રાજ્યમાં છેલ્લાં પાંચ વર્ષમાં સિંહોની વસ્તીમાં 28.87 ટકાનો વધારો, સંખ્યા વધીને 674 થઈ
ગુજરાતની આન, બાન અને શાન ગણાતા ગીરના જંગલમાં રહેતા સિંહની વસ્તીમાં વધારો થયો છે. રાજ્ય સરકારે વિધાનસભામાં આજે આ માહિતી આપી હતી. ગીરના જંગલમાં સિંહની વસ્તી વધવી તે તમામ ગુજરાતીઓ અને દેશ માટે એક ખુશીના સમાચાર છે.
ગાંધીનગરઃ રાજ્યમાં વર્ષ 2020માં કરવામાં આવેલી સિંહોની વસ્તી ગણતરી અનુસાર રાજ્યમાં સિંહોની કુલ સંખ્યા 674 જેટલી થઈ છે. એટલે કે, સિંહોની અગાઉની વસ્તી ગણતરી પછીના પાંચ વર્ષમાં સિંહોની સંખ્યામાં 151 જેટલો વધારો થયો હોવાની વિગતો આજે વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવી હતી. આ અગાઉ વર્ષ 2015માં સિંહોની ગણતરી કરવામાં આવી હતી, ત્યાર બાદ કુલ 28.87 ટકા જેટલો વધારો નોંધાયો છે.
રાજ્યની 15મી વિધાનસભાનું બીજું સત્ર હાલ ચાલી રહ્યું છે, ત્યારે રાજ્યમાં સિંહોની સંખ્યા તેમજ સિંહોના સંવર્ધન અને સંરક્ષણ માટે રાજ્ય સરકાર દ્વારા લેવાયેલાં પગલાંઓ વિશેના પ્રશ્ન સંદર્ભે વિગતો રજૂ કરવામાં આવી હતી. જે અનુસાર, રાજ્યમાં છેલ્લે સિંહોની વસ્તી ગણતરી વર્ષ 2015માં કરવામાં આવી હતી. ત્યાર બાદ વર્ષ 2020માં કરવામાં આવેલા પૂનમ અવલોકન અનુસાર સિંહોની સંખ્યામાં 151 જેટલો વધારો થતાં ગુજરાતમાં સિંહોની કુલ સંખ્યા 674 પર પહોંચી છે. જે મુજબ 206 નર, 309 માદા અને 29 બચ્ચાં હતાં, જ્યારે 130 સિંહોની જાતિની ઓળખ થઈ શકી નથી.
આ પણ વાંચોઃ પાટણના બ્રાહ્મણવાડા ગામમાં 700 વર્ષ જૂની પરંપરા, માતાઓ આ રીતે કરે છે હોળીની ઉજવણી
દરમિયાન, સિંહોના અકુદરતી મૃત્યુ અટકાવવા માટે તેમજ તેમના સંવર્ધન અને સંરક્ષણ માટે સરકાર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. જેમ કે, અકસ્માત વખતે સિંહોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે લાયન એમ્બ્યુલન્સ વસાવવામાં આવી છે તેમજ વેટરનરી ઓફિસર, રેસ્ક્યુ માટે રેપિડ એક્શન ટીમ તથા રેસ્ક્યુ ટીમની રચના કરી ટ્રેકર્સની નિમણૂક કરવામાં આવી છે. સક્કરબાગ, દેવળીયા સફારી પાર્ક, આંબરડી તથા જીનપુલમાં વેક્સિનેશન પણ કરાયું છે.
આ સિવાય, ગીર બોર્ડર અને તેની આસપાસના રેવન્યૂ વિસ્તારોના ખુલ્લા કૂવાઓને પારાપેટ વોલ બાંધવામાં આવી છે તેમજ સાસણમાં હાઇટેક મોનિટરિંગ યુનિટની સ્થાપના કરી, કુલ ચાર ચેકનાકા પર સીસીટીવી કેમેરા પણ મૂકવામાં આવ્યા છે. આ સિવાય, સમયાંતરે પોલીસ, વન વિભાગ અને પી.જી.વી.સી.એલ. વિભાગ દ્વારા સંયુક્ત પેટ્રોલિંગ પણ હાથ ધરાય છે. તમામ સિંહોને રેડિયો કોલરિંગ પણ કરવામાં આવેલા છે. જેથી સિંહોના અકુદરતી મૃત્યુ અટકાવી શકાય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube