે પણ ગુજરાતના મુખ્યમંત્રી પાટીદાર સમાજમાંથી આવે છે. ભૂપેન્દ્ર પટેલ. તમને શું લાગે છે દાદા તરીકેની ઓળખ ધરાવતા ભૂપેન્દ્ર પટેલ પાંચ વર્ષ પૂરા કરી ઈતિહાસ બદલશે?