નવા સીમાંકનથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો રસ્તો ક્લિયર થયો, વોર્ડ દીઠ બેઠકનો નક્શો બદલાયો

ગુજરાતના શહેરોમાં વોર્ડ દીઠ બેઠક નક્શામાં ફેરફાર થયો છે. ગુજરાતની 5 મહાનગરપાલિકાઓ, 6 નગરપાલિકાઓ, 16 જિલ્લા પંચાયતો અને 29 તાલુકા પંચાયતોના સીમાંકનમાં ફેરફાર થયો 

Updated By: Sep 4, 2020, 08:43 AM IST
નવા સીમાંકનથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો રસ્તો ક્લિયર થયો, વોર્ડ દીઠ બેઠકનો નક્શો બદલાયો

હિતલ પારેખ/ગાંધીનગર :સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજવાનો રસ્તો ક્લિયર થયો છે. આ વર્ષના અંતે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે એ પહેલાં રાજ્ય ચૂંટણી પંચે નવું સીમાંકન (delimitation) જાહેર કર્યું છે. મહાનગર પાલિકા, નગર પાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતોના હદ વિસ્તારમાં ફેરફાર કરાયો છે. રાજ્ય ચૂંટણી પંચે (election commission) બેઠક અને વિસ્તારમાં ફેરફારની કામગીરી પૂર્ણ કરીને તેને જાહેર કરી હતી. આમ હવે ગુજરાતના શહેરોમાં વોર્ડ દીઠ બેઠક નક્શામાં ફેરફાર થયો છે. ગુજરાતની 5 મહાનગરપાલિકાઓ, 6 નગરપાલિકાઓ, 16 જિલ્લા પંચાયતો અને 29 તાલુકા પંચાયતોના સીમાંકનમાં ફેરફાર થયો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા મહત્વના ફેરફાર કરવામાં આવ્યો છે. આ જાહેરનામા બાદ હવે રાજકીય પક્ષો અને નાગરિકોના વાંધા સૂચનોની પ્રક્રિયાનો પ્રારંભ થશે. 

ક્યાં ક્યાં કરાયા મોટા ફેરફાર 

  • જે 5 મહાનગરપાલિકાઓ છે તેમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગર મહાનગર પાલિકાના સીમાંકનમાં ફેરફાર થયો છે. જે 6 નગર પાલિકાઓના સીમાંકનમાં બદલાવ આવ્યો છે તેમાં મધ્ય ગુજરાતની પેટલાદ નગરપાલિકા, દક્ષિણ ગુજરાતની નવસારી-વિજલપોર નગર પાલિકા, સૌરાષ્ટ્રની પોરબંદર-છાયા નગર પાલિકા, મોરબી નગર પાલિકા, સાવરકુંડલા નગરપાલિકા અને સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ નગર પાલિકા પણ સામેલ છે. 
  • આ ઉપરાંત 16 જિલ્લા પંચાયતોના સીમાંકનમાં પણ બદલાવ થયો છે. તેમાં દક્ષિણ ગુજરાતની સુરત, નવસારી અને ભરૂચ જિલ્લા પંચાયત સામેલ છે. મધ્ય ગુજરાતમાં અમદાવાદ, વડોદરા અને દાહોદ જિલ્લા પંચાયત સામેલ છે. સૌરાષ્ટ્રની રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, પોરબંદર, ગીર સોમનાથ અને કચ્છ જિલ્લા પંચાયતના સિમાંકનમાં બદલાવ આવ્યો છે. તો ઉત્તર ગુજરાતની ગાંધીનગર અને પાટણ જિલ્લા પંચાયતનું સીમાંકન બદલાયું છે. 
  • જે 29 તાલુકા પંચાયતોના સીમાંકનમાં બદલાવ આવ્યો છે તેમાં ચોર્યાસી, કામરેજ, ઓલપાડ, પલસાણા, નવસારી, ભરૂચ, વાગરા, દસક્રોઈ, સાણંદ, વડોદરા, લીમખેડા, સીંગવડ,  રાજકોટ, મોરબી વાંકાનેર, ચોટીલા, ભાવનગર ગ્રામ્ય, જેસર, સાવરકુંડલા, પોરબંદર કોડીનાર, ગીર ગઢડા, ઊના, મુન્દ્રા, ગાંધીનગર, કલોલ, માણસા, પાટણ અને સરસ્વતી તાલુકા પંચાયતના સીમાંકનમાં બદલાવ આવ્યો છે.

આ પણ વાંચો : શામળાજીના પ્લાન્ટમાં મૂકેલો 900 કિલોમાંથી 800 કિલો ક્લોરીન ગેસ લીકેજ થયો, બે ગામના લોકોના શ્વાસ રુંધાયા

અમદાવાદના 17 વોર્ડમાં ફેરફાર 
અમદાવાદ કોર્પોરેશનનું નવું વોર્ડ સીમાંકન જાહેર થયું છે. જેમાં વોર્ડની સંખ્યા 48 જ રખાઈ છે. પરંતું 17 વોર્ડના વિસ્તારોમાં ફેરફાર થયા છે. જેમાં બોપલ-ઘુમાના સાઉથ બોપલને સરખેજ વોર્ડમાં સમાવેશ કરાયો છે. તો અન્ય તમામ વિસ્તારો જોધપુર, થલતેજ અને બોડકદેવ વોર્ડમાં સમાવેશ કરાયો છે. રિંગ રોડ પર આવેલા ખોડિયાર વિસ્તાના સર્વે નંબરોનો ગોતા વોર્ડમાં સમાવેશ કરાયો. ચિલોડાને સરદારનગર વોર્ડમાં, કઠવાડાને નિકોલ વોર્ડમાં સમાવાયો. નવા વિસ્તારોનો સમાવેશ કરવામાં આવતા નિકોલનો કેટલોક ભાગ ઠક્કરનગર વોર્ડમાં જયારે ઠક્કરનગરનો કેટલોક ભાગ સૈજપુર, ઈન્ડિયાકોલોની અને નરોડા વોર્ડમાં એડ કરાયો છે. સરખેજમાં સાઉથ બોપલને મર્જ કરવામાં આવતા તેના કેટલાક વિસ્તારો મકતમપુરામાં સમાવેશ કરાયા છે. મોટા ભાગના વોર્ડમાં અનામત બેઠકોમાં પણ ફેરફાર કરાયા છે.

સુરતમાં બદલાયેલું સીમાંકન 
સુરત મહાનગર પાલિકાનું નવું વોર્ડ સીમાંકન જાહેર કરાયું છે. જેમાં કુલ 30 વોર્ડમાં 120 બેઠક રહેશે. 120 બેઠકમાં 50 ટકા બેઠક મહિલા અનામત બેઠક ફાળવાઈ છે. સુરતમાં 12 વોર્ડની 12 બેઠક પછાત વર્ગ માટે અનામત રખાઈ છે. જેમાં વોર્ડ નંબર 7, 13, 10, 9, 6, 22, 11, 20, 12, 30, 19, 8 બેઠકો સામેલ છે. તો 12 બેઠકમાંથી 6 બેઠક પછાત વર્ગની મહિલાઓ માટે અનામત રહેશે. 3 વોર્ડની 3 બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત રખાઈ છે. વોર્ડ નંબર 8, 2 અને 22 માં આ બેઠક સામેલ છે. જેમાં 1 બેઠક પુરુષ અને 2 મહિલા માટે અનામત રખાઈ છે. 4 બેઠક અનુસૂચિત આદિજાતિ માત્ર અનામત છે.