આજે સવારથી ગુજરાતની જમીન પર પાણીનું એક ટીપું પણ નથી પડ્યું, વરસાદનો વિરામ...
બે દિવસથી ગુજરાતમાં સવારના વરસાદની ગેરહાજરી દેખાઈ રહી છે. બપોર બાદ કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે
હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાતમાં આખરે વરસાદે વિરામ લીધો છે. જેના હાશકારો તમામ લોકોએ લીધો છે. હવામાન ખાતા પાસેથી મળેલા લેટેસ્ટ અપડેટ અનુસાર, રાજ્યમાં આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં ક્યાંય વરસાદ નોંધાયો નથી. આજે સવારથી ગુજરાતની ધરતી પણ એક ટીપું પણ નથી પડ્યું. આવામાં રાજ્યમાંથી વરસાદ વિરામ બાદ વિદાય લે તેવી સ્થિતિ લાગી રહી છે. બે દિવસથી ગુજરાતમાં સવારના વરસાદની ગેરહાજરી દેખાઈ રહી છે. બપોર બાદ કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. તો છેલ્લા ૨૪ કલાકમાં માત્ર 27 તાલુકામાં જ વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો : 800 કિલો ક્લોરીન ગેસ શામળાજીના પ્લાન્ટમાંથી થયો લીકેજ, બે ગામના લોકોના શ્વાસ રુંધાયા
પ્રાપ્ત અપડેટ અનુસાર, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 27 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના દાંતીવાડામાં અને મહીસાગરના કડાણા તાલુકામાં પોણા બે ઇંચ વરસાદ પડ્યો છે. તો દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર અને જૂનાગઢના માળીયામા 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. કચ્છના ભૂજ અને મહીસાગરના લુણાવાડામાં 1 ઇંચ કરતા વધારે વરસાદ ખાબક્યો છે.
આ પણ વાંચો : નવા સીમાંકનથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો રસ્તો ક્લિયર થયો, વોર્ડ દીઠ બેઠકનો નક્શો બદલાયો
તો બીજી તરફ, નર્મદા નદીની સ્થિતિ પણ સામાન્ય બની રહી છે. હાલ માત્ર એક દરવાજો જ ખુલ્લો રખાયો છે. સરદાર સરોવર ડેમના લેટેસ્ટ અપડેટ અનુસાર, સવારે 9 વાગ્યા સુધીમાં ડેમની સપાટી 135.34 મીટર છે. તો પાણીની આવક 27,139 ક્યુસેક છે. ગેટ દ્વારા અને પાવરહાઉસ દ્વારા નદીમાં પાણીની જાવક 43,865 ક્યૂસેક છે. કેનાલમાં પાણીની જાવક 12,819 ક્યૂસેક છે. ગેટ, પાવરહાઉસ અને કેનાલથી કુલ પાણીની જાવક 56,684 ક્યૂસેક છે. હાલ 1 દરવાજો 0.35 મીટર સુધી ખોલાયો છે. જોકે, આજે વહેલી સવારે 10 દરવાજા 3 મીટર સુધી ખૂલ્યા હતા. જેના બાદ 9 દરવાજા બંધ કરાયા હતા.