રાજ્યમાં ૮ મહાનગરોના શહેરી વિકાસ સત્તામંડળોના અધ્યક્ષ તરીકે મ્યુનિસિપલ કમિશનર રહેશે : રાજ્ય સરકાર
સંબંધિત જિલ્લા કલેકટર મહેસૂલી-સેવા સેતુ-જનહિતલક્ષી કામગીરી પર ધ્યાન કેન્દ્રીત કરી શકે તે હેતુથી મુખ્યમંત્રીનો મહત્વપૂર્ણ નિર્ણય
ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના આઠ મહાનગરોના શહેરી વિકાસ સત્તામંડળોના અધ્યક્ષ તરીકે સંબંધિત મહાનગરોના કમિશનરોને નિમણૂંક આપવાનો નિર્ણય કર્યો છે. હાલ આ સત્તામંડળોના અધ્યક્ષ તરીકે જે-તે જિલ્લાના કલેકટર કાર્યભાર સંભાળે છે.
જિલ્લા વહીવટીતંત્રના વડા તરીકે કલેકટર મહેસૂલી કામગીરીની સાથે-સાથે રાજ્ય સરકારની અન્ય જનહિતલક્ષી કામગીરી તેમજ સેવા સેતુ પર વધુ ધ્યાન કેન્દ્રીત કરી શકે તે હેતુથી મુખ્યમંત્રીએ આ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર હવે અમદાવાદ (ઔડા), વડોદરા (વુડા), સુરત (સુડા), રાજકોટ (રૂડા), જામનગર (જાડા), ભાવનગર (બાડા), જૂનાગઢ (જૂડા) અને ગાંધીનગર (ગુડા)ના શહેરી વિકાસ સત્તામંડળોના અધ્યક્ષ તરીકે આ મહાનગરોના મ્યુનિસિપલ કમિશનર કાર્ય કરશે.
રાજ્યમાં શહેરી વિકાસ સંબંધિત કામગીરીમાં શહેરી વિકાસ વિભાગ અને શહેરી મ્યુનિસિપલ સત્તાતંત્રના વડા કમિશનર વચ્ચે સાતત્ય, સંકલન જળવાઇ રહે અને વિકાસલક્ષી કામો તથા શહેરી સુખાકારીમાં વધુ ત્વરિતતા અને ગતિ લાવવાના હેતુથી મુખ્યમંત્રીએ શહેરી વિકાસ સત્તામંડળોમાં અધ્યક્ષ તરીકે મ્યુનિસિપલ કમિશનરની નિમણૂંક કરવાનો નિર્ણય લીધો છે.