અમદાવાદઃ અમદાવાદમાં આવેલી સિવિલ હોસ્પિટલને એશિયાની સૌથી મોટી હોસ્પિટલ ગણવામાં આવે છે. આ હોસ્પિટલમાં દરરોજ હજારો દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. દર્દીઓ સાથે તેના પરિવારજનો પણ મોટી સંખ્યામાં હોય છે. તેવામાં સિવિલ હોસ્પિટલે દર્દીઓ કે તેના પરિવારજનોને મુશ્કેલી ન પડે તે માટે પાણીદાર પહેલ કરી છે. હવે સિવિલ હોસ્પિટલના કોઈપણ વિભાગમાં સારવાર માટે આવતા દર્દીઓને પીવાનું પાણી પહોંચાડવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે એક-એક વ્યક્તિને અપાશે પાણી
અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા હોસ્પિટલ ઉપરાંત હોસ્પિટાલીટીને પ્રાધાન્ય આપીને નવીન પહેલ હાથ ધરવામાં આવી છે. સિવિલ અને 1200 બેડ હોસ્પિટલની ઓ.પી.ડી. બિલ્ડીંગમાં આવતા દર્દી અને તેમના સ્વજનો અને ખાસ કરીને વૃધ્ધો અને દિવ્યાંગજનોને હોસ્પિટલ તંત્રના સ્ટાફ દ્વારા પીવાનું પાણી આપવામાં આવશે. વેઇટીંગ એરિયામાં બેસેલા લોકોને વ્યક્તિગત સ્તરે પહોંચીને પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે.


અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અમદાવાદ ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાઓ અને રાજ્ય બહારના દર્દીઓ પણ સારવાર મેળવવા આવે છે. દુર-સુદૂર, અંતરિયાળ વિસ્તારોમાંથી આવતા દર્દી અને સ્વજનો જ્યારે વેઇટીંગ એરિયામાં હોય કે પછી કેસ કઢાવવા રાહ જોતા હોય કે પછી તબીબને મળવાની રાહ જોતા હોય તે વખતે કોઇ ડિહાઇડ્રેટ ન થઇ જાય તે હેતુથી આ સેવાનો પ્રારંભ કરાવવામાં આવ્યું હોવાનું સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું છે. 


આ પણ વાંચોઃ જય મા ખોડલ : મા ખોડિયાર અહીં છે હાજરા હજૂર, દર વર્ષે આપે છે શક્તિનો પરચો


સમગ્ર મિકેનીઝમ સમજાવતા ડૉ. જોષીએ કહ્યું કે, ઓ.પી.ડી. બિલ્ડીંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર વોટર કુલર કાર્યરત છે. પરંતુ ઘણી વખત તબીબને મળવાની કે કેસ કઢાવવા રાહ જોતા દર્દી કે સ્વજન કતાર તોડીને ત્યાં જતા નથી. જેથી આ સમસ્યાના સમાધાન હેતું હોસ્પિટલ સ્ટાફ દ્વારા વોટર જગ અને ગ્લાસ ધરાવતી ટ્રોલીને સમગ્ર વિસ્તારમાં મુવ કરીને જરૂરીયાતમંદોને પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે. 


જે મુજબ ઓ.પી.ડી. બિલ્ડીંગમાં સર્જિકલ, ઓર્થોપેડિક, મેડિસીન ઓ.પી.ડી, કેસ બારી, લેબ સેમ્પલ કલેકશ વિસ્તાર, આર.એમ.ઓ. ઓફિસ વિસ્તાર અને રેડિયોલોજી ડિપાર્ટમેન્ટની બહાર ઉપલબ્ધ દર્દી અને સ્વજનોને આ સેવાનો લાભ આપવામાં આવશે. 


અત્રે નોંધનીય છે કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દરરોજ અંદાજીત 4000 થી વધુ લોકો ઓ.પી.ડી. સેવાનો લાભ મેળવે છે. એવામાં અમદાવાદ સિવિલ હોસ્પિટલની આ પહેલ ખરા અર્થમાં તમામ મુલાકાતીઓની સુખાકારીમાં વધારો કરશે તેમ ડૉ. જોષીએ જણાવ્યું હતુ.